વડોદરા મહાનગર પાલિકા માટે ચોમાસા પહેલા જરૂરી કામગીરીઓ સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે, પરંતુ પશ્ચિમ ઝોનમાં તંત્ર માટે મુશ્કેલી ઊભી થઇ છે. પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ ઝોનમાં ઇજારદારોએ બાકી ચૂકવણાંને લઈને કામ બંધ કરી દીધું છે, જેના પરિણામે તંત્રની કામગીરી થંભી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાલિકાના કેટલાક જૂના પેમેન્ટને લઈને ઇજારદાર અને તંત્ર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પેમેન્ટ મળ્યું ન હોવાનું જણાવી પશ્ચિમ ઝોનમાં વિવિધ કામગીરી બંધ કરી દીધી છે. ચોમાસાની સીઝન નજીક હોવાના કારણે નાળા સફાઈથી લઈને રોડ મરામત જેવી કામગીરીઓ ઝડપથી પૂર્ણ થાય તે જરૂરી છે. ત્યારે ઇજારદારોએ કામ બંધ કરતા તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ છે. સંબંધિત અધિકારીઓએ તાત્કાલિક મીટિંગ બોલાવી સંજોગોને નિયંત્રિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જો આ વિવાદ ઝડપથી ઉકેલવામાં નહીં આવે, તો વડોદરા શહેરના પશ્ચિમ ઝોનમાં ચોમાસા દરમિયાન નાગરિકોને તકલીફ ભોગવવી પડી શકે છે.
