Vadodara

અકોટાની શ્રી અજીત સોસાયટીમાં ‘અશાંત ધારા’ના ઉલ્લંઘનનો આરોપ, વિધર્મી સાથે લગ્નની વિગતો છુપાવી મિલકત ખરીદી?

કરોડોના ફંડિંગ દ્વારા વિધર્મીઓના ‘પગપેસારા’ના આક્ષેપથી ખળભળાટ, રહીશોનો પલાયન થવાનો આક્રોશ

(પ્રતિનિધિ), વડોદરા. તા.13

વડોદરામાં ફરી એકવાર ‘અશાંત ધારા’ ના અમલીકરણ સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અકોટા વિસ્તારમાં આવેલી શ્રી અજીત કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હિન્દુ રહીશોએ એક થઈને વહીવટી તંત્ર અને મિલકત ખરીદનાર વિરુદ્ધ મોરચો માંડ્યો છે. આક્ષેપ છે કે, કાયદાની છટકબારીઓ શોધીને, ખોટા સોગંદનામા કરી અને વિદેશી ફંડિંગના જોરે હિન્દુ વિસ્તારની ડેમોગ્રાફી બદલવાનું સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું છે.


સામાન્ય રીતે અશાંત ધારા હેઠળ મિલકત ટ્રાન્સફરની પ્રક્રિયા મહિનાઓ સુધી ચાલતી હોય છે, પરંતુ આ કિસ્સામાં નાયબ કલેક્ટર કચેરીની કાર્યક્ષમતા પર રહીશોએ આંગળી ચીંધી છે. પ્લોટ નં. 36 ખરીદવા માટે તારીખ 20-01-2024 ના રોજ અરજી કરવામાં આવે છે અને કોઈ પણ ઊંડી તપાસ વગર માત્ર 3 જ દિવસમાં (તારીખ 23-01-2024) પરવાનગી આપી દેવામાં આવે છે. આટલી ઝડપી મંજૂરી પાછળ કોઈ મોટા ગજાના આશીર્વાદ કે વહીવટ હોવાની શંકા રહીશો સેવી રહ્યા છે.

આવેદન પત્રમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, ખરીદનાર અંકિતાબેન પ્રવિણસિંહ ગોહિલના લગ્ન 9 વર્ષ પહેલા તાંદલજાના જુનેદ શેખ સાથે થઈ ચૂક્યા છે અને તેમને ‘અયાન’ નામનો પુત્ર પણ છે. અંકિતાબેને પોતે મુસ્લિમ યુવકની પત્ની હોવાની હકીકત છુપાવી, પિતાના નામ પર ઓળખપત્રો રજૂ કરી તંત્રને ગેરમાર્ગે દોર્યું હોવાનો આક્ષેપ છે. લગ્ન બાદ ધર્મ કે સામાજિક સ્થિતિ બદલાઈ હોવા છતાં ‘અપરિણીત’ તરીકે સોગંદનામું રજૂ કરવું એ ફોજદારી ગુનો બને છે. રહીશોનો દાવો છે કે આ ખરીદી માત્ર મિલકત પૂરતી મર્યાદિત નથી, પરંતુ હિન્દુ વિસ્તારમાં વિધર્મી વારસદારોને કાયદેસર રીતે ઘુસાડવાનું એક સુવ્યવસ્થિત કાવતરું છે.

સૌથી ચોંકાવનારી બાબત મિલકતની કિંમત અને તેની ચૂકવણીની છે. વર્ષોથી સામાન્ય ઘરકામ કરતા આનંદબેન ગોહિલના ખાતામાં રૂ. 1,61,00,000/- (એક કરોડ એકસઠ લાખ) જેવી જંગી રકમ ક્યાંથી આવી ? રહીશોનો સીધો આક્ષેપ છે કે વિદેશમાં રહેતા જુનેદ શેખ અને તેના મળતિયાઓએ હિન્દુ વિસ્તારમાં મિલકતો પચાવી પાડવા માટે આ ‘ફંડિંગ’ પૂરું પાડ્યું છે. આ મામલે મની લોન્ડરિંગના એન્ગલથી તપાસ કરવાની પણ ઉગ્ર માંગ ઉઠી છે.

સોસાયટીના સેક્રેટરી અને રહીશોએ આવેદન પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ દસ્તાવેજ રદ કરવામાં નહીં આવે, તો હિન્દુ પરિવારોએ આ વિસ્તારમાંથી પલાયન કરવાની નોબત આવશે.

અમે પેઢીઓથી અહીં રહીએ છીએ. જો કાયદાની આંખમાં ધૂળ નાખીને વિધર્મીઓ અહીં પગપેસારો કરશે, તો અમારી સંસ્કૃતિ અને સુરક્ષા જોખમાશે. સરકાર ન્યાય નહીં આપે તો અમે ઘર વિહોણા થઈશું. – રહીશો, શ્રી અજીત સોસાયટી.

રહીશોએ માંગ કરી છે કે, પ્લોટ નં. 36 નો વેચાણ દસ્તાવેજ તાત્કાલિક રદ કરવામાં આવે. ખોટા સોગંદનામા રજૂ કરનાર અંકિતા ગોહિલ અને મદદગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય. અન્ય હિન્દુ વિસ્તારોમાં પણ આ ટોળકીએ મિલકતો ખરીદી છે કે કેમ તેની તટસ્થ તપાસ થાય.

આ મામલે હવે શહેરના રાજકારણમાં પણ ગરમાવો આવે તેવી શક્યતા છે. શું કલેક્ટર તંત્ર પોતાની ભૂલ સુધારશે કે પછી રહીશોએ ન્યાય માટે કોર્ટના દ્વાર ખટખટાવવા પડશે ? તે જોવું રહ્યું.

Most Popular

To Top