આપણને ઠીક નથી લાગતું. આથી આપણે કોઈક ગોળી લઈએ છીએ. એ પછી આપણને બહેતર જણાય છે. બસ, વાત પૂરી. આમ તો, આ આખો મામલો રેપરમાંથી ગોળીના નીકળવાથી આપણા પેટમાં પહોંચવા સુધીનો જ ગણાય. આની પર્યાવરણ પર કશી વિપરીત અસર પડી શકે એ આપણી કલ્પના બહારની વાત છે, પણ આજે ઔષધીય એટલે કે ફાર્માસ્યુટિકલ પ્રદૂષણ પર્યાવરણ માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે એ હકીકત છે. નદી, તળાવ તેમજ ભૂગર્ભ જળમાં વિવિધ ઔષધિઓના અવશેષ મળી આવે છે. જૈવિક રીતે સક્રિય હોય એવાં સંયોજનોમાં ‘એ.પી.આઈ.’ (એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રેડિયન્ટ/સક્રિય ઔષધિય ઘટકો) ની હાજરી હવે દરેક ખંડની જળપ્રણાલીઓમાં જોવા મળી રહી છે. આ સમસ્યાનો વ્યાપ આધુનિક દવાઓના ઝડપી વિકાસની સાથે તેજ બન્યો છે. વિશ્વભરમાં આશરે ચાર હજાર ઔષધિય ઘટકો ચલણમાં છે. એ પૈકીના 631 ઘટકો અથવા તેનાં રૂપાંતરોને 71 દેશોના પર્યાવરણમાં ભળેલાં ઓળખી કાઢવામાં આવ્યાં હોવાનું સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલમાં જણાવાયું છે.
રેપરમાંથી આપણા શરીરમાં થઈને પર્યાવરણમાં ભળવાની દવાની આ મુસાફરી આમ જોઈએ તો જટિલ નહીં, પણ સીધીસાદી છે. આપણે એન્ટિબાયોટિક, એન્ટિ ડિપ્રેસન્ટ કે દર્દશામક દવાઓ લઈએ ત્યારે તેના અમુક હિસ્સાનું પાચન જ આપણા શરીરમાં થાય છે. એ સિવાયનો હિસ્સો મળમાર્ગે બહાર નીકળીને સ્યુએજ પ્રણાલીમાં જાય છે. નિકાલ કરાયેલાં પાણીની ટ્રીટમેન્ટ કરતાં મોટા ભાગના પ્લાન્ટ આવાં જટિલ રસાયણોને દૂર કરી શકે એવી પ્રણાલી ધરાવતા નથી હોતાં. આથી મોટા ભાગના ઔષધિય અવશેષ આવા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી હેમખેમ પસાર થઈને છેવટે નદી, તળાવ કે તટીય પર્યાવરણ પ્રણાલીમાં ભળે છે.
પાકિસ્તાનમાં વહેતી રાવી નદી ઔષધિય પ્રદૂષણમાં વિશ્વભરમાં મોખરે છે. આવી દવાઓ સૌ વરસોથી લેતા આવ્યા છે, તો શું અચાનક તેનાં ઘટકોનું પ્રદૂષણ શરૂ થઈ ગયું? વિજ્ઞાનીઓના મત અનુસાર, આ ઘટકો પર્યાવરણમાં વરસોથી મોજૂદ હશે, પણ બહેતર નિરીક્ષણને કારણે હવે તેની ઉપસ્થિતિની જાણ થવા લાગી. વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેની સાંદ્રતા 90 થી 95 ટકા ઘટાડી શકે છે, છતાં તેનો નાનકડો અંશ પાણીમાં રહી જાય છે. કદાચ માનવોને એની વિપરીત અસર ઓછી થાય એમ બને, પણ પાણીમાં રહેતાં જળચરોની વિવિધ પ્રજાતિઓને તે મોટું નુકસાન કરી શકે છે. અલબત્ત, આપણા શરીરની પાચનપ્રણાલીમાં થઈને નીકળતાં આ દ્રવ્યો બાબતે કશું કરવું આપણા હાથમાં નથી એ એક વાત થઈ. બીજો મુદ્દો વિવિધ દવાઓના અયોગ્ય નિકાલનો છે, જે વધુ ચિંતાજનક છે.
વણવપરાયેલી કે મુદત વીતી ચૂકી હોય એવી દવાઓને આપણે મોટે ભાગે રસોડાના સિન્કમાં, સંડાસના ફ્લશમાં વહાવી દઈએ છીએ યા ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. આ દવાઓ સીધેસીધી સ્યુએજપ્રણાલીમાં પહોંચે છે યા કચરાભેગી લેન્ડફિલમાં ઠલવાઈને આસપાસની જમીનમાં કે ભૂગર્ભ જળમાં ભળે છે. તેનું ઉત્પાદન થતું હોય એવા વિસ્તારોમાં પણ તેનું પ્રદૂષણ ફેલાય છે. ઘરમાંથી નિકાલ થતાં પાણીની સરખામણીએ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાંથી નીકળતા પાણીમાં વિવિધ દવાનાં ઘટકોનું પ્રમાણ દસથી એક હજાર ગણું સુધી વધુ હોય છે. કેટલાક કિસ્સાઓમાં દવાઓનું ઉત્પાદન કરતા વિસ્તારથી ત્રીસેક કિ.મી. દૂર સુધી આ રસાયણો મળી આવે છે.
આ ઉપરાંત કૃષિ અને પશુપાલનમાં વિવિધ હેતુસર અનેક એન્ટિબાયોટિક તેમજ હોર્મોનનો ઉપયોગ કરવામાં આવે છે, જે છેવટે એક યા બીજા માર્ગે પર્યાવરણમાં જ ભળે છે. આ દ્રવ્યોની સાંદ્રતા કદાચ ઓછી હોય તો પણ આવાં સક્રિય રસાયણોની વિવિધ જળપ્રણાલીમાં વ્યાપક ઉપસ્થિતિની લાંબા ગાળાની અસરો ચિંતા કરાવે એવી હોઈ શકે છે. નદી, તળાવ કે તટીય વિસ્તારનાં પાણીમાં ભળતાં તે વન્યજીવન અને વિવિધ પર્યાવરણ પ્રણાલીની નૈસર્ગિક જૈવિક પ્રક્રિયાઓને ખોરવી શકે છે. ગર્ભનિરોધકોમાં વપરાતા કૃત્રિમ અંત:સ્રાવનું પ્રમાણ લિટર દીઠ એક નેનોગ્રામ જેટલું ઓછું હોય તો પણ તે માછલીઓની પ્રજનન પ્રણાલીને બદલી શકે છે.
નર માછલીમાં તે માદાના ગુણો વિકસાવવા જેવી વિપરીત અસર તેનાથી થઈ શકે છે. દક્ષિણ એશિયામાં ગીધ લગભગ નામશેષ થઈ ગયાં એનું મુખ્ય કારણ ઢોરને અપાતી દર્દશામક દવાઓ હતી. એન્ટિબાયોટિક નદી કે અન્ય જળપ્રણાલીમાં પ્રવેશે ત્યારે તે એવી સ્થિતિ પેદા કરે છે જેને કારણે બેક્ટેરિયા આ દવાઓના પ્રતિરોધક બની જાય છે. આને કારણે એવાં જંતુઓ પેદા થાય છે કે જે સાદી સારવારને ગાંઠતા નથી. માનવ માટે કદાચ પીવાનાં પાણીમાં રહેલા ઔષધિય અવશેષોને લઈને એટલું જોખમ ન હોય તો પણ તેની લાંબાગાળાની અસર બાબતે વિજ્ઞાનીઓ સાવચેતી વરતી રહ્યા છે.
આ પ્રદૂષણના નિવારણનો કોઈ ઉપાય ખરો? સમસ્યાની ઓળખ અને તેના સ્વીકાર પછીનો તબક્કો તેના ઉપાય વિચારવાનો છે. અનેકવિધ મોરચે તેના માટે કામ કરવું પડે એમ છે. દવાઓનો આડેધડ નિકાલ ન થાય એ વ્યક્તિગત તેમજ સામુહિક ધોરણે સુનિશ્ચિત થાય એ જરૂરી છે. નકામા પાણીના નિકાલ માટેના પ્લાન્ટની ટેક્નોલોજીમાં પરિવર્તન કરવું અતિ જરૂરી છે. તેમાં કાર્બન ફિલ્ટરેશન, ઓઝોનેશન, આધુનિક ઓક્સિડેશન પ્રક્રિયાઓએ સંતોષકારક પરિણામ દેખાડ્યાં છે.
આ ઉપરાંત નીતિગત જોગવાઈ મહત્ત્વનું પરિબળ બની રહે એમ છે. સરકારોએ નિરીક્ષણનું સુયોગ્ય માળખું ગોઠવવું જરૂરી છે. આ ઉપરાંત ઔષધિય ઉત્પાદનઉદ્યોગ ક્ષેત્રે પણ આ બાબતે જાગૃતિ લાવવી જરૂરી છે, જેથી તેઓ પોતાના સ્તરે આનો અમલ કરી શકે. આ સ્મસ્યાનો વ્યાપ એટલો બધો જોવા મળ્યો છે કે એ ચિંતા કરાવે. આથી તેના અંગે અત્યારથી યોગ્ય રીત વિચારવામાં નહીં આવે તો આખી સમસ્યા વકરીને કાબૂ બહાર થઈ જાય એવી પૂરી શક્યતા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.