Vadodara

બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા શિવરાત્રી નિમિત્તે 90 હજાર રત્નોથી સુશોભિત શિવલિંગ બનશે

ભગવાન ભોળાનાથને રીઝવવા તા.12થી ત્રિદિવસીય મહાશિવરાત્રી મહોત્સવનો શુભારંભ
વડોદરા:;મહાશિવરાત્રીનો પર્વ નજીક આવતાં વડોદરામાં શિવભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. શહેરના વિવિધ શિવ મંદિરોમાં જલાભિષેક, દૂધાભિષેક, બિલ્વાભિષેક તથા રુદ્રાભિષેક સાથે શિવજીના મંગલ સ્તોત્રોના ગાયનથી ભક્તિમય માહોલ ઉભો થવાનો છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્રહ્માકુમારીઝ આત્મચિંતન ભવન, અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બ્રહ્માકુમારીઝના પ્રતીક ચિહ્ન સાથે 90 હજાર રત્નોથી સુશોભિત શિવલિંગની દિવ્ય પ્રતિકૃતિના દર્શન ભાવિકોને કરાવવામાં આવશે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભાવિકોને મળશે અનેક દિવ્ય દર્શનો અને આધ્યાત્મિક અનુભવ
આ મહોત્સવ દરમિયાન ભાવિકોને દ્વાદશ જ્યોતિર્લિંગોના દર્શન, વિશાળ હીરા શિવલિંગ, ભગવાન શિવ-શંકરની ઝાંખી, અમરનાથ દર્શન, શિવલિંગ દુગ્ધાભિષેક, ચૈતન્ય દેવીઓની ઝાંખી ઉપરાંત પરમાત્મ અનુભૂતિ કક્ષ, જીવન મૂલ્ય પ્રદર્શન, માઇન્ડ સ્પા, વેલ્યુ ગેમ્સ, વ્યસનમુક્તિ પ્રદર્શની તથા શિક્ષણમાં નવી દિશા અંગેની માહિતી ઉપલબ્ધ રહેશે.
તા.13થી 15 ફેબ્રુઆરી સુધી ત્રિદિવસીય શિવોત્સવ
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તા.13 થી 15 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શિવોત્સવ યોજાશે. દરરોજ સવારે 9 થી સાંજે 9 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે અને દરરોજ સાંજે 7 વાગ્યે મહાઆરતી યોજાશે.
તા.12 ફેબ્રુઆરીના સાંજે 5 વાગ્યે મહાશિવરાત્રી મહોત્સવ તથા વિશ્વ પરિવર્તન મહાકુંભ જ્ઞાન મેળાનું ઉદ્ઘાટન રાજ્યયોગીની બી.કે. ડો. અરુણા દીદી તથા ગણમાન્ય અતિથિઓના હસ્તે કરવામાં આવશે. ઉપરાંત 90મી શિવજયંતિ નિમિત્તે મહાશિવરાત્રીના દિવસે 90 દીપ પ્રાગટ્ય અને શિવ ધ્વજારોહણનો કાર્યક્રમ પણ યોજાશે.
આ ભવ્ય અને આધ્યાત્મિક આયોજનમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top