ગેસ લીકેજના કારણે આગ લાગી, 2 બાળક અને 1 મહિલા દાઝી ગયાં
(પ્રતિનિધિ) આણંદ તા.14
આણંદના વિદ્યાનગર ખાતે રવિવારની સમીસાંજે ઘરેલું ગેસ લીકેજ થતાં આગ લાગી હતી. જેના પગલે ભાગદોડ મચી હતી. આ આગમાં પરિવારના બે બાળક અને મહિલા દાઝી જતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. આ બનાવના પગલે આણંદ – વિદ્યાનગર ફાયર સ્ટાફ ઘટના સથળે પહોંચ્યો હતો અને આગ કાબુમાં લીધી હતી.
આણંદના વિદ્યાનગર ખાતે 22 ગામ સ્કૂલ પાસે આવેલા પૂનમભાઈ વીરાભાઈ મોચીના ઘરમાં રવિવારની સમી સાંજે આકસ્મિક આગ લાગી હતી. જેના પગલે અફડા તફડી મચી હતી. આ અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સુચના મુજબ વિદ્યાનગરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિ દાજી જતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. વિદ્યાનગર ફાયર ફાઈટર સાથે ફાયર ડ્રાઈવર મુકેશ પટેલ, ફાયરમેન વિવેક પટેલ, રાવજીભાઈ, ટ્રેની ફાયરમેન તુરતજ ઘટના સ્થળ પર જઈ આગ બુઝાવી હતી. આ ઘટનાના પગલે વિદ્યાનગર પોલીસ સ્થળ પર પહોંચી હતી.
