SURAT

કામ પુરૂં નહીં થતાં બોસના ગુસ્સાથી બચવા સુરતના સોફ્ટવેર એન્જિનિયરે બનાવ્યું એવું બહાનું કે, જેલભેગો થઈ ગયો

સુરત : (Surat) કતારગામ ખાતે રહેતો અને મહિધરપુરામાં સોફ્ટવેર (Software) કંપનીમાં નોકરી કરતા એન્જિનિયરે (Engineer) કંપનીને આપવાનું કામ સમયસર પૂર્ણ નહીં કરી શકતા પોતાનું લેપટોપ અને મોબાઈલની લૂંટ (Robbery) થઈ હોવાનું તરકટ રચી કતારગામ પોલીસમાં પહોંચ્યો હતો. જોકે પોલીસે (Police) સીસીટીવી ચકાસતા તે ખોટું બોલી રહ્યો હોવાનું ધ્યાને આવી ગયું હતું. બાદમાં તેણે ખોટું બોલી રહ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે સરકારી કર્મચારીને ગેરમાર્ગે દોરવાની ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.

  • અજાણ્યાએ પિસ્તલ બતાવી લેપટોપ અને મોબાઈલ લૂંટી લીધાની ફરિયાદ કરવા કતારગામ પોલીસમાં પહોંચ્યો
  • સીસીટીવીમાં જોતા પોલીસને શંકા જતા ફરિયાદી જ આરોપી નીકળ્યો

કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે રહેતો 22 વર્ષીય વિશાલ ત્રિવેદી સોફ્ટવેર એન્જિનિયર છે. તે મહિધરપુરા ખાતે જરીવાલા કંપાઉન્ડમાં મૈત્રી એન્ટરપ્રાઈઝ કંપનીમાં નોકરી કરે છે. આ કંપની તેના કાકાની જ છે. આજે વિશાલ કતારગામ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરાવવા ગયો હતો. તેણે પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી હતી કે બાઈક ઉપર બે અજાણ્યાઓએ આવીને તેની પાસેથી લેપટોપ અને મોબાઈલ ફોનની લૂંટ કરી હતી. જેથી પોલીસે તાત્કાલિક સીસીટીવીમાં ચેક કરતા વિશાલ પોતે શંકાના દાયરામાં હતો. વિશાલની લેપટોપની બેગ તેના ઓફિસમાં જ હતી. છતા તેને ખોટું બોલવા બાબતે પુછતા તેને સમયમર્યાદામાં કામ પુરૂ નહીં કરી શક્તા ગભરાઈને લૂંટનું તરકટ રચ્યું હતું. પોલીસે વિશાલની સામે સરકારી અધિકારીને ગેરમાર્ગે દોરવાનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી.

હિરા સ્કેનિંગના કારખાનામાં નોકરીએ લાગતાં જ યુવક 3.80 લાખના હિરા ચોરી ગયો
સુરત: વરાછા ખાતે રહેતા અને હિરા સ્કેનિંગનું કારખાનું ધરાવતા કારખાનેદારના ત્યાં વીસ દિવસ પહેલા જ નોકરીએ આવેલા યુવકે 3.80 લાખના રફ હિરા ચોરી કર્યાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.

વરાછા ખાતે તુલસી શ્યામ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય અમીરશ બાબુભાઈ લાઠીયા વરાછા શ્યામનગરમાં હિરા સ્કેનિંગનું કારખાનું ભાગીદારીમાં ચલાવે છે. અમીરશે રામકુ ઉર્ફે રાજ ગભરૂભાઇ મોભ (રહે.સુરત મુળગામ સાંગણીયા તા.મહુવા જી.ભાવનગર) ની સામે ફરિયાદ નોંધાવી છે. ગત 27 ફેબ્રુઆરીએ અમીરશના ભાગીદાર મેહુલભાઈ પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ‘હું રાજ બોલુ છું’, ટેલીગ્રામ ગૃપ દ્વારા જાણવા મળ્યું છે કે તમારે કારીગરની જરૂર છે તેવું કહ્યું હતું. જેથી મેહુલે હા પાડતા 1 માર્ચે કારખાને મળવા આવ્યો હતો. તેને પોતાનું નામ રાજ હોવાનું કહ્યું હતું. તેને નોકરી પર રાખી 550 હિરાના પેકેટ કામ કરવા માટે આપ્યા હતા. જેમાં રફ હિરા હતા. બાદમાં રાજ સુરાણી નાસ્તો કરવા જાઉ છું તેમ કહીને હિરા લઈને નાસી ગયો હતો. કારખાનામાં સીસીટીવીમાં ચેક કરતા રાત્રે બે વાગે હિરાના પેકેટ પોતાના પેન્ટના ખિસ્સામાં મુકી ચોરી કરી લઈ જતો નજરે પડ્યો હતો. આ અંગે વરાછા પોલીસમાં અરજી કરી હતી. કુલ 17.30 કેરેટ 3.80 લાખના કિંમતના હિરા ચોરી કરી જતા વરાછા પોલીસે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top