Surat Main

સુરતમાં 10 વર્ષની બાળકી પર તેના જ પિતાએ દુષ્કર્મ કર્યું, પ્રાઈવેટ પાર્ટમાં ચાર ટાંકા લેવા પડ્યાં

સુરત: સુરતના (Surat) સરથાણામાં 10 વર્ષની બાળકી પર તેના જ પિતા (Father) દ્વારા દુષ્કર્મ (Rape) કર્યા હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. પોલીસ દ્વારા નરાધમ પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. અજાણ્યા ઈસમની કહાની બનાવી બાળકીના પિતાએ પોલીસથી બચવાનો પ્રયત્નો કર્યો હતો પરંતુ રાત્રે જ પોલીસની શંકાના દાયરામાં આવી ગયો હતો. આ અગાઉ પણ પિતાએ એક અઠવાડિયા પહેલાં પણ બાળકીને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ઈજાના કારણે બાળકીના ગુપ્તાંગમાંથી અતિશય લોહી નીકળતું હોવાથી ચાર ટાંકા લેવાની ફરજ પડી હતી.

પોલીસે બાળકીના પિતા પર શંકા જતા ઉલટ તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસમાં પિતાએ જ હેવાનિયત આચરી હોવાનું ઉચ્ચ અધિકારીને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. એક અઠવાડિયા પહેલા પણ બાળકીને નિશાનો બનાવવા તેના પિતાએ કોશિશ કરી હતી. પરંતુ બાળકી ઘરની બહાર નીકળી જતા બચી ગઈ હતી. આ વાતની જાણ બાળકીએ તેની માતાને પણ કરી હતી પરંતુ તેની માતા કહ્યું કે એ તારા પિતા છે એ એવું નહીં કરે તેમ કહી બાળકીની વાતને નકારી કાઢી હતી.

હવસખોરને જાણે કોઈ અફસોસ ન હોય તેમ તેણે બાળકીને ડરાવી ધમકાવી હતી અને કોઈને આ વાત નહીં કહેવા દબાણ કર્યું હતું. તેમજ તેનું પાપ છુપાવવા માટે માસૂમને પોતે બનાવેલી કહાની જ પોલીસ સમક્ષ રજૂ કરવા માટે પણ દબાણ કર્યું હતું. નરાધમ બાપે બપોરના સમયે એક અજાણ્યો ઈસમ, જેના લાંબા વાળ અને કાનમાં બૂટી પહેરેલી તથા બ્લેક કલરનું ટી-શર્ટ પહેર્યું તેમજ નેપાળી જેવો દેખાતો હોવાનો કહાની બનાવી હતી. તેમજ આ જ કહાની પોલીસ અને ડોક્ટર સમક્ષ જણાવવા માટે બાળકીને મજબૂર કરી હતી, પરંતુ મોડી રાત્રે બાળકીએ પોલીસને સમગ્ર હકીકત જણાવી દીધી હતી.

સીસીટીવીના આધારે શંકાના દાયરામાં આવતા પોલીસે ઉલટ તપાસ શરૂ કરી
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના સાથે જોડાયેલા તમામ કડીને જોડી હતી. ત્યાર બાદ આજુબાજુના તમામ સીસીટીવી કેમેરાઓ તપાસવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસના કહ્યા પ્રમાણે સીસીટીવી કેમેરાની તપાસ દરમિયાન તેના પિતા જ શંકાના દાયરામાં આવ્યા હતા. સવારે નવ વાગે બાળકીના મામા તેના ઘરે આવ્યા હતા, પરંતુ 10:30 વાગ્યાના અરસામાં તેઓ જતા રહ્યા બાદ 12.09 વાગે તેના પિતા ઘરમાં આવ્યા એવું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. પોલીસે મોડી રાત્રે જ પિતાની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top