Business

ફાલ્ગુની નાયર બ્યૂટી–વેલનેસ ક્ષેત્રની બિલિયોનેર નાયિકા

સામાજિક સ્ટ્રક્ચરના કારણે આપણે ત્યાં સ્ત્રીઓને કારકિર્દી ઘડવાની તક ઓછી અથવા તો મર્યાદિત મળે છે. ઉદારીકરણને ત્રણ દાયકાને વીત્યા અને બહેનોની ભાગીદારી બિઝનેસમાં વધી હોવા છતાં હજુ પણ બહેનો સ્વતંત્ર રીતે બજાર સર કરે ત્યારે તે ન્યૂઝ બને છે. હાલમાં આવાં ન્યૂઝ ફાલ્ગુની નાયરનાં બન્યાં.  પચાસ વર્ષીય ફાલ્ગુનીની ચર્ચા દેશ-દુનિયાભરમાં થઈ રહી છે. આ બધું ટૂંકા ગાળામાં થયું અને હવે ફાલ્ગુની બિઝનેસવુમન અને બિલિયોનર તરીકેની ખ્યાતિ મેળવી છે. તેઓ 2012માં સ્થપાયેલી કંપની‘નાયકા’ના ફાઉન્ડર અને CEO છે.

માત્ર નવ વર્ષના ટૂંકા ગાળામાં તેઓ બ્યૂટી, વેલનેસ અને ફેશન પ્રોડક્ટ્સ સેલિંગ કરતી કંપનીના 58,635 કરોડની વર્થ સુધી પહોંચાડી શક્યાં છે. ‘નાયકા’ ઇ-કોમર્સ કંપની છે અને તેનું મહદઅંશે સેલિંગ ઓનલાઈન થાય છે. મોટા શહેરોમાં તેનો 76 ઓફલાઈન સ્ટોર્સ પણ છે, પરંતુ આ બ્રાન્ડ જાણીતી બની તે ઓનલાઈન બિઝનેસથી. ભારતમાં કંપનીના પ્રોડ્કટ્સનું મેન્યૂફેક્ચર્ડ થઈ રહ્યું છે અને દુનિયાભરમાં તેનું વેચાણ છે. કંપની પાસે હાલમાં અંદાજે 2000 જેટલી નામી બ્રાન્ડ છે અને બે લાખ જેટલી પ્રોડક્ટ્સ છે. ‘નાયકા’ કંપનીની પ્રગતિ અચ્છા અચ્છા બિઝનેસગુરુઓને સ્વપ્નવત લાગી રહી છે. 

‘નાયકા’નો આરંભ અને ફાલ્ગુની નાયરની કારકિર્દીની બીજી ઇનિંગની શરૂઆત 2012માં થઈ જ્યારે ફાલ્ગુનીએ કોટક મહિન્દ્રા કેપિટલ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરનાં પદેથી રાજીનામું આપ્યું. ફાલ્ગુની મહિન્દ્રા ગ્રૂપમાં આ સ્થાને પહોંચીને સફળ હતી. આ હાઇપ્રોફાઇલ જોબમાં નામ, સન્માન અને સારું એવું પેકેજ તો તેઓેએ મેળવ્યું હતું અને આટલાં વર્ષ ફાઇનાન્શ્યલ સેક્ટરમાં કામ કર્યાં બાદ અનુભવ એટલો હતો કે આવનારાં વર્ષોમાં વધુ ઊંચું પદ અને વધુ પેકેજ નિશ્ચિત હતું. પરંતુ 2012માં ફાલ્ગુનીએ મહિન્દ્રા ગ્રૂપના ચીફ ઉદય કોટકને કહ્યું કે, “તે કંપનીમાં ખૂબ ખુશ છે, પરંતુ કશુંક જૂદું કરવા માંગે છે. હું તમારી સાથે સ્પર્ધા કરવા માંગતી નથી.” અને જ્યારે ઉદય કોટકે તેમને પૂછ્યું કે તમે શું કરવા ધારો છો ત્યારે ફાલ્ગુની નાયરે ઉત્તર વાળ્યો કે, “હું ઇન્ટરનેટ અને બ્યૂટીને જોડીને કશુંક કરવા માંગુ છું. ”

ફાલ્ગુની નાયરે ઉદય કોટકને જે કહ્યું હતું તેનું પરિણામ નવ વર્ષ બાદ 2021માં દેખાયું જ્યારે સ્ટોક એક્ચેન્જમાં તેનાં શેરનું લિસ્ટિંગ થયું. જેવું લિસ્ટિંગ થયું ‘નાયકા’ કંપનીનું મૂલ્ય વધીને એક લાખને આંબી ગયું. આ કંપનીમાં ફાલ્ગુની 52.56 % હિસ્સો ધરાવે છે અને આ લિસ્ટિંગથી ફાલ્ગુની દેશની બીજી સૌથી ધનવાન બિઝનેસવુમન બની. પ્રથમ નામ ઓ. પી. જિંદાલ ગ્રૂપની સાવિત્રી જિંદાલનું છે.

ફાલ્ગુની નાયરનો આ વર્તમાન છે, પણ તેમની બિઝનેસ ક્ષેત્રમાં ઝંપલાવવાની જે શરૂઆત અમદાવાદના IIM માંથી થઈ હતી. અહીંથી જ તેમણે MBA કર્યું. 1985માં જ્યારે તેઓ અમદાવાદ IIMમાં જોડાયાં ત્યારે તેમની ઓળખ મિડલક્લાસ બિઝનેસ ફેમેલિમાંથી આવનારી એક વિદ્યાર્થીનીની હતી. 1985માં તેમણે જે બેચમાં અભ્યાસ કર્યો તેમાં જ જાણીતાં કોમેન્ટ્રેટર હર્ષ ભોગલે પણ હતા. હર્ષ ભોગલે આજે પણ ફાલ્ગુનીને યાદ કરીને કહે છે કે, “ફાલ્ગુની ઇન્ટેલિજન્ટ, હાર્ડ વર્કિંગ અને ફન લવિંગ હતી. તે મારા સેક્શનમાં હતી અને તેનું કોમર્સ બેકગ્રાઉન્ડ હોવાથી તે હરહંમેશ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ કોર્સમાં અવ્વલ પર્ફોમન્સ આપતી હતી.”

વિદ્યાર્થીકાળ પછી તેમનું જોડાણ એ.એફ. ફર્ગ્યુસન એન્ડ કંપની સાથે થયું. ત્યારબાદ 18 વર્ષનું કરિઅર કોટક મહિન્દ્રા બેન્ક સાથે રહ્યું. લાંબાસમય સુધી ઇન્વેસ્ટર બેન્કર રહ્યાં બાદ જ્યારે તેમણે બિઝનેસ કરવાનું સાહસ કર્યું ત્યારે તેમની સામેના પડકાર અંગે ફાલ્ગુની કહે છે કે, હાઇપ્રોફાઈલ જોબ કરવી અને બિઝનેસ કરવો તે બે તદ્દન અલગ બાબત છે. અને જ્યારે ઇ-કોમર્સ વિશે વાત કરીએ ત્યારે તેમાં એક ઓર્ડર પણ આમતેમ થાય તે ન પોસાય. અમારી પાસે દર મહિને બાર લાખ જેટલા યુનિટ સ્ટોકમાં હોય છે અને તેને મેનેજ કરવાનો પડકાર છે.

સમજોને કે, તમારે ગતિમાં ચાલતી એક મશીનનું કામ યોગ્ય રીતે ચાલે છે કે નહીં તે માટે આસપાસ રહેવાનું છે. પહેલાં ત્રણ-ચાર મહિના તો મારા ઘરેથી જ બધું કામ થયું. કોઈ પણ બિઝનેસ માટે પ્રથમ વર્ષ હનિમૂન પિરિયડ હોય છે. તે ખૂબ સરળ હોય છે કારણ કે હજુ તો તમે બિઝનેસ ડિઝાઈન કરતાં હોવ છો અને બીજા વર્ષે જ્યારે તમારા બિઝનેસે ઠીકઠાક પ્રગતિ કરી હોય ત્યારે તેની સાથે ડિલ કરવું મુશ્કેલ બને છે અને ઘણાં તે પ્રેશરને ઝીલી શકતા નથી અને જોબ છોડી દે છે.

 અમે પેકેજને કેવી રીતે ડિસ્પેચ કરવો અને તે માટેની એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગની પૂરી વ્યવસ્થા ગોઠવી. ઘણીવાર તો અમે વિકેન્ડ પર લાંબી રજા લેતા અને ઓર્ડર લેવાનું બંધ કરીને માત્ર ઓર્ડર્સ ડિસ્પેચ કરતાં. ઓર્ડર્સ મોડા પહોંચે ત્યારે ઘણાં કસ્ટમર્સ ફરિયાદ પણ કરે અને અમારા ઓફિસમાં તે વખતે માત્ર 25 વ્યક્તિ હતાં અને અમે મજાકમાં કહેતાં પણ ખરાં કે જો કસ્ટમર્સ ફરિયાદ વધવા માંડે તો બધાએ જ ફોન પર બેસવું પડે તેવી સ્થિતિ હતી. જો કે તે દિવસો આજે વિદાય થઈ ચૂક્યા છે અને અમે આજે રોજબરોજના હજારો ઓર્ડર અને ઘણી વખત તો લાખ સુધીના ઓર્ડર મેનેજ કરીએ છીએ.

કામની વ્યસ્તતા સાથે કંપનીને વધુ મજબૂત બનાવવાનો રોડમેડ ફાલ્ગુની પાસે હતો અને તે માટે મૂડીની જરૂર હતી. શરૂઆતમાં તો પોતાની જ મૂડી ફાલ્ગુનીએ લગાવી. આ મૂડીથી બિઝનેસ ઊભો થયો અને તેનું ટર્નઓવર પણ થવા માંડ્યું, પરંતુ વધુ ઇન્વેસ્ટમેન્ટની જરૂર હતી, જેથી બિઝનેસનો વ્યાપ વધારી શકાય. મૂડી વધારવા માટે અલગ-અલગ રસ્તા છે, તેમાં ફાલ્ગુનીએ ‘વીસી ફંડ’નો સહારો લીધો. આ ટર્મ બિઝનેસ કરનારાઓ વચ્ચે જાણીતી છે. તેમાં કેટલાંક ચુનિંદા વ્યક્તિઓ પાસેથી ફાલ્ગુનીએ ફંડ ઊભું કર્યું. આ ફંડમાં રોકાણ કરનારાઓમાં કેટરીના કેફ અને આલિયા ભટ્ટ પણ હતા. આ બંને એક્ટ્રેસે સારી એવી મૂડી ફાલ્ગુનીની કંપનીમાં ઇન્વેસ્ટ કરી છે. કેટરીના તો હવે નાયકાની સેલિબ્રિટી પાર્ટનર છે.

ફાલ્ગુની માટે ‘નાયકા’ આમ તો શરૂઆત હતી, પણ બેન્કિંગ ઇન્ડસ્ટ્રીઝથી જાણે તેને પૂર્ણપણે આરામ મળ્યો હોય તેવી અનુભૂતિ પણ હતી. ફાલ્ગુનીએ ‘નાયકા’ નામ સંસ્કૃતમાંથી પસંદ કર્યું, જેનો અર્થ નાયિકા થાય છે. જો કે આ ક્ષેત્રમાં સાહસ કર્યું હોવા છતાં ફાલ્ગુની તે વિશે બિલકુલ અજાણ હતી અને એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં આવવું એટલે પા-પા પગલી ભરવાથી જ શરૂઆત થાય છે. ફાલ્ગુની નાયર હવે આ બિઝનેસમાં સર્વોપરી બિરાજે છે અને આ બિઝનેસ આવનારાં વર્ષોમાં રોકેટ ગતિએ વધવાનો છે. મતલબ કે ફાલ્ગુની આ રફ્તારથી જ પોતાનો બિઝનેસ વિસ્તારથી રહી તો તેમનું નામ દેશના ટોપ બિલિયોનોરમાં સામેલ થવામાં વાર નહીં લાગે. ફાલ્ગુની નાયરની જે શાખ ઊભી થઈ છે તેનું જ પરિણામ કે તેમનો શેરની પ્રાઇઝ બેન્ડ મહત્તમ 1125 હતી, પણ શેરની પ્રથમ દિવસે જ કિંમત 2129 રહી.

બ્યૂટી અને વેલનેસનો બિઝનેસ ફાલ્ગુની માટે નવો હતો, તેમ છતાં જ્યારે તેમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે અભ્યાસ ઊંડાણપૂર્વક કર્યો હતો. આ બિઝનેસમાં તેમણે કસ્ટમર્સનું એજ ગ્રૂપ 25 થી 35 રાખ્યું હતું. આ ગ્રૂપ પર જ તેમણે ફોકસ રાખ્યું અને પોતાના પ્રોડક્ટનું સારી રીતે માર્કેટીંગ થાય તે માટે સતત સેલિબ્રિટીઝને પોતાના પ્રોડક્ટ સાથે એન્ગેજ રાખ્યા. ઉપરાંત સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો. આ દરમિયાન તેમને કોવિડનો પણ લાભ મળ્યો. જે પ્લેટફોર્મ તેમણે તૈયાર કર્યું હતું તેના પર ઓર્ડર કરવો કસ્ટમર્સ માટે સરળ હતું અને તે કારણે પણ કંપનીને લાભ થયો અને તેઓ હજુ પણ ભારતમાં ખૂબ મોટું માર્કેટ જોવે છે. કારણ કે ઇન્ટરનેટ ઉપયોગ ન કરનારી બહેનોની સંખ્યા આજે પણ ભારતમાં કરોડોમાં છે. જ્યારે ‘નાયકા’ ત્યાં સુધી પહોંચશે ત્યારે ફાલ્ગુની બ્યૂટી-વેલનેસ ક્ષેત્રમાં સંભવત્ વિશ્વનું સર્વોપરી નામ હશે.

Most Popular

To Top