Vadodara

ડમ્પરે અડફેટે લેતાં પારૂલ યુનિ.ના 3 વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થિનીનું મોત

વડોદરા : પોતાના બાળકને અભ્યાસ અર્થે  ઉચ્ચ કક્ષાનું જ્ઞાન મળે તે હતુથી માતા પિતા દ્વારા મોટી મોટી કોલેજમાં બાળકોનું એડમીશન કરાવે છે. બાળકોના કોલેજના ટ્રાન્સપોર્ટેશન પર વાલીઓ માટે આ ઘટના લાલબત્તી સમાન છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર એક્ટિવા સવાર પારૂલ યુનિવર્સિટીની બે વિદ્યાર્થીનીઓ સહિત ત્રણ વિદ્યાર્થીઓને માતેલા સાંઢની જેમ  પસાર થયેલા ડમ્પરે અડફેટમાં લેતા ત્રણેય વિદ્યાર્થીઓ સહિત એક્ટિવા ડમ્પરના પાછળના વ્હિલમાં આવી ગઇ હતી. આ ઘટનામાં એક  વિદ્યાર્થિનીનું અકસ્માતના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. જ્યારે એક્ટિવા ચાલક સહિત એક વિદ્યાર્થિની અને વિદ્યાર્થીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સંદર્ભે  વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પારૂલ યુનિવર્સિટીમાં એરોનોટીકલના ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી ત્રણેય  વિદ્યાર્થિની આજથી પરીક્ષા શરૂ થતી હોવાથી પરીક્ષા આપવા માટે સવારે એક્ટિવા પર પરીક્ષા આપવા જતા હતા. ત્યારે માતેલા સાંઢની જેમ ડમ્પરના પાછળના વ્હિલમાં આવી જતા ચાલક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ ઘટના વાલીઓ માટે ચેતવણી સમાન છે.

વડોદરાના વાઘોડિયા પોલીસ મથકમાંથી મળેલી માહિતી પ્રમાણે, મૂળ વલસાડ ખાતે આવેલ પવનપુત્ર બંગલોની રહેવાસી ઈશાબેન નરેન્દ્રભાઈ રાણા વાઘોડિયા પારુલ યુનિવર્સિટીમાં એરોનોટીકલ ડિપ્લોમામાં ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આજથી પારૂલ યુનિવર્સિટીમાં પરીક્ષા શરૂ થતી હોવાથી આજે સવારે ઇશા રાણા તેની સાથે જ અભ્યાસ કરતાં ખુશી અમરીશસિંહ વિહોલ અને મિત્ર વાજીદઅલી હૈદરઅલી શેખ સાથે પારૂલ યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા એકટીવા ઉપર જવા માટે નિકળ્યા હતા. આ દરમિયાન અલવા ગામ તરફથી માતેલા સાંઢની જેમ આવી રહેલા ડમ્પરે એક્ટિવા સવાર ત્રણેય વિદ્યાર્થીઓને અડફેટમાં લીધા હતા.

ડમ્પરે અડફેટમાં લેતાં એક્ટીવા સવાર ઇશા રાણા અને ખુશી વિહોલ ડમ્પરના પાછળના વ્હિલમાં આવી ગયા હતા. જ્યારે એક્ટીવા ચલાવનાર વાજીદઅલી શેખ પાછલા વ્હિલ પાસે આવી ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં એકટીવા ઉપર વચ્ચે બેઠેલી ઈશા રાણાનું ઘટના સ્થળ  ઉપર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે વાજિદઅલી અને ખુશીને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના બનાવ જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા તેમજ પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ટોળા એકત્ર થઇ ગયા હતા. ત્રણેયને પારૂલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.  બીજી બાજુ પરિવારજનોને આ બનાવની જાણ થતાં તેઓ પણ વાઘોડિયા ખાતે દોડી આવ્યા હતા.

 આ સાથે વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે અકસ્માતમાં મોતને ભેટેલી મૂળ વલસાડની ઇશા રાણા અને તેની બહેન પાયલ વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત ઉમા ચાર રસ્તા પાસે પેઇન ગેસ્ટ તરીકે રહે છે. અને બંને પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આજે પાયલને કોલેજમાં રજા હોવાથી તે કોલેજ ગઇ ન હતી.પરંતુ આજથી ઇશાની પરીક્ષા શરૂ થતી હોવાથી તે તેની સાથે અભ્યાસ કરતા ફ્રેન્ડ સાથે પરિક્ષા આપવા ગઇ હતી.

આ ઘટના માતા પિતા માટે લાલબત્તી સમાન
માતા પિતા દ્વારા બાળકોની ભવિષ્યની ચિંતા હોવાથી તેમને તેમના ઘરેથી દુર અભ્યાસ અર્થે મોકલે છે. જેથી બાળકનું ભવિષ્ય બને છે. પરંતુ આજનો જે કિસ્સો બન્યો છે તે દરેક માતા પિતા સાથે લાલ બત્તી સમાન છે. જેથી દરેક માતા પિતાએ પોતાના બાળકને રોડ પર આવતા જતા કે વાહન કેવીરીતે ચલાવું તેનાથી માહિતગાર કરવા જોઈએ.

Most Popular

To Top