ભારતના રાજકારણમાં આગામી દિવસોમાં જે મોટું રાજકીય ઘમાસાણ થશે તે લોકસભામાં બેઠકોમાં વધારા મુદ્દે થશે. હાલમાં લોકસભાની 543 બેઠકો છે અને હવે કેન્દ્રની ભાજપ સરકાર આ બેઠકોમાં વધારો કરીને તેને 850 કે તેથી વધુ કરવા માંગે છે. ભારતમાં છેલ્લે 1976 માં (1971 ની વસ્તી ગણતરીના આધારે) લોકસભાની બેઠકોની સંખ્યામાં છેલ્લો મોટો વધારો થયો હતો, જે બાદ 1977ની ચૂંટણીમાં અમલમાં આવ્યો. હવે 2026માં નવી વસતી ગણતરી થવાની છે. જેના આંકડા 2027માં જાહેર કરવામાં આવશે અને તેના આધારે લોકસભાની બેઠકોનું નવું સીમાંકન કરવામાં આવશે. બની શકે છે કે આગામી વર્ષ 2029ની લોકસભાની ચૂંટણીમાં આ નવી લોકસભાની બેઠકો પર ચૂંટણી લડવામાં આવે. હાલમાં જે નવું સંસદ ભવન બનાવવામાં આવ્યું છે.
તેમાં 888 સાંસદો બેસી શકે તેટલી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે કે નવા ગૃહમાં જગ્યા પૂરતી છે પરંતુ લોકસભાની બેઠકોના વધારાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો વચ્ચે લડાઈ શરૂ થઈ ચૂકી છે અને તેમાં પણ સૌથી મોટો મુદ્દો દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકસભાની બેઠકોનો વધારો અને ઉત્તર ભારતના રાજ્યોમાં લોકસભાની બેઠકોના વધારાના વધુ અંતરને કારણે ઉભો થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં એપ્રિલ માસમાં જ બંધારણ (131મો સુધારો) બિલ, 2026 રજૂ કરવામાં આવ્યો છે. આ બિલ મંજૂર થયા બાદ નવું સીમાંકન કરવામાં આવશે. જ્યાં જ્યાં વસતી વધુ પ્રમાણમાં વધી છે ત્યાં લોકસભાની બેઠકો વધશે.
આ નવા સીમાંકનમાં સૌથી વધુ બેઠકોનો વધારો ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, અને પશ્ચિમ બંગાળ જેવા વસ્તી ધરાવતા રાજ્યોમાં જોવા મળી શકે છે. હાલમાં અંદાજ પ્રમાણે યુપીમાં હાલમાં જે લોકસભાની 80 બેઠકો છે તેમાં વધારો થઈને તે 120 થઈ શકે છે. જ્યારે ગુજરાતમાં પણ લોકસભાની હાલની 26 બેઠકો વધીને 39 થવાની શક્યતા છે. લોકસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવા માટે જોગવાઈ કરવામાં આવી છે ત્યારે આ નવી બેઠકોનો લાભ મહિલાઓને સૌથી વધુ મળશે.
હાલમાં સીટોમાં વધારાનું ડ્રાફ્ટ બિલ સાંસદો સાથે શેર કરવામાં આવ્યું છે. પ્રસ્તાવ મુજબ, 850 માંથી 815 બેઠકો રાજ્યોને અને 35 બેઠકો કેન્દ્રશાસિત પ્રદેશોને આપવામાં આવશે. આ પ્રસ્તાવને લાગુ કરવા માટે બંધારણના અનુચ્છેદ 81 માં સુધારો કરવામાં આવશે. આ માટે 16 એપ્રિલથી સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. તેમાં મહિલા અનામત બિલ પર પણ ચર્ચા થશે.
જોકે, આ બિલનો વ્યાપક વિરોધ શરૂ થયો છે. દક્ષિણ ભારતના રાજ્યો દ્વારા એવો મુદ્દો રજૂ કરાયો છે કે કેન્દ્ર સરકારની વસતી વધારા પર નિયંત્રણની નીતિનું અમે પાલન કર્યું અને તેને કારણે અમારી વસતી વધી નથી. તેની સજા અમને મળવાની હોય તો અમારો વિરોધ કરવો પડે તેમ છે. તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ કહ્યું છે કે, જો બેઠકો પ્રમાણના આધારે વધારવામાં આવશે, તો દક્ષિણી રાજ્યોમાં મહિલાઓ, SC અને ST સમુદાયોને નુકસાન થઈ શકે છે. આ પગલું દક્ષિણી રાજ્યોની રાજકીય તાકાત ઘટાડવાનું ષડયંત્ર હોઈ શકે છે.
રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે કહ્યું કે સરકાર આ પગલું 2029ની લોકસભા ચૂંટણીમાં રાજકીય લાભ લેવાના ઉદ્દેશ્યથી લાવી રહી છે. જો સરકાર મહિલાઓને 33% અનામત આપવા માંગે છે, તો તે હાલની 543 બેઠકોમાં જ લાગુ કરી શકાય છે. બેઠકો વધવાથી ઉત્તર ભારતને વધુ ફાયદો થશે. યુપીમાં બેઠકો 120 થવાની સાથે મહારાષ્ટ્રમાં મહિલાઓ માટે 24 બેઠકો અનામત થઈ જશે. અહીં લોકસભાની બેઠકો 48 થી વધીને 72 થઈ જશે. બિહારમાં પણ મહિલા બેઠકોની સંખ્યા 20 થઈ શકે છે. અહીં કુલ બેઠકો 40 થી 60 સુધી પહોંચી શકે છે. એમપીમાં 15 મહિલા અનામત બેઠકો વધી શકે છે. તમિલનાડુમાં 20 અને દિલ્હીમાં 4 એટલે કે મહિલા બેઠકો હશે.
ઝારખંડમાં 7 મહિલા અનામત બેઠકો વધવાનો અંદાજ છે. લોકસભાની બેઠકો વધારવા માટેની આ કવાયત આગામી દિવસોમાં વધુ વિવાદી બને તેવા એંધાણ મળી રહ્યા છે. કેન્દ્રની ભાજપ સરકાર મહિલા અનામતના નામે એવી રીતે સીટો વધારવા માંગે છે કે જે રાજ્યોમાં તેમનું વર્ચસ્વ છે તે રાજ્યોમાં લોકસભાની બેઠકો વધુ વધે કે જેથી તેમને ફાયદો થાય. જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભાજપનું વર્ચસ્વ નથી. જેને કારણે વિપક્ષોને નુકસાન થાય તેમ છે. આગામી દિવસોમાં લોકસભામાં બેઠકો વધારવાના બિલ પર ચર્ચાઓ થશે અને બાદમાં તે મંજૂર થશે કે કેમ?તે સમય કહેશે પરંતુ ત્યાં સુધીમાં દેશમાં મોટી રાજકીય લડાઈ ચાલશે તે ચોક્કસ છે.