Dakshin Gujarat

ભરૂચના 52 ગામના 1200 ખેડૂત પરિવારોએ આ ત્રણ પ્રોજેક્ટના વિરોધમાં થાળી-વેલણ ખખડાવ્યા

ભરૂચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) 3 પ્રોજેક્ટના લીધે જમીન ગુમાવનાર ભરૂચ (Bharuch) જિલ્લાના 52 ગામના 1200થી વધુ ખેડૂતો આજે શનિવારે પરિવાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી પર પહોંચી ગયા હતા અને અહીં થાળી વેલણ ખખડાવી શક્તિપ્રદર્શન (Protest) કર્યું હતું. આટલી મોટી સંખ્યામાં ખેડૂતો (Farmers) ભેગા થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ખેડૂતોએ પૂરતું વળતર નહીં મળે તો વડાપ્રધાનના મહત્ત્વાકાંક્ષી 3 પ્રોજેક્ટનું કામ અટકાવી દેવાની ચીમકી ઉચ્ચારવા સાથે તા. 12મી સપ્ટેમ્બરે મહારેલીની (Rally) જાહેરાત કરી છે.

  • ભરૂચ કલેક્ટર કચેરી બહાર ખેડૂતોનું શક્તિપ્રદર્શન
  • મહિલા, બાળકો સાથે કલેક્ટર કચેરી પર ધસી ગયા
  • જંત્રી પ્રમાણે વળતર નહીં મળ્યાનો ખેડૂતોમાં અસંતોષ
  • એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને ભાડભુત બેરેજમાં જંત્રીમાં રૂ.1000 સુધીનો તફાવત
  • સુરત, નવસારી અને વલસાડ જિલ્લા જેટલું વળતર નહીં મળે તો પ્રોજેક્ટો અટકાવી દેવાની ચીમકી
  • પૂરતું વળતર નહીં મળે તો 12 સપ્ટેમ્બરે મહારેલીની જાહેરાત

ભરૂચ જિલ્લામાં હાલ પ્રધાનમંત્રીના 3 મહત્વકાંક્ષી પ્રોજેક્ટો મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ વે (MumbaiDelhiExpressway), હાઈ સ્પીડ બુલેટ ટ્રેન (BulletTrain) પ્રોજેકટ અને ભાડભુત બેરેજ યોજનાની કામગીરી ચાલી રહી છે. સરકારના દાવા મુજબ જમીન સંપાદન 90 થી 100 ટકા થઈ ગયું છે. જોકે એક્સપ્રેસ વે, ભાડભુત બેરેજ અને બુલેટ યોજનાંમાં જંત્રી પ્રમાણે વળતરનો અસંતોષ હજી જોવા મળી રહ્યો છે. જેને લઈ શનિવારે જિલ્લાના ૫૨ ગામના આ 3 પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ ફરી કલેકટરને આવદેનપત્ર આપ્યું હતું. આજે ખેડૂતોએ મહિલા અને બાળકોએ થાળી વગાડીને આક્રમક મુડમાં 1200થી વધુ મેદની કલેકટર કચેરીમાં ભેગી કરી દીધી હતી.

ખેડૂતોની એક જ માંગણી હતી કે, સુરત, વલસાડ અને નવસારી જિલ્લા મુજબ તેઓને જંત્રીના ભાવ અપાયા છે. આ ત્રણ જિલ્લા કરતા જંત્રીમાં એક મીટરે રૂ.1000 ની વિસંગતતા હોવાની કેફિયત ભરૂચના ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. જો આગામી સમયમાં ભરૂચના ખેડૂતોનો વળતરનો પ્રશ્ન નહિ ઉકેલાઈ તો આ ત્રણેય પ્રોજેક્ટો અટકાવી દેવાની પણ ચીમકી અપાઈ છે.

જિલ્લા કલેકટર તુષાર સુમેરાને 3 તાલુકાના 3 પ્રોજેક્ટના 2800 જેટલા ખેડૂતો વતી અપાયેલe આવેદનમાં જણાવાયું હતું કે, આગામી 7 દિવસમાં અન્ય 3 જિલ્લા જેટલું રૂ.900 થી 1200 પ્રતિ ચોરસ મીટર વળતર નહિ અપાઈ તો તા. 12મી સપ્ટેમ્બરે કાઢી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડાશે. હવે જોવું એ રહ્યું કે રાજ્ય-કેન્દ્ર સરકાર અને તંત્ર શુ કાર્યવાહી હાથ ધરે છે. અન્ય 3 જિલ્લાની જેમ ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચુકવવામાં આવે છે કે નહીં કે વિધાનસભા ચૂંટણી ટાણે ખેડૂત આંદોલન પણ વધુ વેગ પકડે છે.

Most Popular

To Top