પાણી પૂરતા દબાણથી ન મળતા વિસ્તારના નાગરિકો નારાજ
પીવાનું પાણી શુદ્ધ, પૂરતા દબાણથી અને નિયમિત મળી રહે તેવી વ્યવસ્થાની માંગ
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી પાસે આવેલા વહીવટી વોર્ડ નં. ૧૩, જયરત્ન બિલ્ડીંગ ચાર રસ્તા નજીક સ્થિત માળી મહોલ્લાના નાગરિકો તંદુરસ્ત જીવનથી વંચિત રહી રહ્યા છે. આ વિસ્તારમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે પીવાનું પાણી જીવનની સૌથી મોટી સમસ્યા બની ગયું છે. નાગરિકોની ફરિયાદ મુજબ, તેઓને પાણી પૂરતા દબાણથી મળતું નથી અને જે થોડું ઘણું આવે છે તેમાં પણ ડ્રેનેજનું મલીન પાણી મિશ્રિત હોય છે. આવા અશુદ્ધ અને આરોગ્ય માટે હાનિકારક પાણીના ઉપયોગથી તબીબી સંકટ ઊભું થવાનું જોખમ વધી રહ્યું છે. સ્થાનિકોએ અનેક વખત મહાનગરપાલિકાની વહીવટી કચેરી તથા પાણી પુરવઠા શાખામાં રજૂઆત કરી છે, છતાં પણ સત્તાધીશો દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. લોકો જણાવે છે કે તેઓના દુખ સાંભળવાને બદલ તેમને ઉલટા ધક્કા ખવડાવવામાં આવે છે. આ સંજોગોમાં શહેરના મુખ્ય પ્રતિનિધિઓ અને કમિશનર સમક્ષ નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે, તાત્કાલિક અસરથી પાણી પુરવઠાની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. ખાસ કરીને પીવાનું પાણી શુદ્ધ, પૂરતા દબાણથી અને નિયમિત સમયગાળા મુજબ મળી રહે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.
સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સિલરે માંગ કરી છે કે, આ બાબતની ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને નાગરિકોની જે ફરિયાદ છે તેનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં ઉનાળાના આરંભે જ અનેક વિસ્તારોમાં પાણી પૂરતું ન મળતું હોવાની અનેક વાર ફરિયાદો ઉઠી ચૂકી છે ત્યારે આવનાર દિવસોમાં આ બાબતે યોગ્ય નિરાકરણ આવે છે કે કેમ તે જોવાનું રહેશે.
