Vadodara

ચોમાસા પૂર્વે ભૂખી કાંસની કામગીરીનું નિરીક્ષણ, મેયર સહિતના પદાધિકારીઓની મુલાકાત

એમ.એસ. યુનિવર્સિટી નજીક ચાલી રહેલી સફાઈ અને ઊંડીકરણની કામગીરીની સમીક્ષા
ચોમાસા પહેલાં પ્રી-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને સૂચનાઓ

(પ્રતિનિધિ) વડોદરા, તા. 1
આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા સુદૃઢ બનાવવા માટે કાંસોની સફાઈ, ઊંડીકરણ તેમજ ડ્રેનેજ નેટવર્ક સંબંધિત કામો કરવામાં આવી રહ્યા છે.
આ સંદર્ભે વડોદરાના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, સ્થાનિક કોર્પોરેટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓએ એમ.એસ. યુનિવર્સિટી નજીક આવેલી ભૂખી કાંસની મુલાકાત લઈને ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન સ્થળ પર ચાલી રહેલી સફાઈ અને ઊંડીકરણની કામગીરી અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા અને ચોમાસા દરમિયાન સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી લાઈનો, ડ્રેનેજ વ્યવસ્થા અને કાંસોની સફાઈ સહિતની પ્રી-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસાની શરૂઆત પહેલાં આ કામગીરી પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે.
વરસાદી ઋતુ દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે તંત્ર દ્વારા આગોતરા આયોજન હેઠળ વિવિધ કામગીરી ચાલી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

Most Popular

To Top