Entertainment

‘તું એન્જલિના જોલી જેવી દેખાય છે, હું તારા માટે 500 કરોડની ફિલ્મ બનાવીશ’ ઠગ સુકેશે જેક્લિનને આ રીતે ફસાવી હતી

મુંબઈ : રૂપિયા 200 કરોડના મનીલોન્ડરીંગ (Money laundering) કેસમાં ફસાયેલી બોલિવુડની (Bollywood) અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ વધતી જ જાય છે. ઠગ સુકેશ (Conman Sukesh) દ્વારા જૈકલીનને રૂપિયા 10 કરોડની મોંઘી ભેંટ આપવાનો મામલો બહાર આવ્યા બાદ હવે નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઠગ સુકેશે જૈકલીનને પોતાની જાળમાં ફસાવવા માટે તેના માટે રૂપિયા 500 કરોડની સુપરવુમન ફિલ્મ (Superwoman movie) પ્રોડ્યુસ કરવાની વાત કરી હતી.

તિહાડ જેલમાંથી ઠગ સુકેશે રૂપિયા 200 કરોડની ઠગાઈ કરી હતી. આ કેસમાં સુકેશ સામે કાર્યવાહી કરાયા બાદ ચોંકાવનારા ખુલાસા બહાર આવ્યા છે. ખુદ સુકેશે બોલિવુડની અભિનેત્રીઓ સાથેના તેના ઘનિષ્ઠ સંબંધોની કબૂલાત તપાસ એજન્સી સમક્ષ કરી હતી. કુલ 12 અભિનેત્રીઓના નામની સુકેશે એજન્સી સમક્ષ કબૂલાત કરી છે, પરંતુ તેમાં સૌથી વધુ ચર્ચા જૈકલીન ફર્નાન્ડિસ અને નોરા ફતૈહીની થઈ રહી છે. આ બંને અભિનેત્રીઓને સુકેશે કરોડો રૂપિયાની ભેટ આપી હોવાની વાતો બહાર આવી ચૂકી છે, પરંતુ હવે એક નવો ઘટસ્ફોટ થયો છે.

તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ ઠગ સુકેશ ચંદ્રશેખરે એક બિગ બજેટ મૂવી પ્રોડ્યૂસ કરવાનો જૈકલીનને વાયદો કર્યો હતો. સુકેશે અભિનેત્રીને કહ્યું હતું કે, તે તેના માટે 500 કરોડની ત્રણ પાર્ટ વાળી ભારતની પહેલી સુપરવુમન ફિલ્મને પ્રોડ્યૂસ કરશે. આ રીતે સુકેશે જૈક્લીનને પોતાના વાતોમાં ભોળવી પટાવી હતી.

જૈક્લીન બોલિવુડમાં લાંબા સમયથી એક્ટિવ છે, પરંતુ તેને સારી ફિલ્મો મળી રહી નથી. તે ફિલ્મો મેળવવામાં સ્ટ્રગલ કરી રહી હોવાની વાતથી સુકેશ વાકેફ હતો અને તેથી જ સુકેશે જૈકલીનની દુ:ખતી નસ દબાવી હતી. સુકેશે જૈક્લીનને કહ્યું હતું કે, તું એન્જલિના જોલી જેવી દેખાય છે અને તું સુપરહીરો સિરીઝવાળી મૂવી ડિઝર્વ કરે છે. હું તારા માટે 500 કરોડની ફિલ્મ પ્રોડ્યુસ કરીશ. આ ફિલ્મમાં હોલીવુડના VFX આર્ટિસ્ટને સામેલ કરશે. ગ્લોબલ સ્કેલ પર શૂટિંગ કરશે.

જૈકલીન સુકેશની વાતોથી પ્રભાવિત થઈ હતી અને બિગ બજેટ સુપરવુમન પ્રોજેક્ટની ફિલ્મ માટે તૈયાર થઈ ગઈ હતી. સુકેશે જૈકલીનને ટ્રેપમાં લેવા માટે હોમવર્ક કર્યું હતું. ફિલ્મી પ્રોડ્યુસ કરવાની વાત ઉપરાંત સુકેશે જૈક્લીનને ઘોડો, બિલાડી, કાર સહિત અનેક મોંઘી ભેંટો આપી હતી.

તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર એક બિઝનેસવુમન સાથે 200 કરોડની છેતરપિંડીના મામલામાં તપાસનો સામનો કરી રહ્યો છે. ઈડી આ કેસની તપાસ કરી રહ્યું છે. અત્યાર સુધીની તપાસમાં એવા તથ્યો બહાર આવ્યા છે કે ફેબ્રુઆરી 2021થી 7 ઓગસ્ટ 2021ના રોજ સુકેશ પકડાયો ત્યાં સુધી જૈકલીન તેના સંપર્કમાં હતી. જેલમાંથી જ સુકેશે અભિનેત્રીને 10 કરોડની ભેંટો આપી હતી. જામીન પર બહાર આવ્યો ત્યારે તે જૈકલીનને ચેન્નાઈની હોટલમાં મળ્યો હતો. જેની તસવીરો પણ બહાર આવી છે.

Most Popular

To Top