Madhya Gujarat

ઠાસરાના ઔરંગપુરા ગામની જર્જરિત શાળામાં 165 બાળકોના માથે જોખમ

નડિયાદ: એક તરફ ગુજરાત સરકાર દ્વારા ”સૌ ભણે સૌ આગળ વધે” ના સૂત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. જોકે, બીજી તરફ ઠાસરા તાલુકાના ઔરંગપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળા છેલ્લાં ઘણાં સમયથી અતિ જર્જરિત સ્થિતિમાં ફેરવાઈ હોવાછતાં તંત્ર ધ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. જેને પગલે બાળકો આવી જર્જરિત શાળામાં જ અભ્યાસ લેવા મજબૂર બન્યા છે.

ઠાસરા તાલુકાના ઔરંગપુરા ગામમાં સન ૧૯૬૧ માં પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ૬૦ વર્ષ કરતાં વધુ પુરાણા આ શાળાનાં બિલ્ડીંગમાં કુલ ૮ વર્ગો છે. જેમાંથી પ વર્ગો અતિ જર્જરિત હાલતમાં ફેરવાયા છે. વર્ગોના છાપરા, બારી બારણાં તૂટેલી હાલતમાં છે. આ શાળાનું ભોયતળિયું તૂટી ગયું છે અને ફ્લોરિંગ પણ ઉખડી ગયેલું છે. જેના કારણે સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુઓ ફર્યા કરે છે. જેનાથી વિદ્યાર્થીઓને જીવનું ઝોખમ પણ રહેલું છે. અતિ જર્જરિત હાલતમાં ફેરવાયેલું શાળાનું આ બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશયી થાય તેવી શક્યતાઓ છે. આ મામલે શાળાના સ્ટાફ તેમજ વાલીઓએ અવારનવાર જિલ્લાના શિક્ષણ વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે. પરંતુ રજુઆતો ધ્યાને લેવામાં આવતી નથી.

શાળામાં ઓરડાની ઘટ પડી રહી છે
ઔરંગપુરા પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટના કારણે ધોરણ ૧ અને ૨ એમ બે વર્ગોના વિધાર્થીઓને ભેગા બેસીને અભ્યાસ કરવો પડે છે. ઓરડાઓની ઘટ હોવાના કારણે હાલ તો ઓરડાની બહાર બાળકોને બેસાડવામાં આવે છે. જોકે, ત્યાં પણ પિલ્લર જર્જરિત હાલતમાં હોવાથી બાળકોના માથે જોખમ રહેલું છે. તેમ છતાં તંત્ર દ્વારા નવીન બનાવવાની તસ્દી લેવામાં આવતી નથી.

નવિન ઓરડા બનાવવા માંગ
જર્જરિત બનેલી આ શાળા ગમે ત્યારે ધરાશયી થાય તેવી શક્યતાઓ છે. જેને પગલે શાળામાં વિદ્યાર્થીઓ સતત ભયભીત રહે છે. ત્યારે વિદ્યાર્થીઓના ભય મુક્ત અભ્યાસ કરી શકે તે હેતુસર વહેલી તકે શાળાના જર્જરિત ઓરડા તોડી, તેના સ્થાને નવીન ઓરડા બનાવવામાં આવે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે.

Most Popular

To Top