Business

ગરીબ કલ્યાણ સંમેલનમાં મોદી શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા: મહેસાણાના લાભાર્થી સાથે સંવાદ કર્યો

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનમાં કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણલક્ષી યોજનાના લાભાર્થીઓ સાથે શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ગરીબ કલ્યાણ સંમેલનનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ, નવિનતા અને દ્રઢનિશ્ચય એમ પાંચ મુખ્યસ્થંભ પર સંકલ્પથી સિદ્ધિની અવિરત યાત્રા ચાલુ રાખી છે.

પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને તો વિકાસની તેજ રફતારને વધુ ગતિએ આગળ લઇ જવામાં કેન્દ્ર અને રાજ્ય એમ ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. યોજનાઓના સર્વગ્રાહી અમલીકરણથી ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારના આઠ વર્ષ દરમિયાન મોદી સરકારે ભારતને નવી દિશા આપી છે, વિકાસના નવા માર્ગો આપ્યા છે. આઠ વર્ષ પછી મોદી સરકાર શ્રદ્ધા, ઊર્જા, આશા, અપેક્ષાનું પ્રતિક બની ગઈ છે. વડાપ્રધાન મોદીની સરકારે ગરીબોને ટેકો આપ્યો છે, મહિલાઓમાં સુરક્ષા અને સ્વાભિમાનની ભાવના જાગૃત કરી છે. યુવાનોમાં અપાર ઊર્જાનો સંચાર કર્યો છે. ખેડૂતોમાં આત્મવિશ્વાસ જગાડ્યો છે અને સામાન્ય નાગરિકોનો વિશ્વાસ અને અપેક્ષાઓ વધારી છે.

ગરીબ કલ્યાણ સંમેલનના પ્રારંભમાં મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ શિમલા ખાતેથી કેન્દ્રની વિવિધ ૧૩ કલ્યાણલક્ષી યોજનાના લાભાર્થીઓ સાથે દેશવ્યાપી સંવાદ કર્યો હતો. જે અંતર્ગત વડાપ્રધાન મોદી ગુજરાતમાં મહેસાણાના PM મુદ્રાના લાભાર્થી સાથે પણ સંવાદ યોજ્યો હતો.

આ સાથે રાજ્યના વિવિધ જિલ્લા કેન્દ્રો પર કેન્દ્રિય મંત્રીઓની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ સંમેલન યોજાયા હતા. જેમાં લાભાર્થીઓ સાથેના આ કાર્યક્રમમાં સુરત ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી દર્શનાબહેન જરદોશ, વડોદરા ખાતે વિદેશ મંત્રી એસ. જયશંકર, ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા, અમરેલી ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા અને સુરેન્દ્રનગર ખાતે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુજપુરા સહિત મંત્રીમંડળના સભ્યો અને રાજ્યભરમાંથી અંદાજે ૧ લાખ લાભાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.

વડાપ્રધાન મોદીએ ગુજરાત સહિત દેશભરના લાભાર્થી- નાગરિકો સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો જે અંતર્ગત મહેસાણા શહેરમાં સોમેશ્વર બંગ્લોઝમાં રહેતા અને સુરભિ મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતા લાભાર્થી અરવિંદ એસ પટેલ સાથે પ્રઘાનમંત્રી મોદીએ 4 મિનિટ સુધી સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રી મુદ્રા યોજના અન્વયે અરવિંદભાઇએ રૂપિયા 7 લાખ 20 હજારની લોન મેળવી છે. આ લોનથી તેઓના વ્યવસાયમાં વધારો થઇ તેઓ પહેલા આઠ લોકોને રોજગારી આપતા હતા હાલમાં તેઓ બાર લોકોને રોજગારી આપી રહ્યા છે

Most Popular

To Top