Gujarat

સુરત એરપોર્ટ પરથી 8.60 કિલો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની આશંકા દિલ્હી-સુરત ફ્લાઈટમાં લાવવામાં આવતો હતો કરોડોનો હાઈબ્રિડ ગાંજો:DRIએ ઉત્તર પ્રદેશના યુવકને ઝડપી પાડ્યો, બે દિવસના રિમાન્ડ મંજૂર

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) સુરત યુનિટે સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી કરીને આંતરરાષ્ટ્રીય સ્તરના નશીલા પદાર્થોના રેકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હીથી સુરત આવેલી ફ્લાઈટમાં મુસાફરી કરીને આવેલા ઉત્તર પ્રદેશના એક યુવક પાસેથી 8.60 કિલોગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ગાંજાની કિંમત અંદાજે 2.80 કરોડ રૂપિયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

માહિતી મુજબ DRIને અગાઉથી બાતમી મળી હતી કે દિલ્હી-સુરત ફ્લાઈટ મારફતે મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની હેરાફેરી થવાની છે. આ ચોક્કસ માહિતીના આધારે સુરત એરપોર્ટ પર ખાસ નજર રાખવામાં આવી હતી. આજે વહેલી સવારે દિલ્હીથી આવેલી ફ્લાઈટમાં ઉતરેલા શંકાસ્પદ મુસાફર કમલ કિશોર લાલની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન અધિકારીઓને તેની પાસેથી કુલ 8.60 કિલો હાઈડ્રોપોનિક ગાંજો મળી આવ્યો હતો. ગાંજાને “હાઈબ્રિડ ગાંજો” તરીકે પણ ઓળખવામાં આવે છે, જે સામાન્ય ગાંજા કરતા અનેક ગણો મોંઘો અને વધુ નશીલો હોય છે. ખાસ કરીને મેટ્રો શહેરો અને હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં તેની ભારે માંગ હોવાનું માનવામાં આવે છે.

DRIના સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી કમલ કિશોર લાલ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે અને તે દિલ્હીથી સુરત ફ્લાઈટ મારફતે ગાંજાની ડિલિવરી માટે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગાંજો સુરતમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે હવે વધુ તપાસ ચાલી રહી છે. સાથે જ આ નશીલા પદાર્થોની સપ્લાય ચેઇનમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

અધિકારીઓનું માનવું છે કે દિલ્હી-સુરત રૂટનો ઉપયોગ કરીને છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવી રહી હોઈ શકે છે. ખાસ કરીને એર રૂટ દ્વારા થતી ડ્રગ્સ સપ્લાય સામે હવે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે.
DRIએ આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાં કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જો કે રિમાન્ડ દરમિયાન અધિકારીઓ આરોપીના મોબાઈલ ફોન, કોલ ડિટેલ્સ, ટ્રાવેલ હિસ્ટ્રી અને આર્થિક લેવડદેવડની તપાસ કરશે. ગાંજો કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તેનું અંતિમ ડેસ્ટિનેશન શું હતું તે જાણવા પ્રયાસ કરવામાં આવશે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ હાઈડ્રોપોનિક ગાંજો વિદેશી માર્કેટમાંથી ભારતમાં લાવવામાં આવ્યો હોવાની પણ આશંકા છે. DRI હવે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે આરોપીના સંબંધો અંગે પણ તપાસ કરી રહી છે. તાજેતરમાં સુરત એરપોર્ટ પર સોનાની સ્મગલિંગ બાદ હવે ડ્રગ્સ હેરાફેરીનો મોટો કેસ સામે આવતા સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધી ગઈ છે. એરપોર્ટ પર સ્કેનિંગ, ચેકિંગ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી રહી છે. DRI અધિકારીઓએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં આવા રેકેટ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top