Charchapatra

એક હતો હોપપુલ

તાપી નદીના ઉબડખાબડ કાંઠાઓને જોડતા આ એક માત્ર પુલનું અસલી રૂપ મારી આંખોમાં આજે પણ ટક્યું છે. એક તરફ વિકાસ પામી રહેલું સુરત શહેર અને બીજી તરફ પાલ , અડાજણ અને રાંદેર જેવા નાના નાના રળિયામણા ગામો. 26 જાન્યુઆરી અને 15 મી ઓગસ્ટ આવે એટલે મને આ પુલ યાદ આવ્યા વિના રહે નહીં. વર્ષમાં બે વાર આ હોપ પુલ પર ચૂનો છંટાતો ત્યારે એ બગલાની પાંખનું રૂપ ધારણ કરતો અને આ બે દિવસો એ અમને જીવન ભારતી શાળામાં જે પતાસા મળતા. અદલ એ પતાસા જેવો જ એ હોપ પુલ ધોળો ધોળો લાગતો.

પુલની બંને તરફ થોડા થોડા અંતરે પથ્થરના બાંકડા હતા. પુલ એન્ડ્રુસ લાઇબ્રેરી તરફના છેડે કેળાની અને સોડાની લારીઓ ઊભી રહેતી. ચોક બજારના છેડે મઢેલી હોપપુલની આરસની તકતી મારા મગજમાં આજે પણ કંડારાયેલી છે. 60-70 ના દાયકા સુધી બંને કાંઠા વચ્ચે અવર-જવરનું મધ્યમ આ હોપપુલ જ હતો. મારા શૈશવ કાળમાં એક સમયે જે હોપપુલ પરથી ખોબે ખોબા શુદ્ધ ઓક્સિજન મળતો હતો તે હોપપુલ તો સમયના વહેણમાં ક્યાં ગાયબ થઈ ગયો?
સુરત     – ડૉ. પલ્લવી નીતિન વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બેન્કોમાં પણ ન્યુનતમ પગારધોરણ હોવું જોઈએ
આજે સુરતની અનેક બેન્કોમાં સંનિષ્ઠાથી કાર્ય કરતાં કર્મચારીઓનું પગાર ધોરણ જાણીને આશ્ચર્ય થાય છે. આ અંગે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એક નિયમ એવો પણ હોવો જોઈએ કે કોઈ પણ બેન્કોમાં કાર્ય કરતાં કર્મચારીઓને મોંઘવારીને ધ્યાનમાં રાખી ન્યાયલક્ષી પગારધોરણ રાખવું જરૂરી છે. સાથે ડી.એ. પણ આપવું જોઈએ જે નામી બેન્કોમાં કાર્ય કરતાં કર્મચારીઓને પોતાના પગાર અને ન્યાય મળે. આ અંગે રીઝર્વ બેંક કર્મચારીના હિતમાં ગંભીરતાથી વિચારીને યોગ્ય સુધારા કરશે એવી આશા નાની બેન્કનાં કર્મચારીઓ અવશ્ય જ રાખશે.
સુરત      – રાજુ રાવલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top