Dakshin Gujarat

પત્ની સાથે છુટાછેડા લેવા બાબતની અદાવત રાખી જમાઈએ સસરાની ખોપડી ફાડી નાંખી

સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગાવદહાડ ગામે જમાઈએ ધારદાર હથિયાર વડે સસરાનાં માથામાં ઘા કરી ખોપડી ફાડી નાંખી કરપીણ હત્યા (Murder) કરતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર ગતરોજ સોમવારે રાત્રીનાં અરસામાં બકુલભાઈ ધનજીભાઈ બારે (રહે. ગાવદહાડ તા.સુબિર જી.ડાંગ) પોતાના ખેતરમાં આવેલા ઘરનાં આંગણામાં તાપણુ કરી સૂતા હતા. તે દરમ્યાન તેમનો જમાઈ સુનિલભાઈ રમેશભાઈ ઝામરે (રહે. સુબિર)એ પોતાની પત્ની નિર્મલાબેન ઉપર ખોટા શક વહેમ રાખી તેણી સાથે છુટાછેડા લેવા બાબતની અદાવત ચાલતી હતી.

જેમાં જમાઈ સુનિલભાઈએ એક ધારદાર હથિયાર વડે સસરા બકુલભાઈ ધનજુભાઈ બારેનાં માથાનાં ભાગે ઘા કરી ખોપડી તોડી નાખી કરપીણ હત્યાને અંજામ આપતા સુબિર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.કે.ચૌધરીને જાણ થતા પોલીસ કર્મીઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને લાશનો કબ્જો મેળવી પી.એમ.રિપોર્ટ સહીત એફ.એસ.એલ વિભાગની મદદ લીધી હતી. હાલમાં આ બનાવ બાબતે ફરિયાદી સુમિત્રાબેન બારેએ હત્યારા જમાઈ સુનિલભાઈ રમેશભાઈ ઝામરે (રહે. સુબિર ઝામરે ફળિયુ જી.ડાંગ) વિરુદ્ધ ફરીયાદ આપતા સુબિર પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.કે. ચૌધરીએ 302 મુજબ હત્યાનો ગુનો નોંધી આરોપીનાં ધરપકડનાં ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બાળકને જમવા બાબતે ધમકાવવા બદલ પતિએ ઠપકો આપતા પત્નીનો આપઘાત
સુરત : પૂણા ગીતાનગર ખાતે રહેતી 26 વર્ષિય પત્નીએ 4 વર્ષના પુત્રને જમવા બાબતે ડરાવ્યો હતો. જેથી પતિએ બાળક નાનો હોય તેને ડરાવવાની ના કહી ઠપકો આપતા પત્નીને માઠું લાગી આવતા ઝેરી દવા ગટગટાવી મોત વ્હાલું કરી લીધું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. માતાના આત્યાંતિક પગલાને પગલે પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે.

સ્મીમેર હોસ્પિટલ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સૌરાષ્ટ્રના વતની અને હાલ પૂણાગામ ગીતાનગર વિભાગ-2માં રહેતા હસમુખભાઇ વાઘાણી લિંબાયત વિસ્તારમાં એમ્બ્રોઇડરી કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પાંચ વર્ષ પહેલા હસમુખભાઇના રૂચિતા (ઉ.વ.26) સાથે લગ્ન થયા હતા. તેમને લગ્ન જીવન થકી સંતાનમાં 4 વર્ષનો એક પુત્ર છે. દરમિયાન સોમવારે બપોરનાં સમયે રૂચિતાએ ઝેરી દવા પી લીધી હતી. પતિ તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બનાવ અંગે પૂણા પોલીસે નોંધ લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે તપાસ કરતા પૂણા પો.મથકના એએસઆઇ હાર્દિકભાઇ ફળદુએ જણાવ્યું હતું કે, વાઘાણી પરિવાર જમવા બેઠો હોય પુત્રને માતા રૂચિતાએ જમવા બાબતે ધમકાવ્યો હતો. જેથી પતિ હસમુખભાઇએ બાળક નાનો હોય તેને નહીં ડરાવવાનું પત્નીને કહી ઠપકો આપ્યો હતો. આ વાતનું માઠુ લાગી આવતા રૂચિતાએ ઝેરી દવા પી લીધી હતી.


Most Popular

To Top