National

પરેશ ધાનાણી અને અમીત ચાવડાએ રાજીનામા આપવા પડયા તે માટે મને દુ:ખ છે : રૂપાણી

વિધાનસભામાં રાજયપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવની ચર્ચામાં ભાગ લેતા સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના બે મિત્રોને તેમના હોદ્દા પરથી રાજીનામા આપવા પડ્યાં તેનું મને દુ:ખ છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પ્રજાએ ભાજપને મત આપ્યો છે. જયારે કોંગ્રેસનો પરાજય થયો છે.

તેમણે કહ્યું હતું કે, તમામ નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં કેસરિયો લહેરાય છે ત્યારે કોંગ્રેસના મારા મિત્રોને કહેવાની ઇચ્છા છે કે, વક્તને કિયા, ક્યા હસી સીતમ..તુમ રહે ન તુમ, હમ રહે ન હમ. અમે અમારા સિદ્ધાંતો અને જનહિતલક્ષી કાર્યોને હંમેશા વળગી રહ્યા છીએ.

સત્તા માટે ક્યારેય રસ્તા બદલવાનું અમે મુનાસીબ માન્યું નથી. વિચારધારાથી કામ કરનારા અમે લોકો છીએ.એટલે જ આજે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી જનતાએ અમારી નિષ્ઠા, અમારી પારદર્શિતા, અમારી સંવેદનશીલતા, અમારી નિર્ણાયકતાને ભરપુર આશિર્વાદ આપ્યા છે.

જનતા જનાર્દને મત નહીં પરંતુ આશિર્વાદ આપ્યા છે. ૬૧ વર્ષમાં પહેલીવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૯૦ ટકા બેઠકો ઉપર જનતાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. છ માંથી છ મહાનગરપાલિકાઓ, ૮૧માંથી ૭૫ નગરપાલિકાઓ, તમામ ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧માંથી ૧૯૬ તાલુકા પંચાયતોમાં ગુજરાતની જનતાએ અમારામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આજે ગુજરાતમાં ૧૦૦ ટકા સાંસદો, ૧૦૦ ટકા જિલ્લા પંચાયતો, ૧૦૦ ટકા મહાનગરપાલિકાઓ, ૯૩ ટકા નગરપાલિકાઓ, ૮૬ ટકા તાલુકા પંચાયતો, અને ૬૧ ટકા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે. હું બીજી રીતે મુલવું તો ગુજરાતના ૧૮૨ વિધાનસભા મતવિસ્તારો પૈકી ૧૬૪ મતવિસ્તારોના લોકોએ ભાજપમાં તેમનો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

તેમણે કહ્યું હતું કે, મારે કહેવું જોઈએ કે, હારને પચાવવી અઘરી છે પરંતુ જીતને પચાવવી એનાથી પણ વધારે અઘરી છે. વિકટરી હેઝ મેની ફાધર્સ, ડીફીટ હેઝ નન…. વિજયનો ઉન્માદ નહીં, પણ વિજયનું સન્માન કરી જવાબદારી નિભાવવાની અમારી પ્રતિબદ્ધતા છે.

રૂપાણીએ જણાવ્યું હતું કે, અમારા વિજયનો અમને આનંદ જરૂર છે પણ આવી ભૂંડી હાલત જોઈને ખરેખર દયા આવી જાય છે. અમે કોઈની હારને બેઇજ્જત કરવાવાળા નથી. આ પંચાયતોની ચૂટણીમાં કોંગ્રેસને જનતાએ એમના મતથી એવા તો માર્યા છે કે ક્યાં જવું એની શુદ્ધબુદ્ધ ખોઈ બેઠા છે. એમની સ્થિતિ જોઈને મને એક ગીતની બે કડી યાદ આવે છે. જ્યારે અમારો આ વિજય જનતા જનાર્દને અમારા માટે વ્યક્ત કરેલા અપ્રતિમ સ્નેહનું પરિણામ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top