Shinor

સાધલી મેઈન બજાર માર્ગ પર ખુલ્લી ટ્રોલીમાં માટી વહનથી અકસ્માતની ભીતિ

બેદરકારીથી દોડતા ટ્રેક્ટરો સામે કાર્યવાહી કરવાની સ્થાનિકોની માંગ
(, શિનોર)
શિનોર તાલુકાના સાધલી ગામના મેઈન બજાર માર્ગ પર ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને દોડતા ટ્રેક્ટરોના કારણે સતત અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. આ માર્ગ શિનોર, કરજણ, રાજપીપળા અને વડોદરા તરફ જતા મુખ્ય માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતો હોવાથી દિવસભર ભારે વાહનવ્યવહાર રહે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક ટ્રેક્ટર ચાલકો નિયમોનું ઉલ્લંઘન કરી ખુલ્લી ટ્રોલીમાં માટી ભરીને ઝડપી ગતિએ પસાર થાય છે. ટ્રોલી પર તાડપત્રી ન પાથરવાના કારણે માટી ઉડીને પાછળથી આવતાં બાઇકચાલકો અને અન્ય દ્વિચક્રી વાહનચાલકોની આંખોમાં પડે છે, જેના કારણે વાહનનું સંતુલન બગડવાની અને અકસ્માત સર્જાવાની શક્યતા વધી રહી છે.
મેઈન બજાર વિસ્તાર હોવાના કારણે અહીં વેપારીઓ, રાહદારીઓ અને વિદ્યાર્થીઓની અવરજવર સતત રહે છે. આવા સંજોગોમાં બેદરકારીપૂર્વક માટી વહન કરતા ટ્રેક્ટરો જાહેર સલામતી માટે મોટું જોખમ બની રહ્યા છે. અત્યાર સુધી કોઈ ગંભીર અકસ્માત ન બન્યો હોય તેમ છતાં, જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા નકારી શકાતી નથી.
સ્થાનિક વેપારીઓ અને નાગરિકોએ માંગ કરી છે કે ખુલ્લી ટ્રોલીમાં માટી વહન કરનાર અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર ટ્રેક્ટર ચાલકો સામે જવાબદાર તંત્ર અને શિનોર પોલીસ દ્વારા તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, ટ્રોલી પર ફરજિયાત તાડપત્રી બાંધવાની કડક અમલવારી કરવામાં આવે, જેથી માર્ગ સલામતી જળવાઈ રહે.

રિપોર્ટર: અમિત સોની

Most Popular

To Top