વલસાડ : વલસાડના (Valsad) ચણવઇ ગામના યુવાનની લાશ પત્થર બાંધેલી હાલતમાં પાથરી ગામમાંથી વહેતી વાંકી નદીમાંથી (River) મળી આવી હતી. આ લાશ હત્યા (Murder) કરી ફેંકી દેવાયેલી હોવાનું જણાતા પોલીસે (Police) તપાસ કરતા દારૂની બાતમીના વહેમમાં એક બુટલેગરે તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતુ. જેના પગલે પોલીસે હત્યારા યુવાનને પકડી પાડી સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગત 4 જુનના રોજ પાથરી ગામેથી વહેતી વાંકી નદીમાંથી એક લાશ પત્થર બાંધેલી હાલતમાં મળી આવી હતી. જેની તપાસ કરતા આ લાશ વિકાસ વિજય પટેલ (ઉવ.32 રહે. ચણવઇ)ની હોવાનું જાણવા મળ્યું હતુ. ત્યારબાદ પોલીસે તેની હત્યા કોણે કરી તેની તપાસ હાથ ધરી હતી. જેમાં તેના સંબંધીઓની પુછતાછ કરી અને ટેક્નિકલ સર્વેલન્સ થકી તપાસ હાથ ધરતાં વિકાસની હત્યા તેના જ ગામના યુવાન મિતેષ ઉર્ફે ઠોકલો પરભુ પટેલે કરી હોવાનું જાણવા મળ્યું હતુ. જેના પગલે પોલીસે અન્ય ટેક્નિકલ સર્વેલન્સ હાથ ધરતાં આ હત્યા તેણે જ કરી હોવાની ખાત્રી થતાં તેને પકડી પાડ્યો હતો. તેની પુછતાછ કરતાં તેણે હત્યા કરી હોવાનું કબુલ્યું હતુ.
હોટેલમાં બંને સાથે જમ્યા હતા
પોલીસે મિતેષની પુછતાછ કરતા જાણવા મળ્યું કે, અગાઉ વિકાસ તેની સાથે દારૂ લેવા જતો હતો. જોકે, તેણે આ ધંધો છોડી દીધો હતો અને માછીમારી માટે બોટમાં જતો હતો. વિકાસ જ્યારે વલસાડ આવ્યો એ સમયે જ બુટલેગર મિતેષની બાઇક પોલીસે પકડી હતી. ત્યારે આ યોગાનુયોગ વિકાસે જ પોતાની બાઇકની બાતમી આપી હોવાની શંકા મિતેષને ગઇ હતી. તેથી તેણે વિકાસને મારવાનો પ્લાન બનાવ્યો હતો. ગત 2 જુનના રોજ રાત્રે 9 વાગ્યે મિતેષને વિકાસ મળી ગયો હતો. તે વિકાસને જમવાના બહાને હાઇવે પર હોટેલમાં લઇ ગયો હતો. મિતેષે વિકાસ પાસે જમવાનું પણ મંગાવ્યું અને બંને સાથે જમ્યા ત્યારબાદ મેદાનમાં તેણે વિકાસને પાછળથી માથામાં પત્થર મારી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ તે મિણિયા થેલી લઇ આવ્યો અને વિકાસની લાશને પટ્ટી વડે બાંધી મિણિયા થેલીમાં નાખી તેને પાથરી ગામે નદીમાં નાખી આવ્યો હતો. આ સમગ્ર હકિકત અંગે મિતેષે પોલીસ સમક્ષ કબૂલાત પણ કરી હતી. ત્યારબાદ પોલીસે સાંયોજીક પુરાવા પણ એકત્ર કર્યા હતા. પોલીસે હાલ મિતેષની હત્યાના ગુનામાં ધરપકડ કરી તેની વિરૂદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.