Top News

તુર્કીની સ્કૂલમાં 13 વર્ષના બાળકનો તાંડવ, ફાયરિંગથી 10 વિદ્યાર્થીઓએ પ્રાણ ગુમાવ્યા

તુર્કીમાં શાળાઓમાં થયેલી ગોળીબારની સતત બે ઘટનાઓએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. બુધવારે એક મિડલ સ્કૂલમાં 13 વર્ષના વિદ્યાર્થીએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં એક શિક્ષક સહિત 9 વિદ્યાર્થીઓના મોત થયા અને લગભગ 13 લોકો ઘાયલ થયા. ઘટનાના અંતે હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી. ઘાયલોમાંથી 5થી 6 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર આઠમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી હતો. તે પોતાના બેગમાં પાંચ હથિયારો અને સાત મેગેઝીન લઈને શાળામાં પહોંચ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ હથિયારો તેના પિતાના હોઈ શકે છે, જે અગાઉ પોલીસ વિભાગમાં કામ કરતા હતા. આ વિદ્યાર્થી શાળાના બે વર્ગખંડોમાં ઘૂસ્યો અને ત્યાં અભ્યાસ કરતા નાના વિદ્યાર્થીઓ પર ગોળીબાર શરૂ કરી દીધો. ઘટના દરમિયાન શાળામાં અફરાતફરી મચી ગઈ હતી. ઘણા વિદ્યાર્થીઓ જીવ બચાવવા માટે શાળાના બીજા માળેથી કૂદી ગયા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં આ દ્રશ્યો જોવા મળ્યા છે, જેમાં બાળકો ડરથી ભાગતા અને કૂદતા નજરે પડે છે. કેટલાક વિદ્યાર્થીઓને ઈજાઓ પણ પહોંચી છે.

પોલીસ અને ઇમરજન્સી ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. તપાસ એજન્સીઓ હવે આ કેસમાં તમામ પાસાઓથી તપાસ કરી રહી છે, જેમાં હુમલાખોરને હથિયારો કેવી રીતે મળ્યા અને તેની માનસિક સ્થિતિ શું હતી તે પણ સામેલ છે. આ ઘટનાથી એક દિવસ પહેલા પણ તુર્કીમાં આવી જ એક ગોળીબારની ઘટના બની હતી. મંગળવારે એક 18 વર્ષના યુવકે પોતાની જૂની વોકેશનલ હાઈસ્કૂલમાં ઘૂસીને ગોળીબાર કર્યો હતો, જેમાં 16 લોકો ઘાયલ થયા હતા. આ હુમલાખોરે પણ અંતે પોતાને ગોળી મારી દીધી હતી. પોલીસે શાળાને ઘેરીને ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ આરોપીએ આત્મસમર્પણ કરવાનું ઇનકાર કર્યું હતું.

સામાન્ય રીતે તુર્કીમાં શાળાઓમાં આવી હિંસક ઘટનાઓ બહુ ઓછી બને છે. પરંતુ સતત બે દિવસમાં થયેલા આ હુમલાઓએ દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. માતા-પિતામાં અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે, અને શાળાઓમાં સુરક્ષા વધારવાની માંગ ઉઠી રહી છે. નિષ્ણાતોના મતે, આવી ઘટનાઓને રોકવા માટે કડક હથિયાર નિયંત્રણ, વિદ્યાર્થીઓની માનસિક આરોગ્ય પર ધ્યાન અને શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂર છે. સરકારે પણ આ ઘટનાને ગંભીરતાથી લઈને કડક પગલાં લેવાની વાત કરી છે.

Most Popular

To Top