વડોદરા શહેરમાં MGVCLની સ્માર્ટ મીટર યોજના ધરાશાયી
સ્માર્ટ મીટરના સંચાલન માટે બનાવવામાં આવેલી એપ ઘણા વખતથી બંધ
વડોદરા શહેરમાં વીજ કંપની MGVCL દ્વારા ગત વર્ષથી સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જોકે આ કામગીરી શરૂ થતા જ નાગરિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો. શહેરના અનેક વિસ્તારોમાં લોકોએ MGVCL ની અલગ અલગ કચેરીઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. પરિણામે થોડો સમય માટે સ્માર્ટ મીટર લગાવવાનું કામ રોકવામાં આવ્યું હતું. પરંતુ થોડા જ સમયમાં ફરી કંપનીએ પોતાની મનમાની ચલાવી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દીધું. MGVCL ના કુલ 7 લાખ 96 હજાર જેટલા ગ્રાહકો છે, જેમાંથી હાલમાં 70 હજારથી વધુ ઘરો અને દુકાનોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી ચૂક્યા છે. આ મીટર રહેણાંક અને કોમર્શિયલ બંને પ્રકારના ગ્રાહકો માટે લાગુ કરવામાં આવ્યા છે. જ્યારે સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થયું ત્યારે કંપની દ્વારા ઘણા દાવાઓ કરવામાં આવ્યા. એક સૌથી મોટો દાવો એ હતો કે, હવે ગ્રાહકોને પોતાના વીજ વપરાશ અને બિલ જેવી માહિતી પોતાની મોબાઇલ એપ્લિકેશન દ્વારા તરત જ મળશે. સાથે જ એવું પણ કહેવાયું કે, MGVCL ના કર્મચારીઓ પર કામનો ભાર ઓછો થશે અને ખર્ચ પણ બચશે.
પરંતુ હકીકત બિલકુલ જુદી છે. સ્માર્ટ મીટરના સંચાલન માટે બનાવવામાં આવેલી એપ ઘણી વખત બંધ રહે છે અથવા યોગ્ય રીતે કામ કરતી નથી. છેલ્લા ઘણા સમયથી એપ અપડેટ પણ થઈ નથી. પરિણામે ગ્રાહકોને આજે પણ વીજ વપરાશની સાચી માહિતી સમયસર મળતી નથી. સ્માર્ટ મીટર લાગ્યા પછી કેટલાક ગ્રાહકોને લાખો રૂપિયાના બિલ આવ્યા હતા, જેને લઈને ફરીથી અનેક વિસ્તારોમાં વિરોધ થયો. અનેક લોકોનું કહેવું હતું કે જૂના મીટરમાં જેટલું વપરાશ બતાવાતું, હવે સ્માર્ટ મીટરમાં વધારે યુનિટ દર્શાવાઈ રહ્યો છે. આવી અનેક ફરિયાદો વીજ કંપનીને મળી હતી. સ્માર્ટ મીટર લાગ્યા બાદ પણ આજ સુધી બિલ પહોંચાડવાનું કામ MGVCLના કર્મીઓના હાથમાં જ છે. એટલે સુવિધા વધારવા માટે લેવાયેલો નિર્ણય આજે અસુવિધા ભર્યો બન્યો છે અને લાખો રૂપિયાનો વેડફાટ પણ થયો છે. MGVCL દ્વારા લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરી સ્માર્ટ મીટર ખરીદવામાં આવ્યા, તેને લગાવવામા લાખો રૂપિયાનો ખર્ચ થયો. પરંતુ જેના માટે આ મીટર લગાવવામાં આવ્યા, તે સુવિધાઓ આજ સુધી ઉપલબ્ધ થઈ નથી. એપ્લિકેશન બંધ હોવાના કારણે ગ્રાહકોને મોબાઇલથી કોઈ માહિતી મળતી નથી. કંપનીએ આ યોજના શરૂ કરતા પહેલાં યોગ્ય તૈયારી કરી હોત અને નાગરિકોની શંકા અને માંગણીઓને ધ્યાનમાં રાખી હોત તો આજે આ પરિસ્થિતિ ન સર્જાત. હવે હાલત એવી છે કે ના તો એપ કાર્યક્ષમ છે, ના ગ્રાહક ખુશ છે, ના બિલ વહેચણી કરતો કર્મી ખુશ છે. સ્માર્ટ મીટર નામે એક જુનો રોગ નવાં નામે ફરી લોકો પર જબરદસ્તી થોપી દેવાયો છે.
