સુરત: (Surat) આગામી તા.1 ડિસેમ્બરના રોજ સુરત શહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠક (Assembly Seat) પર મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે હેમખેમ પાર પડે એ માટે જિલ્લા ચૂંટણી તંત્રએ અત્યારથી જ જડબેસલાક વ્યવસ્થાઓ વિકસાવવા માંડી છે. મળતી માહિતી મુજબ સુરતના ચૂંટણી (Election) તંત્રને સૌથી વધુ ટેન્શન ક્રિટિકલ મતદાન મથકોનું છે, જ્યાં 2017ની ચૂંટણીમાં પણ પાટીદાર આંદોલનનો પ્રભાવ હતો, આ વખતે પણ એ મતદાન મથકોને (Polling Booth) સંવેદનશીલ ઝોન (ક્રિટિકલ) સ્ટેટ્સમાં મૂકવામાં આવ્યા છે.
ગત-2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) ફેક્ટરનો પ્રભાવ હતો અને નાનાં-મોટાં છમકલાં મતદાન દરમિયાન થયાં હતાં. એ વખતે ચૂંટણી તંત્રએ જે મતદાન મથકો, મતદાન મથક વિસ્તારોને સંવેદનશીલ તરીકે ઓળખી કાઢ્યાં હતાં. એ જ પ્રમાણે આ વખતે પણ મતદાન મથકોને સંવેદનશીલ એટલે કે ચૂંટણી તંત્રની ટેક્નિકલ ભાષામાં ક્રિટિકલ ગણવામાં આવ્યાં છે અને આવાં મતદાન મથકો પર રાઉન્ડ ધ ક્લોક વિડીયોગ્રાફી ઉપરાંત અર્ધલશ્કરી પોલીસ દળો, પોલીસ સ્ટાફ તેમજ અન્ય નિયંત્રણો જડબેસલાક રીતે અમલી બનાવાશે. જેથી કરીને મતદાનમાં કોઇ વિઘ્ન ન નડે.
- વરાછા અને કરંજ વિધાનસભાના 95 ટકાથી વધુ મતદાન મથક સંવેદનશીલ
- 2017ની ચૂંટણીમાં પાટીદાર આંદોલન પ્રભાવિત મતદાન મથકોને આ વખતે પણ ક્રિટિકલ સ્ટેટસમાં મુકાયા, ક્રિટિકલ પોલિંગ સ્ટેશન પર ખાસ ચાંપતો બંદોબસ્ત મુકાશે
- સુરત શહેર-જિલ્લાનાં કુલ 4637 મતદાન મથક પૈકી 41 ટકા સંવેદનશીલ છે
સૌથી વધુ ક્રિટિકલ પોલિંગ સ્ટેશન (સીપીએસ) ધરાવતા વિધાનસભા જો કોઇ હોય તો એ વરાછા રોડ વિધાનસભા મત વિસ્તાર છે. વરાછા રોડ વિધાનસભામાં કુલ 199 મતદાન મથક છે. આ પૈકી 97 ટકા એટલે કે 193 મતદાન મથકને ક્રિટિકલ સ્ટેટસમાં મૂકવામાં આવ્યાં છે. એ પછી કરંજ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 176 મતદાન મથક છે, જે પૈકી 95.45 ટકા એટલે કે 168 મતદાન મથક ક્રિટિકલ છે. અન્ય પાટીદાર પ્રભાવિત મતદાન મથકો કે જેમને ક્રિટિકલ ઝોનમાં મુકાયા છે એમાં કામરેજ વિધાનસભામાં કુલ 520 મતદાન મથક પૈકી 383 (74 ટકા) મતદાન મથકો ક્રિટિકલ છે. સુરત ઉત્તર વિધાનસભામાં 33 અને કતારગામ વિધાનસભા મત વિસ્તારમાં 31 ટકા મતદાન મથક ક્રિટિકલ ઝોનમાં છે.
સુરત શહેર-જિલ્લાની વાત કરીએ તો કુલ 16 વિધાનસભા મત વિસ્તાર માટે ઊભા કરવામાં આવનારાં 4637 મતદાન મથક પૈકી 41 ટકા મતદાન મથકોને ક્રિટિકલ ઝોનમાં મૂકીને એ મુજબની વ્યવસ્થાઓ તા.1લી ડિસેમ્બર અગાઉથી સ્થાપિત કરી દેવામાં આવશે.
- સૌથી વધુ ક્રિટિકલ મતદાન મથકો
વિધાનસભા કુલ ક્રિટિકલ મતદાન મથક - વરાછા રોડ 199 193
- કરંજ 176 168
- કામરેજ 520 383
- ઉત્તર 163 54
- કતારગામ 293 90
આજથી પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ સાથે પોસ્ટલ બેલેટ વોટિંગ
આવતીકાલ તા.25મી નવેમ્બરથી સુરત શહેર-જિલ્લામાં આવેલી 16 વિધાનસભા બેઠક પર ઊભા કરવામાં આવનારાં 4637 મતદાન મથક પર તૈનાત કરવામાં આવનાર પોલિંગ સ્ટાફ માટેની ટ્રેનિંગ શરૂ થઇ રહી છે અને આ ટ્રેનિંગની સાથે જ પોલિંગ સ્ટાફ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા પણ આગામી બે દિવસ દરમિયાન હાથ ધરવામાં આવશે. પોલિંગ સ્ટાફને મતદાનની પૂર્વ સંધ્યાએ પોલિંગ સ્ટેશનનો ચાર્જ લઇને મતદાન પૂર્ણ થાય અને આંકડાકીય માહિતી સેટલ્ડ થાય ત્યાં સુધી શું ફરજ બજાવવાની, આકસ્મિક સંજોગોમાં શું કરવાનું, માહિતી, ફોર્મ કેવી રીતે ભરવાના વગેરે પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવશે.
પોલીસ જવાનોનું પોસ્ટલ મતદાન 76 ટકા રહ્યું
સુરત જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી મળેલી માહિતી મુજબ છેલ્લા બે દિવસ દરમિયાન સુરત શહેર જિલ્લામાં પોલીસ તંત્રમાં ફરજ બજાવતા જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ કુલ 3506 પોલીસ સ્ટાફ મતદાર તરીકે નોંધાયેલા છે. આ પૈકી 2681 પોલીસ સ્ટાફે પોતાના મતાધિકારનો ઉપયોગ પોસ્ટલ બેલેટથી કરીને પોતાના મતપત્ર પર મત અંકિત કરીને મતપેટીમાં નાંખ્યા હતા.