રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. બે દિવસથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યાં છે. રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી ચાર-પાંચ દિવસ રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી કરી છે. આ સાથે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
દરમિયાન આજે સવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં જોરદાર વરસાદ વરસ્યો હતો. નવસારીમાં ભારે વરસાદને પગલે નવનિર્મિત ઓવરબ્રિજના છેડે પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં પણ સવારે જોરદાર વરસાદ વરસતા લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. સુરતમાં સંભવિત વાવાઝોડાને ધ્યાનમાં રાખીને સુરત ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર, એટલે કે ICCCમાં ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાવાઝોડા પર લાઇવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ તોફાની પવન અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તા. 24થી 27 મે સુધી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદને લઈને યલો એલર્ટ અપાયું છે. અરબી સમુદ્રમાં અત્યારે વોલમાર્ક લો-પ્રેશર સક્રિય થવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે. 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નવસારીમાં ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયું
નવસારી શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ જનજીવન પ્રભાવિત થયું હતું. પૂર્વ અને પશ્ચિમ વિભાગને જોડતા ઓવરબ્રિજ પાસે જ પાણી ભરાયું હતું. 110 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો. રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. મહાનગરપાલિકાએ પાણી રોકવા માટે 17 લાખ રૂપિયાના ખર્ચે દિવાલ બનાવી હતી, તેમ છતાં પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાવાને કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે.
ભારે પવન ફૂંકાતા કેરીના પાકને નુકસાનની ભીતિ
વ્યારા શહેર અને જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા બાદ કમોસમી વરસાદની શરૂઆત થઇ હતી. વ્યારા શહેરના મુસા રોડ અને મિશન નાકા નજીક ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ શરૂ થયો હતો. પવન સાથે વરસાદ પડતા કેરીના પાકમાં નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
નવસારી શહેરમાં પણ મંકોડિયા ઇટાડવા સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી હતી. કેરી અને ચીકુના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની સંભાવના છે. ઉનાળુ ડાંગરના પાકને પણ અસર થઇ શકે છે.
અમરેલી-ગીર સોમનાથમાં પણ વરસાદ
અમરેલીમાં વરસાદને લઇને સોસાયટીમાં પાણી ભરાયા હતા. અમરેલીના લાઠી રોડ ઉપર આવેલ વિદ્યાનગર સોસાયટીમાં ઘરમાં પાણી ઘુસી ગયા હતા. પાણી ભરાતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામમાં ભારે પવનથી નુકસાન થયું હતું. લોકોના ઘરોને નુકસાન થયું હતું.અનેક છાપરા તૂટી પડ્યા હતા અને જીઇબીના થાંભલા પડતા ઘર વખરીને પણ નુકસાન થયું હતું.
સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો
સુરત જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બારડોલી અને તાલુકામાં વહેલી સવારથી પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પવનના પગલે શાસ્ત્રી રોડ પર આવેલા શિશુમંદિર નજીક મહાકાય વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. વરસાદ શરૂ થતા જ આશાપુરી મંદિર, જાગૃતિ નગર પાસે પાણીનો ભરાવો થયો હતો.
તાપીમાં બે કલાકમાં 16 મીમી વરસાદ ખાબક્યો
તાપી જિલ્લામાં સવારે સતત 2 કલાક સુધી ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. નિઝરમાં 04 મીમી, ઉચ્છલમાં 01 મીમી, સોનગઢમાં 16 મીમી, વ્યારામાં 11 મીમી, વાલોડમાં 06 મીમી, કુકરમુંડામાં 06 મીમી અને ડોલવણમાં 04 મીમી વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા છવાઈ છે.
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ
વલસાડ જિલ્લામાં વહેલી સવારેથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લા સહિત મહારાષ્ટ્ર-ગુજરાતના બોર્ડર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ-સેલવાસમાં પણ વરસાદ પડી રહ્યો છે. સંભવિત વાવાઝોડાને લઇ દક્ષિણ ગુજરાતમાં આગાહી કરાઈ હતી.