National

એવું તો શું થયું કે, રાજ્યસભામાં સાંસદ જયા બચ્ચને ભાજપના સાંસદોને શ્રાપ આપી દીધો..

નવી દિલ્હી: (New Delhi) આજે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને (MP Jaya Bachhan) ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ટ્રેઝરી બેન્ચ પર બેઠેલા બીજેપી સાંસદો સાથે સપા સાંસદ જયા બચ્ચની ઉગ્ર દલીલ થઈ હતી. આ દરમિયાન જયા બચ્ચન ભાજપના (BJP) સાંસદો પર ગુસ્સે થઈ ગયા. તેમણે કહ્યું કે તમારા ખરાબ દિવસો બહુ જલ્દી આવવાના છે. ખૂબ જ ગુસ્સામાં દેખાતા જયા બચ્ચને કહ્યું કે મારા પર વ્યક્તિગત હુમલો થયો છે, હું તમને શ્રાપ (Curse) આપું છું કે તમારા લોકોના ખરાબ દિવસો આવશે. તમે અમારું ગળું દબાવી દો.. તમે જ ચલાવો.. જયા બચ્ચને વિરોધ પક્ષોના નેતાઓને પણ કહ્યું કે તમે કોની સામે બીન વગાડો છો.

અમારું ગળું દબાવો, અમે તમને બોલવા નથી દેતા…

જયા બચ્ચને કહ્યું કે સદનમાં જે થઈ રહ્યું છે તે ખૂબ જ દુઃખદ છે. તેમણે કહ્યું કે જો તમને તમારા સાથીદારો માટે કોઈ માન નથી, તો અમારું ગળું દબાવી દો, તમે અમને બોલવા નથી દેતા. અધ્યક્ષને અપીલ કરતાં જયાએ કહ્યું કે મારી અને મારી કારકિર્દી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આવા સભ્યો સામે પગલાં લેવા જોઈએ.

વિપક્ષી દળો કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના રાજીનામાની અને 12 સાંસદોનું સસ્પેન્શન પાછું ખેંચવાની માંગ કરી રહ્યા છે. આ કારણે ગૃહમાં સતત હોબાળો થઈ રહ્યો છે, સંસદ સ્થગિત કરવામાં આવી રહી છે. સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના 12 સભ્યોને ચોમાસુ સત્ર દરમિયાન અભદ્ર વર્તન કરવા બદલ રાજ્યસભામાં સત્રના બાકીના સમય માટે ઉપલા ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમના સસ્પેન્શનને રદ કરવાની માંગને લઈને વિપક્ષ સતત વિરોધ કરી રહ્યો છે અને હોબાળો મચાવી રહ્યો છે.

રાઉતે કહ્યું, જયાજીનો ગુસ્સો ઐશ્વર્યા પર ન કાઢો

પનામા પેપર્સ લીક ​​કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઐશ્વર્યા રાય બચ્ચનની પૂછપરછને લઈને પણ રાજકારણ ગરમાયું છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે આના પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે સરકારે જયાજીનો ગુસ્સો તેમના બાળકો પર ન કાઢવો જોઈએ. જ્યારે ઐશ્વર્યા રાય બચ્ચનને ED દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવી તે બાબતે સંજય રાઉતને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે જયા બચ્ચન વિપક્ષી સાંસદોની સાથે હોવાથી તેમને નોટિસ આપવામાં આવી છે. આ પછી તેમના પુત્ર, પૌત્ર અને પૌત્રીને પણ નોટિસ મોકલવામાં આવશે.

Most Popular

To Top