SURAT

સુરતની ચાર્લી ઇવેન્ટના માલિકે વિધર્મી ડિવોર્સીને ફોસલાવી હોટલોમાં ભોગવી તરછોડી દીધી

સુરત : શહેરમાં ઇવેન્ટ આયોજિત કરવામાં મોટું નામ ધરાવતી ચાર્લી ઇવેન્ટના માલિક દ્વારા ત્યકતા પર બળાત્કાર ગુજારવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેણે વિધર્મી ત્યકતાને ભોગવીને તેને તરછોડી દીધી હતી. આ ઉપરાંત પાંચ લાખ રૂપિયા પડાવીને તે પણ પરત નહીં આપ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તેમાં સમીર ચંદુભાઇ બ્રહમભટ્ટ (રહે. ગ્રીન સિટી ભાઠા રોડ) સામે બળાત્કારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કોઝવે રોડ પર રહેતી ત્યકતા નોકરી માટે સમીર બ્રહ્મભટ્ટ પાસે ગઇ હતી. સમીર બ્રહમભટ્ટે તેને ફોસલાવીને લગ્નની લાલચ આપી હતી. આ ઉપરાંત તેના ધંધામાં પંદર ટકા ભાગીદાર બનાવવાની વાત કરી હતી. ત્યારબાદ રાંદેર રહેતી આ ત્યકતાને વિવિધ હોટલમાં લઇ જઇને તેની પર ચારથી પાંચ વખત બળાત્કાર ગુજાર્યો હતો.

તેમાં અલથાણ ખાતે આવેલા સી. કે. પટેલ પાર્ટી પ્લોટમાં સમીર પોતાની ઓફિસ ધરાવે છે. આ ત્યકતા નોકરી પર જોડાયા બાદ મેરેજ ઇવેન્ટ અને અન્ય સોશ્યલ ઇવેન્ટની તમામ કામગીરી સંભાળતી હતી. આ ધંધામાં સારી એવી આવક છે તેમ જણાવીને સમીરે પાંચ લાખ રૂપિયા ત્યકતા પાસે લીધા હતા.

બાદમાં સમીરનું વલણ ત્યકતા સાથે અચાનક બદલાઇ ગયું હતું. આ ઉપરાંત ત્યકતાએ નાણાં માંગતા સમીરે તેને મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે ત્યકતા દ્વારા વેસુ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

ત્યકતા દ્વારા સમીર સાથે થયેલા તમામ વાતચીતના પુરાવા પણ વેસુ પોલીસને આપ્યા હોવાની વિગત જાણવા મળી છે. ઉલ્લેખનીય છે કે ચાર્લી ઇવેન્ટનું શહેરમાં મોટું નામ છે. જેનો માલિક સમીર બ્રહમભટ્ટ હાલમાં વોન્ટેડ હોવાની વિગત પોલીસે જણાવી હતી.

Most Popular

To Top