World

ઈન્ડોનેશિયામાં 7.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અનેક ઈમારતોને નુકસાન

નવી દિલ્હી: ઈન્ડોનેશિયામાં (Indonesia) ભૂકંપના (earthquake) આંચકા અનુભવાયા હતા. ઈન્ડોનેશિયામાં 7.6ની તીવ્રતાના ભૂકંપના કારણે અનેક ઈમારતોને નુકસાન થવાના સમાચાર સામે આવી રહ્યા છે. એક અહેવાલો અનુસાર, સુમદ્રમાં આવેલા તીવ્ર ભૂકંપના કારણે પૂર્વી ઇન્ડોનેશિયામાં ઘણી ઇમારતોને નુકસાન થયું છે. ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા ઉત્તર ઓસ્ટ્રેલિયામાં (Australia) પણ અનુભવાયા હતા. ઇન્ડોનેશિયાની હવામાનશાસ્ત્ર, ક્લાઇમેટોલોજી અને જીઓફિઝિકલએ જણાવ્યું હતું કે 7.6-ની તીવ્રતાના ભૂકંપ પછી સુનામીની ચેતવણી જાહેર કરી હતી, જે ત્રણ કલાક પછી પાછી ખેંચી લેવામાં આવી હતી.

ભૂકંપનું કેન્દ્રબિંદુ 105 કિલોમીટરની ઊંડાઈએ હતું
હવામાનશાસ્ત્રના વડા દ્વિકોરિતા કર્ણાવતીએ જણાવ્યું કે ભૂકંપ બાદ સમુદ્રમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. પાપુઆ અને પૂર્વ નુસા ટેંગારા પ્રાંત સહિત ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દક્ષિણ પશ્ચિમ માલુકુના વાટુવે ગામમાં મકાનો અને સમુદાયની ઇમારતોને નુકસાન થયાના અહેવાલો જાણવા મળ્યા છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઓસ્ટ્રેલિયાના ઉત્તરી છેડાથી 105 કિલોમીટરની ઊંડાઈએ હતું.

જો ભૂકંપનું કેન્દ્ર ઊંડું હોય તો નુકસાન ઓછું થાય છે
જ્યારે ભૂકંપનું કેન્દ્ર ઉંડાણમાં હોય છે, ત્યારે તે સપાટી પર ઓછું નુકસાન કરે છે, પરંતુ તેના આંચકા મોટા વિસ્તારમાં અનુભવાય છે. જેમ કે આ કિસ્સામાં પણ ભૂકંપ 7.6ની તીવ્રતાનો હતો, પરંતુ તેનું કેન્દ્ર 105 કિમીની ઊંડાઈ પર હોવાને કારણે વધારે નુકસાન થયું નથી. ઇન્ડોનેશિયા ધરતીકંપની સંભાવના ધરાવે છે અને પેસિફિક ‘રીંગ ઓફ ફાયર’ પર આવેલું છે જ્યાં પૃથ્વી વારંવાર ધ્રૂજે છે અને જ્વાળામુખી ફાટી નીકળે છે.

ઓસ્ટ્રેલિયામાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા
‘મળતી માહિતી અનુસાર, ડાર્વિન શહેર સહિત ઉત્તર ઓસ્ટ્રેલિયામાં એક હજારથી વધુ લોકોએ આંચકા અનુભવ્યા હતા. ‘ધ જોઈન્ટ ઓસ્ટ્રેલિયન સુનામી વોર્નિંગ સેન્ટર પાસેથી મળતી માહિતી અનુસાર, ભૂકંપથી ઓસ્ટ્રેલિયન મુખ્ય ભૂમિ અથવા કોઈપણ ટાપુ અથવા પ્રદેશ પર સુનામીનો કોઈ ખતરો નથી. આ સાથે જ ત્યાના સ્થાનિક લોકો સહિત ઓસ્ટ્રેલિયન ગાયક વાઈસેએ પણ ટ્વિટર પર ભૂકંપ વિશે લખ્યું હતું. તેમણે લખ્યું કે અત્યાર સુધીનો સૌથી લાંબો સમય સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેમણે ઉમેર્યું કે અમે મધ્યરાત્રિએ ઘરની બહાર ભાગી ગયા હતા. મેં આટલા લાંબા સમય સુધી ક્યારેય ભૂકંપ અનુભવ્યો નથી. ભૂકંપના કારણે લોકો ખૂબ જ ડરી ગયા હતા.

Most Popular

To Top