Columns

સરકારે CBI અને EDના ડિરેક્ટરોની મુદ્દત વધારવા વટહુકમ કેમ બહાર પાડ્યો?

સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) જેવી શક્તિશાળી એજન્સીઓનો ઉપયોગ કરચોરો, કાળાબજારિયાઓ, ભ્રષ્ટાચારીઓ અને દેશના દુશ્મનો સામે કરવાનો હોય છે, પણ આપણી સરકાર તેનો ઉપયોગ શાસક પક્ષના વિરોધીઓનો અવાજ દબાવવા માટે કરતી આવી છે.  સુપ્રિમ કોર્ટે તેના એક ચુકાદામાં સીબીઆઈને પાળેલા પોપટની ઉપમા આપી હતી. સીબીઆઈ અને ઇડીના ડિરેક્ટરો સરકારના પાળેલા પોપટ જેવા જ હોય છે. તેઓ પોતાના હોદ્દા પર હોય ત્યાં સુધી બંધારણને નહીં પણ સરકારને જ વફાદાર રહેતા હોય છે. તેમના હોદ્દા માટે બે વર્ષની મુદ્દત નક્કી કરવામાં આવી હતી, પણ સરકારે અચાનક વટહુકમ બહાર પાડીને તે મુદ્દતમાં ત્રણ વખત એક-એક વર્ષનો વધારો કરવાની સરકારને સત્તા આપી છે. જ્યારે સંસદના શિયાળુ સત્રને ૧૪ જ દિવસનો સમય બાકી છે ત્યારે સંસદમાં કાયદો કરવાને બદલે સરકારે સીબીઆઈ અને ઇડીના ડિરેક્ટરોની મુદત વધારવા માટે વટહુકમનો રસ્તો શા માટે પસંદ કર્યો? તેવો સવાલ થયા વિના રહેતો નથી.

ઇડીના વર્તમાન ડિરેક્ટર સંજય કુમાર મિશ્રા સરકારના માનીતા છે, કારણ કે તેઓ સરકારની આજ્ઞા મુજબ વિપક્ષી નેતાઓ પર દરોડા પાડવા તૈયાર હોય છે. સંજય કુમાર મિશ્રાની મુદત ૨૦૨૦ ના નવેમ્બરમાં પૂરી થતી હતી, પણ સરકારે તેમને એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. સરકારના આ નિર્ણય સામે એક બિનસરકારી સંસ્થા દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે એક વર્ષના એક્સટેન્શનને માન્ય રાખ્યું હતું, પણ શરત કરી હતી કે મિશ્રાને હવે વધુ એક્સટેન્શન કોઈ સંયોગોમાં આપવું નહીં. આ મુદત તા. ૧૯ નવેમ્બરના પૂરી થતી હતી. સરકાર મિશ્રાને ચાલુ રાખવા માગતી હતી, પણ સુપ્રિમ કોર્ટનો ચુકાદો તેમ કરવાની મનાઈ કરતો હતો. સુપ્રિમ કોર્ટના ચુકાદાને ચાતરી જવા માટે સરકારે ૧૪ નવેમ્બરે જ વટહુકમ બહાર પાડી દીધો. સીબીઆઈના ડિરેક્ટરની મુદત વધારવા માટે બીજો વટહુકમ બહાર પાડવામાં આવ્યો હતો.

ઇ.સ. ૨૦૦૩  સેન્ટ્રલ વિજીલન્સ કમિશન એક્ટ મુજબ સીબીઆઈના ડિરેક્ટરના હોદ્દાની મુદત બે વર્ષની નક્કી કરવામાં આવી હતી. સીબીઆઈના ડિરેક્ટરની પસંદગી ત્રણ સભ્યોની સમિતિ કરે છે, જેમાં ભારતના વડા પ્રધાન, વિરોધ પક્ષના નેતા અને સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ અથવા તેમના તરફથી નામાંકિત થયેલા જસ્ટિસ દ્વારા કરવામાં આવે છે. ૨૦૧૯ માં સરકાર રાકેશ આસ્થાનાને સીબીઆઈના ડિરેક્ટર બનાવવા માગતી હતી, પણ તેમને રિટાયર થવામાં ૬ મહિના જેટલો સમય જ બાકી હતો. જો તેમને ડિરેક્ટર બનાવવામાં આવે તો તેમની મુદત વધારવી પડે તેમ હતું. સુપ્રિમ કોર્ટના ચુકાદાને કારણે સરકાર રાકેશ આસ્થાનાને સીબીઆઈના વડા બનાવી શકી નહોતી. સુપ્રિમ કોર્ટે આ ચુકાદામાં ઠરાવ્યું હતું કે સીબીઆઈના ડિરેક્ટરની નિમણૂ ઓછામાં ઓછાં બે વર્ષ માટે કરવી જોઈએ અને તેમની બદલી કરવી જોઈએ નહીં.

સરકાર રાકેશ આસ્થાનાને સીબીઆઈના વડા ન બનાવી શકી ત્યારે તેણે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ પોલીસ વડા રીષીકુમાર શુક્લાને તે હોદ્દો આપ્યો હતો. તેમને ત્રણ જ દિવસ પહેલાં મધ્ય પ્રદેશના તત્કાલીન કોંગ્રેસી મુખ્ય પ્રધાન કમલ નાથે હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા હતા. કોંગ્રેસ સરકારે જેમને રાજ્યના પોલીસ વડા તરીકે ગેરલાયક માન્યા હતા તેમને ભાજપ સરકારે સીબીઆઈના વડા તરીકે લાયક માન્યા હતા. સીબીઆઈના વડાની પસંદગી કરનારી કમિટિમાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે પણ હતા. તેમણે રિષી કુમાર શુક્લાની પસંદગીનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેમને ભ્રષ્ટાચારના કેસોની તપાસ કરવાનો કોઈ અનુભવ નથી. તેમની પ્રામાણિકતા બાબતમાં પણ શંકા ઉઠાવવામાં આવી હતી. કેન્દ્ર સરકારે તેમના વિરોધની બિલકુલ પરવા કરી નહોતી.

સીબીઆઈના ડિરેક્ટરની પસંદગીનો મુદ્દો ઘણી વખત વિવાદો પેદા કરે છે. ૨૦૧૨ ના ડિસેમ્બરમાં ડો. મનમોહન સિંહની સરકારે સીબીઆઈના ડિરેક્ટર તરીકે રણજીત સિંહાની પસંદગી કરી તેનો ભાજપે વિરોધ કર્યો હતો. તેની માગણી હતી કે રાજ્ય સભાની પેનલની ભલામણ મુજબ સીબીઆઈના વડાની પસંદગી કોલેજિયમ પદ્ધતિથી થવી જોઈએ. આજે ભાજપ સત્તામાં છે ત્યારે તે કોલેજિયમ પદ્ધતિથી પસંદગી કરવાના સમર્થનમાં નથી. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે રણજીત સિંહા કલંકિત હોવાથી તેમને સીબીઆઈના વડા બનાવી શકાય નહીં. રણજીત સિંહા પર આરોપ હતો કે તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાને ૨-જી ના આરોપીઓને મળ્યા હતા. આ વિરોધની અવગણના કરીને ડો. મનમોહન સિંહે રણજીત સિંહાની નિમણૂક કરી હતી.

૨૦૧૨ માં સીબીઆઈના તત્કાલીન વડા એ.પી. સિંહે માગણી કરી હતી કે સીબીઆઈના વડાની મુદત પાંચ વર્ષની કરવી જોઈએ, જેથી તેઓ મહત્ત્વના કેસોની તપાસ સાતત્યપૂર્વક કરી શકે. યુપીએ સરકારે તે માગણી ઠુકરાવી દીધી હતી અને બે વર્ષની મુદત નક્કી કરી હતી. ભાજપ સરકારે ધાર્યું હોત તો તે સીબીઆઈના અને ઇડીના વડાની મુદત પાંચ વર્ષની કરી શકી હોત, પણ તેમ કરવામાં જોખમ હતું. જો કોઈ સીબીઆઈના કે ઇડીના વડા ઇમાનદારીથી કામ કરવા લાગે અને શાસક પક્ષના ભ્રષ્ટ નેતાઓને ત્યાં પણ દરોડા પાડવા માંડે તો તેમને રોકી શકાય નહીં. તેને બદલે જો તેમની મુદ્દત બે વર્ષની નક્કી કરવામાં આવી હોય અને હોદ્દા પર પાંચ વર્ષ રહેવા માટે તેમને દર વર્ષે સરકારની દયાની જરૂર હોય તો તેઓ સરકારની મરજી વિરુદ્ધ કોઈ કામ કરી શકે નહીં. સરકારે હવે ટોચની તપાસ સંસ્થાઓના વડાની હાલત દાડિયા મજૂર જેવી કરી મૂકી છે. દર વર્ષે તેમણે પોતાની નોકરી ટકાવી રાખવા હિસાબ આપવો પડશે અને વફાદારી પુરવાર કરવી પડશે.

સીબીઆઈની જેમ ઇડીના ઉચ્ચ ઓફિસરોની નિમણૂકમાં પણ મોટી રમત રમાતી હોય છે. ૨૦૨૧ ના એપ્રિલમાં ઇડીના સ્પેશ્યલ ડિરેક્ટર વિનીત અગરવાલે નીરવ મોદી અને વિજય માલ્યાના કેસની તપાસ કરી રહેલા ઉચ્ચ અધિકારી સત્યબ્રત કુમારની બદલી કરી કાઢી હતી. તેના કલાકોમાં ઇડીના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાએ તે બદલી રદ કરી કાઢી હતી. તેમણે નિવેદન કર્યું હતું કે વિનીત અગરવાલને સત્યબ્રત કુમારની બદલી કરવાનો અધિકાર જ નહોતો. આ બદલી ક્યા ભેદી કારણે કરવામાં આવી? તેને શા માટે રદ કરવામાં આવી? તે જાણવાનો આપણો અધિકાર નથી. કેન્દ્ર સરકાર દ્વારા સીબીઆઈ, ઇડી અને ઇન્કમ ટેક્સ જેવા ખાતાંઓનો ઉપયોગ વિરોધ પક્ષના રાજકારણીઓને હેરાન કરવા માટે કરવામાં આવે છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

આ સંસ્થાઓ દ્વારા ભાજપના નેતાઓને બાદ કરતાં કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ, તૃણમૂલ કોંગ્રેસ, બીજુ જનતા દળ, શિવસેના, ડીએમકે વગેરે તમામ વિપક્ષી નેતાઓ સામે કેસો કરવામાં આવ્યા છે. આ નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર નથી આચરવામાં આવ્યો તેવું કહી શકાય નહીં; પણ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓ સામે તેમની તરફથી કોઈ પણ કેસ કરવામાં આવતા નથી. ઇડી દ્વારા ૨૦૦૫ થી લઈને આજ સુધીમાં ભ્રષ્ટાચારના ૩,૦૦૦ થી વધુ કેસો કરવામાં આવ્યા છે. તેમાંના એક ટકા જેટલા કેસોમાં પણ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી નથી. તેના પરથી ખ્યાલ આવે છે કે સરકાર શા માટે સીબીઆઈ, ઇડી અને આઇટીને પોતાના પાળેલા પોપટ બનાવી રાખવા માગે છે?          
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top