ડભોઇ : આગામી રમઝાન માસ તેમજ મહાશિવરાત્રીના તહેવારોને અનુલક્ષીને શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડભોઇ પોલીસ દ્વારા સામાજિક આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ બંને કોમના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓએ તહેવારો શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના માહોલમાં ઉજવવા અપીલ કરી હતી. જાહેર માર્ગો પર અનાવશ્યક ભીડ ન થાય તે માટે તકેદારી રાખવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા તેમજ અફવાઓથી દૂર રહેવા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખોટી કે ભડકાઉ માહિતી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી હતી.

પોલીસ દ્વારા જણાવાયું હતું કે તહેવારો દરમિયાન સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે અને સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવશે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા આગેવાનોને અપીલ કરવામાં આવી હતી.
આ બેઠકમાં ડી.વાય.એસ.પી આકાશ પટેલ, પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. ગોહિલ સહિત પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. સામાજિક આગેવાનોએ પણ પોલીસને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી અને સૌએ મળીને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : દીપક જોશી