Business

ચીન પર ટેરિફ મામલે ટ્રમ્પનો યુ-ટર્ન: કહ્યું- તેનું અર્થતંત્ર સંકટમાં છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ચીન પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડી શકે છે. તેમણે સ્વીકાર્યું કે વર્તમાન ટેરિફ દર એટલા ઊંચા છે કે વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાઓએ એકબીજા સાથે વેપાર કરવાનું બંધ કરી દીધું છે. ટ્રમ્પે NBC શોમાં કહ્યું હતું કે હું ગમે ત્યારે ચીન પર ટેક્સ ઘટાડીશ કારણ કે જો આ નહીં કરવામાં આવે તો તેમની સાથે વેપાર કરવો શક્ય બનશે નહીં અને તેઓ વેપાર કરવા માંગે છે.

ટ્રમ્પે સંકેત આપ્યો કે ચીનનું અર્થતંત્ર હાલમાં મુશ્કેલીમાં છે. ત્યાં ફેક્ટરી કામગીરી 2023 પછી સૌથી ખરાબ સ્થિતિમાં છે. નિકાસ ઓર્ડરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ટ્રમ્પે તેમની અમેરિકા ફર્સ્ટ નીતિ હેઠળ અમેરિકાને માલ વેચતા તમામ દેશો પર 10% ટેરિફ લાદ્યો પરંતુ 20 એપ્રિલે ચીન પર ટેરિફ વધારીને 145% કર્યો. બદલામાં ચીને પણ અમેરિકન માલ પર 125% સુધીનો ટેરિફ લાદ્યો.

ટ્રમ્પે કહ્યું- હું વાતચીત શરૂ નહીં કરું
રવિવારે એક મુલાકાતમાં ટ્રમ્પે સ્વીકાર્યું કે ટેરિફની અસર ચીન પર પડી છે. ફેક્ટરીઓ બંધ થઈ રહી છે અને બેરોજગારી નોંધપાત્ર રીતે વધી છે પરંતુ તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ વાતચીત શરૂ કરવા માટે પહેલ કરશે નહીં. એન્કર ક્રિસ્ટન વેલ્કરે પૂછ્યું, શું તમે ચીન સાથે વાતચીત શરૂ કરવા માટે ટેરિફ દૂર કરવા જઈ રહ્યા છો? આના પર ટ્રમ્પે જવાબ આપ્યો, હું આ કેમ કરું?

ટ્રમ્પે એમ પણ કહ્યું કે તાજેતરમાં બેઇજિંગ તરફથી કેટલાક સારા સંકેતો મળ્યા છે પરંતુ તેમણે પુનરોચ્ચાર કર્યો કે અમેરિકા અને ચીન વચ્ચે કોઈપણ સોદો ફક્ત ત્યારે જ થશે જો તે સમાન શરતો પર હશે.

ચીને પણ વાતચીત માટે તૈયારી દર્શાવી
દરમિયાન ચીને શુક્રવારે પહેલી વાર સંકેત આપ્યો કે તે અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે. તે અમેરિકા સાથે વેપાર કરારની શક્યતા શોધી રહ્યા છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ચીન અમેરિકાની વેપાર વાટાઘાટોની ઓફર પર વિચાર કરી રહ્યું છે પરંતુ જો ટ્રમ્પ એકપક્ષીય રીતે લાદવામાં આવેલા ટેરિફને હટાવે તો જ વાટાઘાટો શરૂ થશે.

Most Popular

To Top