Dakshin Gujarat

ચીખલી તાલુકાનું નેશનલ હાઇવેને અડીને આવેલું અને ઔદ્યોગિક વિસ્તાર ધરાવતું ગામ એટલે દેગામ

ચીખલી તાલુકાનું નેશનલ હાઇવેને અડીને આવેલું અને ઔદ્યોગિક વિસ્તાર ધરાવતું દેગામ ગામ સ્થાનિક આગેવાનોની સૂઝબૂઝથી રાજકીય, સહકારી અને વિકાસ ક્ષેત્રે અગ્રેસર જોવા મળી રહ્યું છે. તાલુકા મથક ચીખલીથી ત્રણેક કિ.મી.ના અંતરે અને અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેને અડીને આવેલા દેગામ ગામનો ચોતરફ વિકાસ જોવા મળી રહ્યો છે. ગામમાં મુખ્યત્વે ઢોડિયા પટેલ ઉપરાંત હળપતિ, નાયકા પટેલ, કુંભાર, દેસાઇ, બ્રાહ્મણ, આહીર, કોળી પટેલ, હરિજન, મુસ્લિમ સહિતની જાતિઓના લોકો વસવાટ કરે છે. આ ઉપરાંત પારસી સમાજના પણ ત્રણેક જેટલા પરિવાર દેગામમાં છે.

દેગામમાં ફળિયાની વાત કરીએ તો બારી ફળિયા, વશી ફળિયા, જોશી ફળિયા, પોર ફળિયા, વ્હોરવાડ, કુંભારવાડ, મસ્જિદ ફળિયું, ધુમાસ ફળિયુ, નાનબાઇ ફળિયું, દરજી ફળિયું, મેઇન રોડ ફળિયું, લાલા કરસન ફળિયું, ઉતારા ફળિયું, લુહારવાડ, ટેકરા, ફળિયું, નવા દેસાઇ ફળિયું, પારસી ફળિયું, વેઠિયાવાડ, નવા ફળિયા, વાવ ફળિયા (આહીરવાસ), ખડકિયા ફળિયું, નવા નગર, કુંભાર ખાંચ ફળિયું, ગોડાઉન ફળિયું, દેસાઇ ફળિયું, કોળીવાડ, ટાંકી ફળિયું, માહ્યાવંશી મહોલ્લો, ચીખલી રોડ ફળિયું, વાડી ફળિયું, ગામતળાવ પાર, સોલંકીવાસ, ડુંગરી ફળિયું, ઢોડિયાવાડ, એડિયાવાડ, કુવાઘોલ, ક્વોરી ફળિયું એમ નાનાં-મોટાં ૩૭ જેટલાં ફળિયાં છે.

દેગામ ગામમાં આંગણવાડીથી માંડી ધોરણ-૧૦ સુધીની શિક્ષણની વ્યવસ્થા પણ વર્ષોથી ઉપલબ્ધ છે. દેગામના નવા ફળિયા, વાવ ફળિયા, ગોડાઉન ફળિયા, એડિયાવાડ, ઢોડિયાવાડ, ડુંગરી ફળિયા મળી કુલ છ જેટલી આંગણવાડીઓ છે. તો એક મુખ્ય અને બે વર્ગશાળા મળી ત્રણ જેટલી જિલ્લા પંચાયત નવસારી શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ છે. મુખ્ય પ્રાથમિક શાળાના કેમ્પસમાં આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત સર્વોદય વિદ્યાર્થિની ગૃહ એટલે કે કન્યા છાત્રાલય પણ આવેલું છે, જેમાં ડાંગ, ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારની વિદ્યાર્થિનીઓ નિવાસ કરી દેગામ ગામની હાઇસ્કૂલમાં અભ્યાસ કરે છે. દેગામ મુખ્ય પ્રાથમિક શાળામાં ૨૮૫ ઉપરાંત એડિયાવાડના ૨૨ અને ઢોડિયાવાડ-વર્ગશાળામાં ૩૮ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

દેગામ ગામમાં મુખ્ય માર્ગને અડીને આવેલી મુખ્ય પ્રાથમિક શાળાના મકાનનું ઉદ્‌ઘાટન ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને તત્કાલીન મુંબઇ રાજ્યના પંત પ્રધાન મોરારજીભાઇ દેસાઇના હસ્તે ૩૦/૧૨/૧૯૫૪ના રોજ કરવામાં આવ્યું હતું. દેગામ ગામે ૧૯૩૦ના વર્ષમાં વિદ્યાનિકેતન ટ્રસ્ટ સંચાલિત માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી. મૂળ દેગામના અને હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય અવિનાશભાઇ દેસાઇના જણાવ્યાનુસાર ૧૯૫૯ના વર્ષમાં એસએસસીના વર્ગની મંજૂરી મળ્યા બાદ આ હાઇસ્કૂલનું સંચાલન ભીમભાઇ ભગવાનજી દેસાઇ ટ્રસ્ટ કરી રહ્યું છે. આ શાળામાં કુમાર અને કન્યા છાત્રાલયમાં ૫૦-૫૦ જેટલા સાથે કુલ ૧૪૫ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના આચાર્ય પદે રાકેશભાઇ ધીવર છે. જ્યારે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પદે હર્ષદરાય દેસાઇ અને ટ્રેઝરર તરીકે બળવંતરાય દેસાઇ સેવા બજાવી રહ્યા છે.

વિશાળ કેમ્પસ ધરાવતી આ સંસ્થાના વિકાસ માટે ગામના અગ્રણી પરિમલભાઇ દેસાઇ સહિતના આગેવાનો રસ દાખવી રહ્યા છે. ધોરણ-૧૦ના વર્ગની પરવાનગી સમયે ૧૯૫૯ના વર્ષમાં તેનું ઉદ્‌ઘાટન મુંબઇ રાજ્યના તત્કાલીન ગવર્નર શ્રી પ્રકાશ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ જિલ્લા કલેક્ટરે રસ દાખવતાં આ શાળાના મકાનનું સરકારી અનુદાનમાંથી નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.

દેગામમાં નાની-મોટી શેરીઓના મોટા ભાગના માર્ગો પાકા છે. ગામમાં ઠેર ઠેર પિકઅપ સ્ટેન્ડની પણ વ્યવસ્થા છે. ગામમાં પીવાના પાણીની સુવિધા પર નજર નાંખીએ તો ધુમ્માસ, ફળિયા, નવા ફળિયા, ખડકીયા ફળિયા, વાવ ફળિયા, પારસી ફળિયા, ગોડાઉન ફળિયા, વાડી ફળિયા, આહીર ફળિયા, ઢોડિયાવાડ, કૂવા ધોલ, એડિયાવાડ, પોર ફળિયા એમ ૧૨ જેટલી પાણી પુરવઠાની મોટી યોજનાઓ કાર્યરત હોવા સાથે નાની યોજનાઓ મળી ગામમાં ત્રીસેક જેટલી યોજનાઓના માધ્યમથી લોકોને પાણી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

દેગામ આમ તો રાજકીય ક્ષેત્રે પણ આગળ છે. ગામના સરપંચ પદે યુવા નેતા ઇતેશભાઇ પટેલ, ઉપસરપંચ પદે ધર્મેશભાઇ લાડ સેવા બજાવી રહ્યા છે અને તેઓ ગામના વડીલ આગેવાનો સાથે સંકલન સાધી ગામને વધુ ને વધુ વિકાસના પંથે લઇ જવા સતત કાર્યશીલ છે. ગામનાં મહિલા અગ્રણી ચેતનાબેન પરિમલભાઇ દેસાઇ કે જેઓ વોર્ડ સભ્ય હોવા સાથે નવસારી જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ પદે કાર્યરત છે. ચેતનાબેન વર્ષ-૨૦૧૦માં નવસારી જિલ્લા પંચાયતમાં મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન પદે પણ રહ્યા હતા તેઓ હાલે પણ ભાજપમાં મહિલા મોરચાના પ્રમુખ પદે સંગઠનમાં કામગીરી સાથે ગામમાં વિકાસનાં કામો આવાસ સહિત વ્યક્તિગત લાભોની યોજનાઓના લાભ લોકો સુધી પહોંચાડવામાં સક્રિય છે. ગામના પરેશભાઇ દેસાઇ કે જેઓ જિલ્લા પંચાયતની વાંઝણા બેઠક પરથી ભાજપમાંથી જિલ્લા પંચાયતના સભ્ય પદે છે, તો ગામનાં નયનાબેન પટેલ તાલુકા પંચાયતનાં સભ્ય પદે છે. દેગામના ચેતનભાઇ લાડ કે જેઓ મૂળ ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ પણ ગામના વિકાસમાં સક્રિય છે. ચેતનભાઇ ૨૦ વર્ષ વોર્ડ સભ્ય અને તેમાં ૧૦ વર્ષ એટલે કે ડેપ્યુટી સરપંચ પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ પ્રજાપતિ સમાજ સેવા ટ્રસ્ટના સેક્રેટરી પદે પણ ૧૯ વર્ષ જેટલી લાંબી સેવા બજાવી સમાજમાં પણ વિશિષ્ટ યોગદાન આપી રહ્યા છે. હાલે ચેતનભાઇ લાડ નવસારી જિલ્લા ટુરિસ્ટ વ્હીકલ ઓનર વેલફેર એસોસિએશનના મંત્રી પદે કાર્યરત છે.

કેરી ઉપરાંત શેરડી, ડાંગરની ખેતીનો પાક મુખ્ય
દેગામ ગામમાં ખેડૂતો મુખ્યત્વે આંબાવાડી ધરાવે છે અને કેરીના ઉત્પાદન ઉપરાંત ગામમાં શેરડી, ડાંગરની ખેતી પણ મોટાપાયે થાય છે. ગામમાંથી એક મુખ્ય અને ત્રણ જેટલી પેટા નહેરો પસાર થાય છે. જેનાથી સિંચાઇનું પાણી ઉપલબ્ધ થતું હોય છે. આ ઉપરાંત ગામમાં ચીકાટીયુ ગામતળાવ, ગોપીતળાવ એમ ત્રણ જેટલાં તળાવો પણ છે. દેગામમાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ ફૂલ્યોફાલ્યો છે. ગામમાં વસુધારા ડેરી સંચાલિત સહકારી દૂધમંડળી કાર્યરત છે, જેમાં દૈનિક ૨૦૦ લીટર જેટલા દૂધની આવક થાય છે. આ દૂધમંડળીના ચેરમેન પદે ચિંતનભાઇ દેસાઇ, તો મંત્રીપદે શીલાબેન લાડ સેવા બજાવી રહ્યાં છે. આ ઉપરાંત ગામના ઢોડિયાવાડ વિસ્તારમાં ખાનગી ડેરી પણ કાર્યરત છે. ગામમાં કેટલાક અંશે શાકભાજીની પણ ખેતી થાય છે. દેગામ ગામમાંથી મુખ્ય માર્ગ પસાર થવા સાથે નેશનલ હાઇવે પણ અડીને હોય ગામના ખેડૂતોને તેનો પણ લાભ મળી રહ્યો છે.

પ્રજાપતિ સમાજ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં અગ્રેસર
દેગામમાં પ્રજાપતિ સમાજની વસતી પણ બહોળી છે અને પ્રજાપતિ સમાજ દ્વારા પણ અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. શ્રી પ્રજાપતિ સમાજ સેવા ટ્રસ્ટ દેગામ દ્વારા ગામમાં જ વિશાળ કદનું આધુનિક સુવિધાથી સજ્જ પ્રજાપતિ સમાજ સ્નેહસંકુલનું દાતાઓના સહયોગથી લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયું છે. આ વિશાળ સંકુલમાં લગ્ન સહિત અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. આ સંસ્થાના પ્રમુખ પદે અમૃતભાઇ લાલભાઇ લાડ, મંત્રીપદે હરેશભાઇ છગનભાઇ લાડ, ખજાનચી પદે ચીમન રણછોડભાઇ લાડ અને સ્નેહસંકુલના મેનેજર પદે નરેન્દ્રભાઇ મગનભાઇ લાડ સેવા બજાવી રહ્યા છે.

દેગામના દિલીપકુમાર દેસાઈ ભારતીય સૈન્યમાં મેજરના પદે રહી ચૂક્યા છે
દેગામના દિલીપકુમાર દેસાઇ ભારતીય સૈન્યમાં મેજરના પદેથી નિવૃત્ત થયેલા છે. હાલે પરિવાર સાથે નિવૃત્તિ જીવન જીવી રહેલા મેજર દિલીપકુમાર દયાળજીભાઇ દેસાઇ જૂન-૧૯૫૮માં જમ્મુ-કાશ્મીરના રાજોરી ડિસ્ટ્રિક્ટમાં ભારતીય સૈન્યમાં દેશની સેવા માટે જોડાયા હતા. અને ૧૯૬૦ના વર્ષમાં લેફ્ટનન્ટ તરીકે અને ૧૯૬૫માં મેજર પદે તેમને બઢતી મળી હતી. મેજર દિલીપકુમારે રૂબરૂ વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ ગોવામાં પોર્ટુગીલ સામેના લીબરેશન ઓપરેશનમાં જોડાયા હતા અને ચીન ઉપરાંત પાકિસ્તાન સામેના બંને વખતના યુદ્ધમાં સરહદે દેશ માટે લડત આપી હતી. દિલીપકુમાર દેસાઇ ૧૯૮૨ના વર્ષમાં કેરાલાના કોટારાકરા ખાતેથી મેજર પદે નિવૃત્ત થયા હતા. દેશની સરહદે દેશની સુરક્ષા માટે ફરજ બજાવનાર મેજર દિલીપભાઇ દેસાઇ માટે સમાજ અને સમગ્ર ગામ ગૌરવની લાગણી અનુભવે છે. દેગામના સ્વ.હરગોવન નારણભાઇ લાડ એરફોર્સમાં ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા હતા. આ ઉપરાંત દેગામમાં ત્રણ જેટલા સ્વાતંત્ર્યસેનાનીઓ પણ રહી ચૂક્યા છે, તેઓએ દેશની આઝાદીની લડતમાં ભૂમિકા ભજવી હતી.

ગ્રામ પંચાયતના હોદ્દેદારો
સરપંચ – ઇતેશભાઇ રતિલાલ પટેલ
ડે. સરપંચ – ધર્મેશભાઇ લાડ
વોર્ડ સભ્યોની યાદી
(૧) હિનાબેન પટેલ
(૨) ધર્મેશભાઇ લાડ
(૩) અંકિતભાઇ પટેલ
(૪) મેહુલભાઇ પટેલ
(૫) હેમંતભાઇ પટેલ
(૬) લીલાબેન હળપતિ
(૭) ચેતનાબેન દેસાઇ
(૮) ભાનુબેન હળપતિ
(૯) મિતેશભાઇ પટેલ
(૧૦) હેતલબેન રાઠોડ
તલાટી કમ મંત્રી – ભાવિનભાઇ પટેલ
ગામની ઝલક
ગામનું ક્ષેત્રફળ – ૧૩૧૧-૯૯-૦૬ હે.આરે.ચો.મી.
વોર્ડ-૧૦
વસતી-પુરુષ-૨૭૮૯
સ્ત્રી-૨૭૯૨
કુલ-૫૫૮૦

અરવિંદાશ્રમ વૃદ્ધો માટે બન્યું આશ્રયસ્થાન
દેગામ ગામે મૂળ દેગામના રહેવાસી અને અમદાવાદમાં ધંધા સાથે સંકળાયેલા આનંદભાઇ ભટ્ટ દ્વારા અરવિંદાશ્રમ નામે નેવું જેટલા વ્યક્તિની ક્ષમતાવાળા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે. બાલ હરિ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ વૃદ્ધાશ્રમનું સંચાલન થઇ રહ્યું છે. હાલ ૩૨ જેટલા વૃદ્ધો તેમની ઘડપણની જિંદગી આ અરવિંદાશ્રમમાં વ્યતીત કરી રહ્યા છે. અરવિંદાશ્રમના નિર્માણ સાથે ફરતે લીલોછમ બગીચો સમગ્ર કેમ્પસનો વિકાસ કરવામાં આવ્યો છે. અને અરવિંદાશ્રમમાં તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો કે, અહીં માસિક ફી પણ લેવામાં આવે છે.

મંડળીમાં રાસાયણિક અને ઓર્ગેનિક ખાતર, પતરાં, સિમેન્ટ વગેરેનું વેચાણ થાય છે ૧૯૦૬માં દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળીની સ્થાપના થઈ હતી
દેગામ સ્થિત દેગામ ગ્રુપ સેવા સહકારી મંડળીની સ્થાપના ૧૯૦૬ના વર્ષમાં થઇ હતી અને ગુજરાતમાં બીજા ક્રમે આ સહકારી મંડળીની સ્થાપના થઇ હતી. ગામમાં ખાસ કરીને અનાવિલ સમાજના આગેવાનોએ દૂરનું વિચારી ખેડૂતોના હિતમાં ૧૯૦૬ના વર્ષમાં સહકારી પ્રવૃત્તિના બીજ રોપ્યા હતા. જે આજે વટવૃક્ષ બની રહેવા સાથે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. આ સહકારી સંસ્થાનું સુકાન છેલ્લાં વીસ વર્ષથી ગામના સહકારી આગેવાન પરિમલભાઇ ઠાકોરભાઇ દેસાઇ સંભાળી રહ્યા છે. ગામના ખેડૂત સભાસદોના પરિમલ દેસાઇ અને તેમની ટીમ પર અતૂટ વિશ્વાસ છે અને પરિમલભાઇના ચેરમેન પદના કાર્યકાળમાં ઉત્તરોત્તર પ્રગતિ પણ થઇ રહી છે. દેગામ સહકારી મંડળીમાં સેક્રેટરી પદે ગામના યુવા અગ્રણી એરીકભાઇ ગાંધી સેવા બજાવી રહ્યા છે. સહકારી મંડળીમાં રાસાયણિક અને ઓર્ગેનિક ખાતર, પતરાં, સિમેન્ટ વગેરેનું વેચાણ સાથે આ મંડળી બહોળો વેપાર કરી રહી છે. ઘરઆંગણે ખેડૂતોને અને આમજનતાને વિવિધ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. દેગામ સહકારી મંડળી દ્વારા ખેડૂતોને ધિરાણ પણ આપવામાં આવે છે અને મંડળીમાં સસ્તા અનાજની દુકાનની પણ વ્યવસ્થા છે. દેગામ સહકારી મંડળી દ્વારા શતાબ્દી મહોત્સવની પણ રંગેચંગે ઉજવણી કરાઇ હતી. દેગામ સહકારી મંડળીના ચેરમેન પરિમલભાઇ દેસાઇ તાલુકાની ખૂબ મહત્ત્વની એવી એપીએમસીના વાઇસ ચેરમેન પદે પણ કાર્યરત છે.

બેંક, પોસ્ટ ઓફિસ અને સસ્તા અનાજની દુકાનનો મળે છે સ્થાનિકોને લાભ
દેગામમાં માળખાકીય સુવિધાની વાત કરીએ તો અહીં બેંક ઓફ બરોડાની શાખા એટીએમ સાથે કાર્યરત છે. આ ઉપરાંત પોસ્ટ ઓફિસ, સસ્તા અનાજની દુકાન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાંથી મુખ્ય માર્ગ પસાર થાય છે. જે નેશનલ હાઇવે અને ટાંકલ-રાનકૂવા રાજ્ય ધોરી માર્ગને જોડે છે. દેગામમાંથી નેશનલ હાઇવે પણ પસાર થાય છે. આ ઉપરાંત બીલીમોરા – વઘઇ ગેરોગેજ રેલવે લાઇન પસાર થાય છે અને હવે વડોદરા-મુંબઇ એક્સપ્રેસ-વે પણ પસાર થશે. ગામના મોટા ભાગના માર્ગો પાકા છે. દેગામમાં સરકારી પુસ્તકાલય પણ છે.

હાલ પીએચસી સબ સેન્ટરના મકાનમાં કાર્યરત છે
દેગામમાં આરોગ્ય વિભાગ દ્વારા ફેબ્રુઆરી-2019માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ પીએચસીના મકાનનું બાંધકામ કરવામાં આવ્યું નથી અને હાલ પીએચસી સબ સેન્ટરના મકાનમાં કાર્યરત છે. જો કે, આ માટે જમીનની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તંત્ર દ્વારા ઝડપથી નિરાકરણ લાવી અદ્યતન મકાનની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.

ક્વોરી ઉદ્યોગ રોજગારીનું માધ્યમ
દેગામમાં આમ તો ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય પણ વિકસિત થયેલો છે. પરંતુ દેગામમાં ૩૫ જેટલી ક્વોરી સાથે મોટો ક્વોરી ઉદ્યોગ પણ ધમધમે છે. આ સિવાય ક્વોરીઓ સાથે અન્ય પૂરક વ્યવસાયો પણ વિકસિત થયેલા છે. આ ઉપરાંત થોડા સમય પૂર્વે સોલાર પ્લેટનું ઉત્પાદન કરતી વિશાળ વારી નામની સોલાર કંપની પાર ધમધમતી થઇ છે. વધુમાં અન્ય એક ફૂડની કંપની પણ શરૂ થઇ રહી છે. ત્યારે આ બધા ઉદ્યોગોમાં સ્થાનિકોને સીધી અને આડકતરી રોજગારી પણ ઘરઆંગણે મળી રહી છે. વારી કંપનીમાં સ્થાનિક કામદારો મોટી સંખ્યામાં છે. ત્યારે કંપનીના કર્તાહર્તાઓ દ્વારા કામદારોના સ્વાસ્થ્ય પણ ચિંતા કરી નિયમિતપણે કંપનીમાં જ કેમ્પ યોજી મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવે છે.

અંગ્રેજોના સમયનું રેલવે સ્ટેશનનું મકાન ખંડેર
દેગામ ગામમાંથી બીલીમોરા-વઘઇ નેરોગેજ રેલવે લાઇન પસાર થાય છે અને દેગામમાં ચીખલી રોડ તરીકે ઓળખાતા વિસ્તારમાં ચીખલી રોડના નામથી રેલવે સ્ટેશન પણ છે. પરંતુ અંગ્રેજોના સમયનું આ રેલવે સ્ટેશનનું મકાન ખંડેર બની ગયું છે. સમયાંતરે જાળવણી-નિભાવણીના અભાવે આ મકાન ક્યારે પડે એ કહેવાય નહીં તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. અહીંથી દરરોજ બીલીમોરા-વઘઇ ટ્રેન પસાર થાય છે. પરંતુ ચીખલી રોડ સ્ટેશન પર મકાન જર્જરિત હોવા સાથે સેનિટેશન યુનિટ-બેસવાની પણ વ્યવસ્થા નથી, તો રેલવેનો એકાદ કર્મચારી ફરજ પર આવે છે તેમને પણ બહાર એકાદ બાકડો છે તેના પર જ બેસવાની ફરજ પડે છે. ત્યારે આ સ્ટેશનનો વિકાસ થાય પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવાય તે માટે આ વિસ્તારના સાંસદ સી.આર.પાટીલ અંગત રસ દાખવે તેવી ગ્રામજનો અપેક્ષા રાખી રહ્યા છે.

ધાર્મિક દૃષ્ટિએ દેગામ અગ્રેસર
દેગામ ગામ ધાર્મિક દૃષ્ટિએ પણ અગ્રેસર છે. ગામમાં અંબામાતા, ખોડિયાર માતા, પાદરદેવી માતા, મહાકાળી માતા, દશામાં, મહાદેવજી, હનુમાનદાદા, જલારામબાપા, સાંઇબાબા, સ્વામિનારાયણ ભગવાન અને બીજાં નાનાં-મોટાં મળી ૨૫ જેટલાં મંદિરો છે. ગામમાં મંદિરોના પાટોત્સવ ઉપરાંત શ્રીગણેશ મહોત્સવ, નવરાત્રિ સહિતના પર્વોની ભક્તિભાવપૂર્વકની ઉજવણી કરવામાં આવે છે. સાથે વાર-તહેવારે મંદિરોમાં નાના-મોટા ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવતા હોય છે. વધુમાં દેગામ ગામે મુસ્લિમોની પણ વસતી હોવાથી અહીં મસ્જિદ અને મદ્રેસા પણ છે. આ ઉપરાંત ગામમાં પૌરાણિક દરગાહ અને ધનુમાં દરબાર છે ત્યાં પણ નિયમિતપણે ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે.

નીલકંઠ ક્વોરીમાં આવેલા શિવાલયમાં મહાશિવરાત્રિ પણ ઉજવાય છે
દેગામમાં આવેલા નીલકંઠ ક્વોરીમાં શિવાલય હોવા સાથે આ ક્વોરીના માલિક શૈલેન્દ્રસિંહ રાજપૂત, પ્રતાપસિંહ રાજપૂત દ્વારા વર્ષોથી દેવાધિદેવ મહાદેવજીના મહાશિવરાત્રિના પર્વની ભક્તિભાવપૂર્વક ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે. નીલકંઠ ક્વોરીમાં મહાશિવરાત્રિ પર મહાપ્રસાદીનો હજારોની સંખ્યામાં લોકો લહાવો લેતા હોય છે.

યુવા અગ્રણી પંકજભાઇ પટેલ આદિવાસી નેતા તરીકે ઊભરી આવ્યા
દેગામના યુવા અગ્રણી પંકજભાઇ પટેલ સમગ્ર વિસ્તારમાં એક આદિવાસી નેતા તરીકે ઊભરી આવ્યા છે. વર્ષ-૨૦૧૬માં પંકજભાઇ લલ્લુભાઇ પટેલ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના (બીટીટીએસ)માં જોડાયા હતા. તેમાં જિલ્લા પ્રમુખ અને પ્રદેશના મહામંત્રી થઇ રહી સંગઠનની કામગીરીમાં સક્રિયા રહ્યા બાદ તેમણે હાલે થોડા સમય પૂર્વે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ગણદેવી બેઠક પર આમ આદમી પાર્ટીમાંથી ઝંપલાવતાં ૩૭,૦૦૦ હજાર જેટલા મત તેમને મળ્યા હતા. લોકોના પ્રશ્ને હંમેશાં પડખે રહેતા પંકજભાઇ પટેલે ટકી રાજકીય કારકિર્દીમાં સારી લોકચાહના મેળવી છે. આ ઉપરાંત પંકજભાઇ દેગામમાં શ્રી સાંઇ કુટિર ધામના સંચાલક તરીકે સેવા બજાવી દર ગુરુવારે બાળકો માટે મહાપ્રસાદ ઉપરાંત રક્તદાન શિબિર, જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટનું વિતરણ, બાળકોને નોટબુક, ફ્રી ટ્યુશન ક્લાસ, વૃદ્ધો તેમજ બાળકોને ધાર્મિક પ્રવાસ સહિતની અનેકવિધ સામાજિક-ધાર્મિક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

Most Popular

To Top