Business

ટીકટોકનો ફરીથી સારો સમય શરૂ થયો છે : ભારત છોડીને!

અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે ચીનની શોર્ટ વીડિયો પ્લેટફોર્મ કંપનીનું અસ્તિત્વ જોખમમાં મુકાઇ ગયું હતું. અમેરિકામાં બીજી મોટી ટેક કંપનીઓને ટીકટોક વેચી મારવાની જોગવાઇ શરૂ થઇ હતી. સમાંતરે ભારતમાં 29 જૂન 2020માં, દેશની સુરક્ષા નીતિને આગળ ધરીને ટીકટોક અને બીજી ઘણી ચીની કંપનીઓના ભારતમાંના ઓપરેશનો પર પ્રતિબંધો મુકાયા હતા. 2016ના સપ્ટેમ્બરમાં ટીકટોક લોન્ચ થઇ ત્યારબાદ ભારત અને દુનિયામાં જબરી સફળતા મેળવી હતી. પરંતુ પ્રમુખ ટ્રમ્પ અને ભારતમાં વડાપ્રધાન મોદી ચીની સરકારને સબક શિખડાવવા માગતા હતા. ટ્રમ્પ હારી ગયા. જો કે ભારતમાં પ્રતિબંધ હજી યથાવત છે અને અમેરિકામાં ટ્રમ્પના જવાથી ટીકટોકને રાહત મળી છે.

ભારતમાં ટીકટોકે 15 ભારતીય ભાષાઓ સાથે પ્લેટફોર્મ શરૂ કર્યું હતું. જોતજોતમાં અસાધારણ પ્રગતિ કરી. તેની 15 સેકન્ડની વીડિયોમાં હાસ્યની પ્રચુરતા વધુ. કેટલુંક સારા સ્તરનું અને મોટા ભાગનું નિમ્ન સ્તરનું, અવાસ્તવિક, અતાર્કિક અને ભદ્દું, નિરાશાજક પણ તેમાં વીડિયો અપલોડ કરીને ભારતના કસબી, કલાકારો અને ચિપ કક્ષાના લોકો સારી કમાણી કરતા હતા. હવે ટીકટોકની અવેજીમાં આવા ઘણા પ્લેટફોર્મ શરૂ થયા છે. ભારતમાં બિઝનેસ શરૂ થયો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટિકટોક ફરી જૂના મૂડ અને ઉત્સાહમાં પાછી ફરી છે. કોરોના સંકટમાં લોકોની એકલતાએ પણ તેને સફળતા અપાવી હતી.

ટિકટોકે જે ખરાબ સમય પસાર કર્યો ત્યારે તેની પાસે પોતાનું કન્ટેન્ટ સુધારવાની તક મળી હતી પરંતુ વિવિધ કાનૂની જંજાળમાં ફસાયેલી કંપનીને તે વિશે આગળ વધવાનો સમય મળ્યો નહીં હોય. છતાં આજે જગતના ટીનેજરો, કિશોરો અને તરુણો તેમ જ તેઓના યુવાન વાલીઓ સોશ્યલ મીડિયા વિશે શું વિચારે છે? કેવી રીતે વર્તન કરે છે તેનો વિગતે અભ્યાસ કરવો હોય તો આજે પણ ટીકટોકમાં પ્રવેશીને ઊંડા ઊતરવું પડે. ગયા જૂનમાં આ વીડિયો શેરિંગ પ્લેટફોર્મ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. તેમાં પૂછવામાં આવ્યું હતું કે, (મારા સિવાય) બીજા કોઇ એવું માને છે કે આજકાલ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકવી એ એક નિમ્મ પ્રકારની આપવડાઇ છે? આ પોસ્ટને થોડા સમયમાં જ 3,70,000 જેટલા લાઇક્સ મળ્યા. ઇન્સ્ટાગ્રામની માલિક કંપની ફેસબુકના વડાઓને ખૂબ લાગી આવ્યું હશે.

એ દરમિયાન ઇન્સ્ટાગ્રામના એક પૂર્વ કર્મચારી ફ્રાન્સિસ હોગન દ્વારા કંપનીના કેટલાક આંતરિક દસ્તાવેજો જાહેર કરી દેવાયા હતા. એ દસ્તાવેજો પુરવાર કરતા હતા કે ખાસ કરીને ટીનેજ કન્યાઓ, કિશોરીઓ અને અન્ય કિશોર યુવાનોના માનસને નુકસાન પહોંચાડે તેવું મટીરિયલ ઇન્સ્ટાગ્રામ પીરસવામાં આવતું હતું તે બાબતની ફેસબુકને જાણ હતી છતાં એ સાહિત્ય રજૂ થતું અટકાવવા માટે કોઇ સક્રિય પગલા ફેસબુકે ભર્યા ન હતા. આ ખુલાસા પછી ફેસબુક પર સરકાર અને પ્રજાની પસ્તાળ પડી હતી. ત્યારબાદ ફેસબુક યુવાન અને કિશોર વર્ગમાં અલોકપ્રિય બની હતી.

અમેરિકન યુવાન અને કિશોર વર્ગમાં અલોકપ્રિય બની હતી. અમેરિકન બાળકો અને કિશોરોનો એક અભ્યાસ ગયા વરસે હાથ ધરાયો હતો. જેમાં ચાર વરસના બાળકોની માંડીને 15 વરસના કિશોર-કિશોરીઓએ 2019ના વરસમાં દિવસના સરેરાશ 18 મિનિટ ફેસબુક પર હાજરી આપી હતી. તે સરેરાશ 2020માં ઘટીને સત્તર મિનિટની થઇ હતી. જો કે એક મિનિટનો ઘટાડો ઓછો લાગે. પણ વપરાશકારોની સંખ્યા અને વરસના કુલ સમયનો ગુણોત્તર કરવામાં આવે તો તફાવતનું આ પ્રમાણ ખૂબ મોટું છે તે સમજી શકાય. જો કે આ વયજૂથમાં ઇન્સ્ટાગ્રામ જોવાનું પ્રમાણ 40 મિનિટ જેટલું ઊંચુ રહ્યું હતું.

સ્નેપચેટની મુલાકાતના સમયનું પ્રમાણ ઘણી માત્રામાં વધ્યું હતું. સરેરાશ 37 મિનિટથી વધીને 47 મિનિટ પર પહોંચી છે. પરંતુ એ બધામાં શ્રેષ્ઠતા ટિકટોકે મેળવી છે. 2019માં કિશોરો અને તરુણો દિવસના સરેરાશ 44 (ચુમાલીસ) મિનિટ ટિકટોક પાછળ આપતા હતા તે પ્રમાણ 2020માં લગભગ બમણું અર્થાત દિવસનું 87 મિનિટ થયું. જો કે ચારથી પંદર વરસના ગ્રુપમાં ફેસબુકની વૃત્તિને સમજવાની કે જાણવાની, ચાર કે આઠ કે દસ વરસના બાળકમાં ન હોય. પરંતુ આ ગ્રુપ અગાઉથી નક્કી થયેલા હોય છે તેથી તેઓનો ઉલ્લેખ થયો છે. ખાસ તો જે નફરત બતાવી હશે તે બારથી પંદર વરસનાં સંતાનોએ જાતે અથવા વડીલોના આગ્રહથી બતાવી છે.

ટિકટોકનું પ્લેટફોર્મ પણ હલકું ફૂલકું, મોજમજાનું છે. ગંભીર નથી. બાળકોને, ટીનેજરોને પસંદ પડે તે સ્વાભાવિક છે. ઉપરાંત ટિકટોકે અલગોરિધમના આધારે દરેક યુઝર માટે ‘ફોર યુ પેઇજ’ (FUP) તૈયાર કર્યું છે. જે યુઝરની અગાઉની પ્લેટફોર્મ પરની પ્રવૃત્તિઓના આધારે નક્કી કરવામાં આવે છે કે યુઝરને કેવું સાહિત્ય પસંદ પડે છે. જો કે હવે આ નવીનતા રહી નથી. અમેઝોન, ફલીપકાર્ટ વગેરે ઓનલાઇન સ્ટોર્સ ગ્રાહકની બ્રાઉઝિંગ હિસ્ટ્રીના આધારે એ પ્રકારનો નવો નવો માલસામાન ખાસ એ ગ્રાહકને વર્તમાન અને ભવિષ્યમાં પણ દર્શાવતા રહે છે. યુ-ટયુબ પણ આમ કરે છે.

પરંતુ ટિકટોકે આ ટેકનોલોજી અપનાવી તેને તેની સફળતાનું મહત્વનું કારણ ગણવામાં આવે છે. યુઝર્સ માટે વિડિયોની એક લાંબી દોરી અથવા સ્ટ્રીમ રજૂ કરાય છે. ટિકટોકમાં વિડિયોની લંબાઇ માત્ર પંદર સેકન્ડની હોય એટલે યુઝર્સ એક પછી એક જોતા રહે છે. હવે પછીની કિલપ વધુ સારી હશે. માત્ર પંદર સેકન્ડનો તો સવાલ છે. આ ભાવનાને વશ થઇ લાંબો સમય સુધી ટિકટોક જોતા રહે છે. ગુજરાતની બહેનોમાં બપોરબાદ ટિકટોક જોવાની એક લત શરૂ થઇ રહી હતી ત્યાં જ પ્રતિબંધ આવી ગયો. પણ તેના જેવા જ વિકલ્પો ઉપલબ્ધ છે. તેથી શોખ જળવાઇ રહ્યો છે. જો કે 2020માં પ્લેટફોર્મને વધુ દર્શકો મળ્યા તેનું કારણ લોકડાઉન અને લોકોએ ઘરે બેસવું પડયું તે પણ છે. ટિકટોક પર વધુ વૈશ્વિક દર્શકો મળી રહેશે, વધુ વાયરલ થશે તે કારણસર પણ શોર્ટફિલ્મના નિર્માતાઓ, કલાકારો તેને ટિકટોક પર અપલોડ કરવાનું પસંદ કરે છે. આ કારણે ટિકટોક પર વિડિયોના કન્ટેન્ટની વિવિધતા વધે છે જે ટિકટોક માટે પણ ફાયદાકારક નીવડે છે.

ટિકટોકની માલિકી હજી પણ તેની મૂળ માલિક કંપની, બીઇજિંગ, ચીન ખાતેની બાઇટડેન્સ કંપની ધરાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ કંપની માટે ઘણા વિઘ્નો ઊભાં કર્યા હતા. ત્યાં સુધી કે એપ્પ સ્ટોર્સમાંથી તેને હટાવવાની ધમકી પણ આપી હતી છતાં આજે તે અસલ મિજાજમાં આવી ગઇ છે. અમેરિકી પ્રમુખ જો બાઇડન પણ ચીનના પ્રખર વિરોધી છે પણ આ પ્રકારના ધંધા રોજગારમાં એ દખલગીરી કરશે એવું લાગતું નથી.જૂની ભૂલોમાંથી ટિકટોક કંપની સાવ કશું જ શિખી નથી એવું નથી. હમણાં ટિકટોકે એવું એક નવું અને સરાહનીય સૂચન કર્યું છે. યુઝર્સને હાનિકારક સામગ્રીથી બચાવવાના હેતુ સાથે આ કંપનીએ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ કંપનીઓનું એક વૈશ્વિક મંડળ રચવાની પ્રસ્તાવના એ કંપનીઓ સમક્ષ મૂકી છે.

આ પ્રકારની વૈશ્વિક સમિતિ વપરાશકારોને સોશ્યલ મિડિયાની નકારાત્મક, ખરાબ અસરોથી યુઝર્સને મુકત રાખશે તેમ ટિકટોકનું કહેવું છે. ઘણી વખત FYP પ્રવૃત્તિઓ યુઝર્સ માટે ત્રાસરૂપ બની જાય. આ જૂઓ, આ પણ જૂઓ, આમાં તમને રસ પડશે તેમ નાની વયના યુઝરોને સૂચન કરતા રહેવું તે પણ એક જાતની પ્રતાડના છે. આ વાત જાતે, અનુભવમાંથી સમજીને ટિકટોકે 13 વરસથી નીચેની ઉંમરના બાળકોનાં લાખો અને કરોડો એકાઉન્ટ બંધ કરી દીધાં છે. એ ઉપરાંત નાની વયના યુઝર્સના હિતમાં ન હોય તેવા અસંખ્ય વિડિયોની રજૂઆત પણ તે બાળકો માટે ખૂબ લિમિટેડ બનાવી દીધી છે.

ટિકટોકનો પોતાનો દાવો છે કે આ ચાલુ વરસના પ્રથમ ત્રણ મહિનામાં ટિકટોક પર જે સામગ્રી અપલોડ કરવામાં આવી હતી તેમાંની માત્ર ૧% થી પણ ઓછી વિડિયો સામગ્રી કંપનીની પોતાની સર્વિસ ટર્મનું ઉલ્લંઘન કરતી હતી અને જે વિડિયો સર્વિસ ટર્મનું ઉલ્લંઘન કરતી હતી તેને માત્ર ૨૪ કલાકની અંદર હટાવી લેવાઇ હતી અથવા દૂર કરાઇ હતી. આ દાવો જો સાવ સાચો હોય તો તેનો અર્થ થયો કે બીજા સોશ્યલ મિડિયા એપ્સમાં ટિકટોક સૌથી તંદુરસ્ત અને નિર્દોષ પ્લેટફોર્મ છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. વાસ્તવિકતા જુદી છે.

ગયા વરસે ‘ઇન્ટરસેપ્ટ’ નામક એક સાઇટ દ્વારા કેટલાક ચાઇનીઝ દસ્તાવેજો ખુલ્લા પાડવામાં આવ્યા હતા. તે મુજબ ટિકટોક પર જે કદરૂપા, બેડોળ ચહેરા અને નાકનકશા ધરાવતા હતા તે લોકોને દૂર કરવાની વાત હતી. ફાંદવાળા સ્ત્રી-પુરૂષોને પણ પ્લેટફોર્મ પર સ્થાન નહીં આપવાની નીતિ અપનાવાઇ હતી. તમે જોશો કે ટિકટોક પર રૂપાળા ચહેરાવાળા લોકો વધુ સંખ્યામાં જોવા મળે છે. જો કે આ નિયમ વણલખ્યો અને વૈશ્વિક છે. ઓમ પુરી, અમરિશ પુરી દાયકાઓ ફિલ્મ જગતમાં સફળ રહ્યાં, પણ સરોવરના કાંઠે, કે પછી ગમે ત્યાં, સુંદર કપડાંમાન સજીધજીને નાયિકાની પાછળ ગીતો ગાતા એમને કોઇએ જોયા જ નથી.

ક્રાઇમ પેટ્રોલ સિરિઝના ગુનેગારોથી માંડીને વિકટિમ્સ, બધાં જ સ્વરૂપવાન હોય છે. કંપનીના, ચીનના હેડકવાર્ટર ખાતેના એ દસ્તાવેજમાં કહેવાયું હતું કે કદરૂપા ચહેરાઓને કારણે ચીનના રાષ્ટ્રીય હિતો અને સન્માનને ઠેસ પહોંચે છે. આ એ ચીન છે જે ડાબેરી લિબરલોનો ફેવરિટ દેશ છે. સિતારામ યેચૂરી, પ્રકાશ અને બ્રિન્દા કરાટ વગેરે. તેઓ અહીં જે બોલે છે તેના કરતા એમના ફાધરલેન્ડમાં જુદી જ વિચારધારા ચાલે છે. ટિકટોક ડાહી એટલા માટે થઇ કે જગતમાં ધંધો કરવો હશે તો જાગતિક સ્ટાન્ડર્ડઝ અપનાવવા પડશે એ તે બરાબર સમજી ગઇ છે.

એક સમયે ઇન્સ્ટાગ્રામ પર પણ કન્યાઓમાં શારીરિક દેખાવની બાબતમાં હિન ભાવનાઓ જગાવવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. કુમારી હોગનના ખુલાસાએ ટિકટોકના દાવાઓને પણ ધરાશાયી કર્યા છે. આજ સુધીમાં ‘વોટઆઇઇટઇનઅડે ’ (સિંગલ વર્ડ: અર્થ એક દિવસમાં હું શું શું ખાઉં છું?) શીર્ષક હેઠળ લગભગ નવ અબજ (880 કરોડ) વિડિયો અપલોડ થયા છે. આ એક વાઇરલ ટ્રેન્ડ છે જેમાં મોટાભાગની યુવતીઓ, તરૂણીઓ પોતે જે કંઇ ખાય તેની ડાયરી રાખે છે અને સોશ્યલ મિડિયા પર તે વિગતો જાહેર જનતાના દર્શનાર્થે રજૂ કરે છે. તેમાં ઓછું અને ઓછું ખાવાની વણલિખી સ્પર્ધા શરૂ થઇ જે આખરે આરોગ્યને કથળાવે. ફેસબુકે કરેલી આ ભૂલોમાંથી ધડો લઇને ટિકટોકે હવે જાહેર કર્યું છે કે ઓછું કે વધુ જમવા બાબતેનાં જોખમોની ચેતવણી આપતી એક નોટિસ અર્થાત ચેતવણી એ દરેક ભોજન વિડિયો સાથે જોડવામાં આવશે.

શરીરના કદ, રૂપ, સ્થૂળતા વિશે અન્યોને શરમાવવાની વૃત્તિ આવી ભોજન સામગ્રીની વિગતોમાંથી જન્મે છે. ઘણી તકલીફો ફેશન તરીકે અપનાવવી અને પછી તેને ગાળો આપી બંધ કરવી તે માનવીની પાગલ વૃત્તિ છે. સોશ્યલ મિડિયામાં તે સ્પષ્ટપણે જોવા મળે છે. બીજી વાત એ પણ સ્પષ્ટપણે સાબિત થાય છે કે સોશ્યલ મિડિયાનો આધાર લઇ આરંભવવી હોય તો અનેક સારી પ્રવૃત્તિઓ છે, પણ માણસોને અને ખાસ કરીને બહેનોને શું ખાધું? શું પીધું અને શું પહેર્યું? અને ખાસ કરીને બીજાએ શું ખાધું, પીધું, પહેર્યું અને હર્યા ફર્યા તેની વાતમાં વધુ રસ પડે છે. વારું, પેલી ઠંડા પાણીની બાલટીની ચેલેન્જનું શું થયું?

Most Popular

To Top