મિત્રતાના નાતે આપેલા ઉછીના અંગે પૂરતા પુરાવા રજૂ ન થતાં ફરિયાદ કમજોર પડી
કોરા સહીવાળા ચેકનો દુરુપયોગ થયાનો બચાવ પક્ષનો દાવો કોર્ટે માન્ય રાખ્યો
કાલોલ | તા. 29-04-2026
હાલોલના એશિયાડનગર વિસ્તારમાં રહેતા રામેશ્વર રામસ્વરૂપ લાંબા દ્વારા મિત્રતા સંબંધોના આધારે મે 2022 દરમિયાન હુસેની પાર્કના સમસુદ્દીન ગુફુરશા દિવાનને રૂ. 1,20,000 ઉછીના આપ્યા હોવાનો દાવો કરી ચેક રિટર્ન અંગે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જોકે કાયદેસરનું લેણું પુરવાર ન થતા કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
ફરિયાદી દ્વારા રજૂ કરાયેલ ચેક બેંકમાં જમા કરાવતા “એકાઉન્ટ ક્લોઝ્ડ”ના કારણસર રિટર્ન થતા તેમણે હાલોલના એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. કેસની સુનાવણી દરમિયાન આરોપી તરફથી એડવોકેટ એ.એસ. દિવાને મહત્વપૂર્ણ દલીલો રજૂ કરી હતી.
સુનાવણી દરમિયાન ફરિયાદીએ સ્વીકાર્યું હતું કે મિત્રતા હોવા છતાં તે આરોપીના પત્ની અને બાળકોના નામથી અજાણ હતો. શરૂઆતમાં તેણે મહિલાઓને લોન આપવાના વ્યવસાયનો ઇનકાર કર્યો હતો, પરંતુ ઊલટ તપાસમાં મહિન્દ્રા ફાઇનાન્સમાં નોકરી દરમિયાન મહિલાઓને લોન આપવાનું કામ કરતું હોવાની કબૂલાત કરી હતી.
બીજી તરફ આરોપીની પત્ની સહેનાઝબાનુએ પોતાના પુરાવામાં જણાવ્યું હતું કે મહિલાઓને અલગ-અલગ મહિને ધિરાણ અપાવવા દરમિયાન ફરિયાદીએ પોતાના અને તેમના પતિના પાંચ જેટલા કોરા સહીવાળા ચેક લીધા હતા, જેનો દુરુપયોગ કરીને હાલની ફરિયાદ કરવામાં આવી છે.
ફરિયાદ પક્ષની ઊલટ તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે ફરિયાદી અને આરોપી વચ્ચે સારા સંબંધો હતા અને ફરિયાદી અવારનવાર તેમના ઘરે જતા હતા. ઉપરાંત ફરિયાદી પોતાની આર્થિક ક્ષમતા પણ પૂરતી રીતે સાબિત કરી શક્યા નહોતા.
આ તમામ પરિસ્થિતિઓ ધ્યાનમાં રાખી આરોપી તરફે રજૂ કરાયેલ દલીલો સ્વીકારી હાલોલના એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.બી. જોશીએ સમસુદ્દીન ગુફુરશા દિવાનને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપ્યો છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા