SURAT

સુરત : ક્રાઈમ બ્રાંચે પકડેલો આરોપી લાલગેટ પોલીસને ચકમો આપી આ રીતે રફુચક્કર થઈ ગયો

સુરત : ક્રાઈમ બ્રાંચે (Crime Branch) લાલગેટ પોલીસ સ્ટેશનના (Police Station) એક આરોપીને પકડીને તેમને સોંપ્યો હતો. લાલગેટ પોલીસ આરોપીનું મેડિકલ ચેકઅપ કરવા સ્મીમેર હોસ્પિટલમાં (Hospital) લઈ ગઇ હતી. જ્યાં ભીડનો લાભ લઈ આરોપી પોલીસની નજર ચૂકવી રફુચક્કર થતાં વરાછા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.

લાલગેટ પોલીસ સ્ટેશનમાં પત્નીને માર મારવાના ગુનામાં ફરાર આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. આરોપી મોસીન ઉર્ફે માયા રફિક શાહ (ઉ.વ.35, રહે.અસરફ એપાર્ટમેન્ટ, રાંદેર) ને લાલગેટ પોલીસમાં સોંપાયો હતો. જેથી લાલગેટ પોલીસ આરોપીને મેડિકલ ટેકઅપ કરવા માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં ઇમરજન્સી વોર્ડમાં પેશન્ટ તથા લોકોની વધુ ભીડ હોવાથી આરોપીએ તેનો લાભ લઇ પોલીસની નજર ચુકવી નાસી ગયો હતો. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એ.એચ.રાઠોડ દ્વારા તેની તપાસ હાથ ધરાઈ છે.

આરોપી ભાગવા પાછળ સરકારી હોસ્પિટલોની સિસ્ટમ પણ જવાબદાર
ઉલ્લેખનીય છે કે આરોપી ભાગવા પાછળ સરકારી હોસ્પિટલોની સિસ્ટમ પણ એટલી જ જવાબદાર છે. સ્મીમેરમાં કેશબારી ઉપર આરોપીની નોંધણી કરાવી હતી. બાદમાં મેડિકલ ઓફિસર પાસે આરોપીને લઈ જવાયો હતો. જ્યાં મેડિકલ ઓફિસરે પહેલા આરોપીનો આરટીપીસીઆર કરાવી લાવો તેમ કહ્યું હતું. જેથી પોલીસ આરોપીને ટેસ્ટ કરવા લઈ ગઈ હતી. બાદમાં મેડિકલ ઓફિસરે પુછપરછ કરી કેશ કાગળો આપી આરોપીના અંગુઠાનું નિશાન લઈ એમએલસી રજીસ્ટર નોંધ કરવા માટે કહ્યું હતું. આ કાર્યવાહી કરવા જતા અંગુઠાની છાપ લેવા માટે સ્ટેમ્પ પેડ નહીં હોવાથી મેડિકલ ઓફિસર પાસે લેવા ગયા હતા. ત્યાંથી કાગળો નર્સિગ રૂમમાં આપવા ગયા હતા. દરમિયાન આ સ્ટેમ્પ પેડ પરત મંગાવતા તે આપવા જતી વખતે ભીડમાં આરોપી છટકી ગયો હતો.

Most Popular

To Top