Gujarat

ગાંધીનગરમાં આજથી બે દિવસ ‘નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર’નું આયોજન

ગાંધીનગર: કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે તા. ૦૧ અને ૦૨ જૂન દરમિયાન બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક યોજાનાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બે દિવસીય કોન્ફરન્સ ખુલ્લી મૂકાશે. આ પ્રસંગે નેશનલ એજ્યુકેશન પોલિસી-2020ની સ્ટીયરીંગ કમિટીના ચેરમેન કે. કસ્તુરીરંગન પણ ઉપસ્થિત રહેશે.

આ કોન્ફરન્સમાં તા. ૦૧ જૂનના રોજ દેશભરમાંથી ઉપસ્થિત રહેનાર મહાનુભાવોને રાષ્ટ્રીય શિક્ષણ નિતીના અમલીકરણના ભાગ રૂપે ટેક્નોલોજી દ્વારા શિક્ષણ અને ગવર્નન્સને ઉદાહરણ રૂપે રજૂ કરતા કોન્ફરન્સના હાર્દ સમા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવશે. જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગતિવિધિઓ અને કાર્યપ્રણાલીઓ રૂબરૂ નિહાળે અને સમજે, સાથોસાથ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી કેવી રીતે સમગ્ર ગુજરાતના શિક્ષણને મોનીટર કરી, બાળકોને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે તેનું ડેટા આધારિત નિદર્શન પ્રત્યક્ષ નિહાળે તે હેતુથી કેન્દ્રના શિક્ષણ પ્રધાન સહિત તમામ મહાનુભાવો આખા દિવસ દરમિયાન અલગ-અલગ ચાર જૂથમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે.

જ્યારે તા. 0૨ જૂનના રોજ આ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે વિધિવત કોન્ફરન્સ યોજાશે. જેમાં ઉદઘાટનથી લઈ અન્ય ચર્ચા-ગોષ્ઠિઓ અને પ્રેઝન્ટેશન જેવા વિવિધ કાર્યક્રમો સમગ્ર દિવસ દરમિયાન યોજાશે. જેમાં નેશનલ એજ્યુકેશન પોલિસી-2020, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી શ્રેષ્ઠ યોજનાઓ, નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણ, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ(NETF), નેશનલ ડિઝિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (NDEAR) વિગેરે ઉપર વિસ્તૃત ચર્ચા તેમજ પ્રેઝન્ટેશન રજૂ થનાર છે.

Most Popular

To Top