Business

‘મારે સંસારમાં નથી પડવું, મારે તો સાધુ જ થવું છે’

આણંદ : બોચાસણ અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા એટલે વિશ્વ વિભૂતિ મહંત સ્વામી. તેમનો આજે જન્મ દિવસ છે. મહંત સ્વામી મુળ આણંદના જ રહેવાસી છે. તેમના પર યોગીજી મહારાજે નિઃસ્વાર્થ પ્રેમ વરસાવ્યો હતો. મહંત સ્વામી બાળક હતાં, તે સમયે યોગીજીએ તેમને ગુરૂ કહી સંબોધ્યાં હતાં. આણંદ ખાતે 1907માં મંદિરના નિર્માણ સાથે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પાયા નાખવાની શરૂઆત કરી હતી. તે સમયે પાયામાં સમર્પિત થનારા મુઠ્ઠીભર ભક્તોમાના એક એટલે આણંદના પાટીદાર મણિભાઈ નારણભાઈ પટેલ, તેમના પિતા નારણભાઈ જેરાભાઈ, પુરૂષોત્તમ જોરાભાઈ વિગેરે રેવનદાસની ખડકીના પાટીદારો શાસ્ત્રીજી મહારાજના ખરેખરા સમર્પિત ભક્તો હતાં.

શાસ્ત્રીજી મહારાજ શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે અવાર નવાર આણંદ પધારે તે સમયે સને 1907થી 1929ના ગાળામાં મોટે ભાગે તેમનો ઉતારો મણિભાઈના ઘરે રહેતો હતો. શાસ્ત્રીજી મહારાજ સેંકડો વાર મણિભાઈના ઘરે ઉતર્યાં હશે. મણિભાઈનું ઘર એ આણંદમાં શાસ્ત્રીજી મહારાજનું કાયમનું ઠેકાણું હતું. એક વખત મણિભાઈના પુત્ર વિનુભાઈ (મહંત સ્વામીનું બાળપણનું નામ) ઘરની બહાર નીકળી રહ્યાં હતાં, તે જ દાદરેથી યોગીજી મહારાજ ઘરમાં પ્રવેશી રહ્યાં હતાં. યોગીજી મહારાજે હેતથી તેમનો હાથ પકડી લીધો અને પ્રેમભર્યા સ્વરે કહ્યું કે, “ગુરૂ ! ક્યાં જાવ છો ? હાલો મેડા પર.’ તેમની સાથે વિનુભાઈ મેડા પર આવ્યાં. આ સમયે યોગીજી મહારાજે તો નિઃસ્વાર્થભાવથી ઔપચારિક વાર્તા કરી હતી. યોગીજીએ આશીર્વાદનો ધક્કો મારીને કહેવા લાગ્યાં “ઓહો! બહુ બળિયા છો!’ યોગીજી મહારાજે તો નિઃસ્વાર્થ પ્રેમ વરસાવ્યો હતો.

વિનુભાઈ (મહંત સ્વામી)ના પિતા મણિભાઈ તો અંતરથી ઇચ્છતા હતા કે તેઓ સાધુ થાય, પરંતુ કુટુંબના મોવડી એટલે મોતીભાઈ ભગવાનદાસ પટેલ. આણંદના એક સમર્પિત અને પીઢ ભક્તરાજ. થોડીવારમાં જ મોતીભાઈ યોગીજી મહારાજ પાસે આવી ચઢ્યાં અને ઊંચા અવાજે વિનુભાઈનો હાથ પકડીને સત્તાવાહી સ્વરે રાડ પાડી કહ્યું ઃ “ઘરે ચાલ ! ગૃહસ્થાશ્રમ કરે તો છોકરી ને બધું તારા માટે તૈયાર છે.’ પરંતુ વિવેકપૂર્વક હાથ છોડાવીને વિનુભાઈએ સ્પષ્ટ કહી દીધું ઃ મારે સંસારમાં પડવું નથી. મારે તો સાધુ જ થવું છે. આ સમયે યોગીજી મહારાજે મલકાતાં મલકાતાં વિનુભાઈ તરફ દ્રષ્ટિ કરી, પછી મોતીભાઈને ઠાવકાઇથી કહ્યું ઃ “મોતીભાઈ ! એને સાધુ જ થવું છે. તો ભલે થાય. તમે આશીર્વાદ આપતા જાવ.’ આખરે મોતીભાઈએ વાત પડતી મુકીને કહ્યું ઃ ભલે જેવી એની ઈચ્છા. તારી (વિનુભાઈ) ઇચ્છા હોય તો સાધુ થજે. હું રાજી છું. તેમ કહી આશીર્વાદ આપી તેઓ ચાલ્યા ગયા હતા.

પરીક્ષા પૂર્ણ કરી ઘરે જવાના બદલે સીધા જ ગોંડલ પહોંચ્યાં
વિનુભાઈ 1956ના વર્ષમાં અભ્યાસના છેલ્લા વર્ષમાં હતાં. એગ્રિકલ્ચરલ ગ્રેજ્યુએશનના ચાર વર્ષનો અભ્યાસ તેઓ ત્રણ વર્ષમાં પૂર્ણ કરી દીધો હતો. 1956ના માર્ચ – એપ્રિલમાં વિનુભાઈએ બીએસસી સ્નાતકના છેલ્લા વર્ષની છેલ્લી પરીક્ષા આપી. આર.એમ. પટેલે તેમનો છેલ્લો પ્રેક્ટિકલ લીધો, બસ ! ત્યાગની વેળા આવી ચુકી ! પરીક્ષા પૂર્ણ થયાની એ ક્ષણે જ ઘરે જવાને બદલે વિનુભાઈ સીધા જ યોગીજી મહારાજનાં ચરણોમાં ગોંડલ દોડી ગયાં. બસ, એ જ હતો એમનો ગૃહત્યાગ ! ત્યાર પછી જીવનભર ક્યારેય ઘરે ગયાં નહીં !

Most Popular

To Top