Sports

ભારત થાઈલેન્ડને 74 રને હરાવી વિક્રમી આઠમી વખત મહિલા એશિયાકપની ફાઇનલમાં

સિલ્હટ : મહિલા એશિયા કપની (Women’s Asia Cup) આજે ગુરૂવારે અહીં રમાયેલી બીજી સેમી ફાઇનલમાં (Semi Finals) ભારતીય ટીમે (Indian Team) થાઈલેન્ડને (Thailand) 74 રને હરાવીને વિક્રમી આઠમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં તેનો સામનો હવે શ્રીલંકાની ટીમ સામે થશે, જેણે પાકિસ્તાનને છેલ્લા બોલે 1 રને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. થાઈલેન્ડ સામેની સેમીફાઈનલ અપેક્ષા મુજબ એકતરફી રહી હતી. પ્રથમ બેટીગ કરીને ભારતે શેફાલી વર્માની 28 બોલમાં 42 રનની ઇનિંગની મદદથી છ વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા અને જવાબમાં થાઈલેન્ડની ટીમને નવ વિકેટે 74 રન પર અટકાવી દીધી હતી.

થાઈલેન્ડે નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી. અગાઉના લીગ તબક્કામાં ભારત સામે થાઈલેન્ડનું પ્રદર્શન ખરાબ હતું, જેમાં નવ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આજની મેચમાં થાઈલેન્ડના ખેલાડીઓએ વધુ સારું પ્રદર્શન કર્યું હતું, તેમની ચાર વિકેટ આઠમી ઓવરમાં 21 રનમાં પડી ગઈ હતી. ભારત તરફથી ઓફ સ્પિનર ​​દીપ્તિ શર્માએ 7 રનમાં 3 વિકેટ જ્યારે મીડિયમ પેસર રેણુકા સિંહે 6 રનમાં 1 વિકેટ લીધી હતી. આ ઉપરાંત રાજેશ્વરી ગાયકવાડે 2, શેફાલી વર્મા અને સ્નેહ રાણાએ 1-1 વિકેટ લીધી હતી.

ભારતીય ટીમ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સામે બીજી વોર્મઅપ મેચ 36 રને હારી
પર્થ : વર્લ્ડકપ પહેલા આજે ગુરૂવારે અહીં રમાયેલી બીજી વોર્મ-અપ મેચમાં, સ્ટાર ખેલાડીઓ સાથેની ભારતીય ટીમનો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા જેવી ક્લબ ટીમ સામે 36 રને પરાજય થયો હતો. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ ડાર્સી શોર્ટના 38 બોલમાં 52 રન અને નિક હોબ્સનના 41 બોલમાં 64 રનની મદદથી 8 વિકેટે 168 રન બનાવ્યા હતા અને ટીમ ઈન્ડિયા 169 રનના લક્ષ્યાંક સામે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 132 રન જ બનાવી શકી હતી.

ભારતીય ટીમ વતી સૌથી વધુ કેએલ રાહુલે 55 બોલમાં 74 રન બનાવ્યા હતા પણ તે ભારતને જીત અપાવી શક્યો નહીં. ઓપનીંગ કરવા ઉતરેલા ઋષભ પંતે 9, ત્રીજા ક્રમે બેટીંગમાં આવેલા દીપક હુડાએ 6, હાર્દિક પંડ્યાએ 9 બોલમાં 17 રન, અક્ષર પટેલ 2, દિનેશ કાર્તિક 14 બોલમાં 10 રન, હર્ષલ પટેલ (10 બોલમાં 2 રન બનાવ્યા હતા. ભારત વતી રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બેટીંગમાં ઉતર્યા નહોતા. ભારત વતી બોલિંગમાં રવિચંદ્રન અશ્વિને એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઉપાડી હતી. જ્યારે હર્ષલ પટેલે ચાર ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ મેળવી હતી.

Most Popular

To Top