Madhya Gujarat

કરમસદમાં નવી પદ્ધતિથી ઓપરેશન કરી વૃદ્ધાનો જીવન બચાવ્યો

આણંદ : કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ હોસ્પિટલના કાર્ડિયાક સેન્ટરની ટીમ દ્વારા 69 વર્ષની મહિલાની હૃદયની મુખ્ય ધમની પ્રથમ વખત થોરાસિક એન્ડો વાસ્ક્યુલર એઓર્ટીક રીપેર પ્રક્રિયા દ્વારા સફળતાપૂર્વક રીપેર કરીને નવજીવન આપવામાં આવ્યું હતું. આણંદના વતની અને 69 વર્ષીય મહિલાને હાઈપરટેન્શન અને કોલેસ્ટ્રોલ ઊંચી માત્રામાં હોવાથી રૂટિન ચેકઅપ માટે કરમસદ હોસ્પિટલના કાર્ડિયોક સેન્ટરમાં ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. કુશલ પુજારાને બતાવા માટે આવ્યાં હતાં. દરમિયાન મહિલાને સીટીસ્કેન કોરોનરી કેલ્શયમ કરવા માટે જણાવવામાં આવ્યું હતું.

હોસ્પિટલના રેડિયોલોજી વિભાગમાં સીટી એન્જીયોગ્રામ કરતા કરતા હૃદયની ધમની ફાટેલી દેખાઈ હતી. આ નળી વધુ ફાટે તો દર્દીની જિંદગી જોખમમાં મુકાઈ શકે તેમ હોવાથી કાર્ડિયાક સેન્ટરની ટીમના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડો કુશલ પુજારા, રેડીયોલોજીસ્ટ ડો. વિરલ પટેલ, વાસ્ક્યુલર સર્જન ડો. જયેશ પટેલ અને એનેસ્થેસીયોલોજીસ્ટ ડો. ગુરપ્રીત પાનેસર  દ્વારા પ્રથમ વખત થોરાસિક એન્ડો વાસ્ક્યુલર એઓર્ટીક રીપેર પ્રક્રિયા દ્વારા સ્ટેન્ટ ગ્રાફટીંગ કરીને ધમનીની ફાટેલી જગ્યાને રીપેર કરવામાં આવી હતી.

આ અંગે ડો. કુશલ પુજારાએ જણાવ્યું હતું કે, આ મિનીમલ ઇન્વેસિવ પ્રક્રિયા છે. જેનાથી હૃદયની મુખ્ય ધમની રીપેર કરવામાં આવી હતી. હૃદયની મુખ્ય ધમની હૃદયમાં જોડાયેલી હોય છે અને તેની શાખાઓ શરીરના વિવિધ ભાગોમાં ફેલાયેલી હોય છે. આથી મુખ્ય ધમની ફાટી જવાથી શરીરના અન્ય ભાગમાં જેમ કે મગજ, આંતરડા અને કિડની પર અસર પહોંચે છે, જો તેને સમયસર ઉપચાર ન કરવામાં આવે તો દર્દીનું જીવન જોખમમાં મુકાઈ શકે છે. આથી શ્રીકૃષ્ણ હોસ્પિટલની હીલીંગ ટ્રી  સેવાઓ અંતર્ગત ભાનુભાઇ અને મધુબેન પટેલ કાર્ડીયાક સેન્ટરમાં નવી પ્રક્રિયા સૌપ્રથમ વખત હાથ ધરવામાં આવી હતી. મહિલાના સગાંવહાલાઓએ જણાવ્યું હતું કે, ડોક્ટરની કુશળતા પર સંપૂર્ણ વિશ્વાસ હોવાથી અમે આ પ્રક્રિયા અહીં જ કરવાનું નક્કી કર્યું હતું.

Most Popular

To Top