Dakshin Gujarat

વાંસદામાં લગ્નમાંથી મધ્યરાત્રે બહેનપણીઓ સાથે ઘરે જતી યુવતી પર હવસખોરો તૂટી પડ્યા

વાંસદા: વાંસદા (Vansada) તાલુકાના એક ગામમાં ૨૨ વર્ષીય યુવતી રાત્રે લગ્ન પ્રસંગમાં (Marriage Function) હાજરી આપી સખીઓ સાથે ચાલતી પરત ઘરે જતી હતી ત્યારે રસ્તામાં બે શખ્સોએ આંતરીને બળાત્કાર (Rape) ગુજાર્યો હતો, પોલીસે (Police) બંને આરોપીની ધરપકડ કરી હતી.

  • મધ્યરાત્રે સખીઓ સાથે ચાલતી જતી યુવતીને આંતરીને ગળામાંથી પકડી લેતાં સખીઓ ગભરાઈને ભાગી ગઈ
  • યુવતીએ એકને માથામાં પથ્થર મારતાં બંને ભાગી ગયા, પરિવારજનો પણ ત્યાં દોડી આવ્યા

વાંસદા તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં રહેતી ૨૨ વર્ષીય યુવતી નાનાભાઈ સાથે મોટરસાયકલ પર રાત્રે ૮ વાગ્યે પોતાના નજીકના અન્ય ફળિયામાં લગ્ન પ્રસંગમાં ગઈ હતી. યુવતીને મૂકી ભાઈ પરત ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ લગ્નમાંથી રાત્રીના આશરે એક વાગ્યે યુવતી અન્ય બહેનપણી સાથે ચાલતી ચાલતી ઘરે જઈ રહી હતી ત્યારે રસ્તામાં આવતા સ્મશાન પાસે રોડ ઉપર તેજસ ચંદ્રકાંતભાઇ પઢેર (ઉં.વ. ૨૨) તથા જીતેન્દ્ર દેવલુભાઇ માહલા (ઉં.વ.૨૬, બંને રહે. ખાટાઆંબા તા. વાંસદા)એ યુવતીને ગળાના ભાગે પકડી લીધી હતી, યુવતીએ બૂમાબૂમ કરતા તેની સાથે હાજર અન્ય બહેનપણીઓ પણ ગભરાઈ જઈ બૂમો પાડી પોતાના ઘર તરફ ભાગી ગઈ હતી.

આ બંને હવાસખોરો યુવતીને કાજુની વાડીમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન બાજુમાં પડેલો પથ્થર યુવતીના હાથમાં આવી તેજસને માથાના ભાગે મારી દેતાં તેજસ અને જીતેન્દ્ર ભાગી ગયા હતા. ત્યારબાદ યુવતી પણ ત્યાંથી આગળ ઘર તરફ જતાં ત્યાં તેમના માતા-પિતા અને તેનો ભાઈ આવી પહોંચ્યા હતા. ત્યારબાદ યુવતીએ ઘરે જઈ પોતાની સાથે બનેલી સમગ્ર ઘટના પરિવારજનોને જણાવી હતી. પીડિત યુવતીએ વાંસદા પોલીસ મથકે તેજસ અને જીતેન્દ્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપીની ધરપકડ કરી હતી.

Most Popular

To Top