Editorial

શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાના પ્રયાસો હવે અનિવાર્ય બનતા જાય છે

ગ્લોબલ વૉર્મિંગ એ હવે કોઇ નવા શબ્દો નથી. પૃથ્વીનું વધતું તાપમાન એ હવે ઘણા સમયથી ચર્ચાતો રહેલો મુદ્દો બની ગયો છે. પરંતુ કરૂણ વાત એ છે કે ઘણા સમયથી ચર્ચા ચાલતી હોવા છતાં અને આ તાપમાન ઘટાડવા માટેની જાત જાતની યોજનાઓની વૈશ્વિક સ્તરે વાતો થતી હોવા છતાં આ દિશમાં નક્કર કાર્ય ઘણુ જ ઓછું થાય છે અને પરિણામે પૃથ્વીનું તાપમાન વધતું જ રહે છે અને આપણા માટે જોખમી સંજોગોમાં વધારો કરતું રહે છે.

આ બાબતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા કરવામાં આવેલ એક નવો અભ્યાસ ચેતવણી આપે છે કે ગ્લોબલ વોર્મિંગની વધતી ગતિ આગામી થોડા દાયકાઓમાં અબજો લોકોને જોખમી રીતે ઊંચા તાપમાનનો સામનો કરવા મજબૂર કરી શકે છે. વિશ્લેષણ મુજબ, જો વૈશ્વિક સરેરાશ તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી 2 ડિગ્રી સેલ્સિયસ વધે છે—જેને વૈજ્ઞાનિકો હવે વધુને વધુ સંભવિત માની રહ્યા છે, તો 2050 સુધીમાં વિશ્વની લગભગ અડધી વસ્તી એટલે કે આશરે 3.79 અબજ લોકો અતિશય ગરમીની સ્થિતિમાં જીવતા હશે.

સંશોધકો સાવધ કરે છે કે ગંભીર અસરો આ સમયગાળા પહેલા જ દેખાવા લાગશે. પેરિસ કરાર દ્વારા નિર્ધારિત 1.5 ડિગ્રી સેલ્સિયસની મર્યાદાની નજીક તાપમાન પહોંચતા જ ગરમીના સંપર્કમાં આવવાનું પ્રમાણ ઝડપથી વધશે. 2010 માં, અતિશય ગરમીએ વૈશ્વિક વસ્તીના લગભગ 23% લોકોને અસર કરી હતી; ‘નેચર સસ્ટેનેબિલિટી’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં આ આંકડો વધીને 41% થઈ શકે છે.

કેટલાક પ્રદેશોમાં ગરમીના જોખમમાં ખાસ કરીને ઝડપી વધારો જોવા મળશે, જેમાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, નાઇજીરીયા, દક્ષિણ સુદાન, લાઓસ અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. દરમિયાન, સૌથી વધુ સંખ્યામાં અસરગ્રસ્ત લોકો ભારત, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નાઇજીરીયા અને ફિલિપાઇન્સ જેવા ગીચ વસ્તી ધરાવતા દેશોમાં હશે. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે ઐતિહાસિક રીતે ઠંડી આબોહવા ધરાવતા દેશો પણ આમાંથી બાકાત નહીં રહે. 2006-2016 ના સ્તરની તુલનામાં, 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો ઓસ્ટ્રિયા અને કેનેડામાં ગરમ દિવસોની સંખ્યા બમણી કરી શકે છે.

યુકે, સ્વીડન અને ફિનલેન્ડમાં લગભગ 150%નો વધારો જોવા મળી શકે છે, જ્યારે નોર્વે અને આયર્લેન્ડમાં 200% કે તેથી વધુનો વધારો અનુભવાઈ શકે છે. આ આંકડાઓ ભયંકર છે. મુખ્ય લેખક ડૉ. જીસસ લિઝાનાએ નોંધ્યું છે કે હીટિંગ અને કુલિંગની માંગમાં મોટાભાગના ફેરફારો 1.5 ડિગ્રીની મર્યાદા પહોંચતા પહેલા જ આવશે, જેનો અર્થ છે કે અનુકૂલન માટેના પ્રયાસો અપેક્ષા કરતા વહેલા શરૂ કરવા પડશે. સંશોધકો ચેતવણી આપે છે કે ઠંડા પ્રદેશોમાં ઇમારતો અને માળખાગત સુવિધાઓ લાંબા સમય સુધી ચાલતી ગરમી માટે તૈયાર નથી, જે લાખો ઘરોને માત્ર થોડા વર્ષોમાં એર-કન્ડિશનિંગ અપનાવવા માટે મજબૂર કરી શકે છે.

ડૉ. લિઝાનાએ જણાવ્યું કે, અમારો અભ્યાસ દર્શાવે છે કે કુલિંગ અને હીટિંગની માંગમાં મોટાભાગના ફેરફારો 1.5 ડિગ્રી સેલ્સિયસના ઉંબરે પહોંચતા પહેલા જ થાય છે, જેના માટે અગાઉથી નોંધપાત્ર અનુકૂલન પગલાં લાગુ કરવા જરૂરી બનશે. ઉદાહરણ તરીકે, આગામી પાંચ વર્ષમાં ઘણા ઘરોમાં એર કન્ડીશનીંગ લગાવવાની જરૂર પડી શકે છે, પરંતુ જો ગ્લોબલ વોર્મિંગ 2.0 ડિગ્રીએ પહોંચશે તો તાપમાન ત્યાર પછી પણ વધતું રહેશે. તેમણે ઉમેર્યું કે, 2050 સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જનના વૈશ્વિક લક્ષ્યને હાંસલ કરવા માટે, આપણે ઇમારતોના ક્ષેત્રને કાર્બન મુક્ત કરવાની સાથે વધુ અસરકારક અને સ્થિતિસ્થાપક અનુકૂલન વ્યૂહરચના વિકસાવવી જ પડશે.

આ વધતું તાપમાન માણસના જીવન પર ઘણી દૂરગામી અસરો કરી શકે છે. અને અન્ય જીવસૃષ્ટિને પણ તે વ્યાપક અસર કરી શકે છે જેની પણ અસર છેવટે માણસોને  થઇ શકે છે. ઓક્સફર્ડના નિષ્ણાતોએ ઉમેર્યું કે 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ વોર્મિંગ સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ અને સ્થળાંતર પર દૂરગામી અસરો કરી શકે છે, જ્યારે કુલિંગ અને ઉર્જા માટેની વૈશ્વિક માંગમાં પણ તીવ્ર વધારો થશે.

ડૉ. રાધિકા ખોસલા, જેઓ સ્મિથ સ્કૂલ ઓફ એન્ટરપ્રાઈઝ એન્ડ એન્વાયરમેન્ટમાં એસોસિયેટ પ્રોફેસર છે, તેમણે જણાવ્યું હતું કે આ અભ્યાસ દરેક માટે ‘વેક-અપ કોલ’ હોવો જોઈએ. તેમણે ઉમેર્યું કે, અમારા તારણો એક ચેતવણી સમાન છે. 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુનું વોર્મિંગ શિક્ષણ અને આરોગ્યથી લઈને સ્થળાંતર અને ખેતી સુધીની દરેક બાબતો પર અભૂતપૂર્વ અસર કરશે. નેટ-ઝીરો ટકાઉ વિકાસ એ જ સતત વધતા ગરમ દિવસોના વલણને કાયમ માટે ઉલટાવવાનો એકમાત્ર સ્થાપિત માર્ગ છે. તે અનિવાર્ય છે કે રાજકારણીઓ આ દિશામાં ફરીથી પહેલ કરે. નેટ ઝીરો કે શૂન્ય કાર્બન ઉત્સર્જનની દિશામાં પગલા ભરવા માટે સજ્જ થઇશું તો જ ભયંકર સંજોગો ટાળી શકીશું.

Most Popular

To Top