Charchapatra

મહિલા અનામત બિલ એક વ્યૂહરચના?

લગભગ દોઢેક મહિના પહેલાં જ  પૂરા થયેલ સંસદસત્ર પછી થોડા સમયમાં જ એક અઠવાડિયા માટે બોલાવેલ સત્રના એજન્ડાની વિધિવત્ જાહેરાત કર્યા વિના સંસદની  બેઠક બોલાવવામાં આવી. દેશભરમાં સંસદસભ્યો સહિત સૌ વિમાસણમાં હતા કે આ બેઠક કયા કારણસર અને કયાં કામો માટે બોલાવવામાં આવી. આપણા પ્રધાનમંત્રીની લોકોને સરપ્રાઇઝ આપવાની જે ખાસિયત છે એ પ્રમાણે આ તદ્દન ટૂંકું એક અઠવાડિયાનું સત્ર બોલાવવામાં આવ્યું. એમાં જે મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યુ જે દેશની ૨૦૨૬માં વસ્તી ગણતરી થયા પછી લાગુ કરવાની શક્યતા છે એ લોકસભાનું ખાસ સત્ર બોલાવીને આ બિલ લાવવામાં આવ્યું.

આ બિલે સરકારની નિયત બાબતે પણ ઘણા સવાલો પેદા કર્યા. આ બિલનો અમલ અનિશ્ચિત છે તો પછી આ બિલ આ જ સત્રમાં રજૂ કરવાની જરૂર શું હતી અને આશય શું હતો? હવે પછીના રેગ્યુલર સત્રમાં આ બિલ રજુ ન કરી શકાતે? સરકાર દેશની મહિલાઓને આ રીતે ગેરમાર્ગે દોરી શકે? આ બિલની જોગવાઇઓ શું દેશની બેકાર મહિલાઓની મજાક જેવું નથી લાગતુ? આ બિલે આવા ઘણા સવાલો પેદા કર્યા છે, જે આવનાર સમયમાં સત્તાપક્ષ માટે પણ મુંઝવણ ઉભી કરી શકે છે. અલબત્ત  સત્તાપક્ષને એ બાબતનો પૂરેપૂરો ખ્યાલ હશે જ કે આ બિલ પાસ થવાથી  મહિલાઓના મત  અંકે કરવાની શક્યતા નહિવત્ છે.

જ્યારે આ વાસ્તવિકતાનો ખ્યાલ હોય તો આ બિલ આ જ સત્રમાં લાવવા પાછળનો હેતુ શું હોઇ શકે? એવુ ન હોઇ શકે કે આ બિલના અમલીકરણ અંગે અન્ય પક્ષો અને લોકોને વ્યસ્ત કરી સરકાર બીજું કાંઇક કરવાનું વિચારી રહી હોય? સત્તાપક્ષ આવનાર વિઘાનસભાની ચૂંટણી કરતાં પણ વધુ લોકસભાની ચૂંટણી માટે  ચિંતિત હોય અને એમાં સફળતા મેળવવા માટેનો કોઇક રસ્તો વિચારી રહી હોય એ શક્યતાને પણ નકારી ન શકાય કારણકે હાલ દેશ અને દેશના લોકો જે કપરી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે અને વિરોધપક્ષો એક થઇ લોકસભાની ચૂંટણી અંગેની વ્યૂહરચના ગોઠવી રહ્યા છે એ જોતાં ભાજપ અત્યાર સુધીની ચૂંટણીઓમાં જે સરળતાથી વિજય હાંસલ કરતો રહ્યો છે એટલું હવે પછીની ચૂંટણીમાં સરળ ન રહે. દેશના વડા પ્રધાન ઘણી વખત એમના મંત્રીમંડળના સભ્યોને પણ વિશ્વાસમાં લીધા વિના અચંબો પમાડે એવા નિર્ણયો લેવા માટે જાણીતા છે એથી મનમાં શું ચાલે છે એ કળવું મુશ્કેલ છે. જોઇએ, હવે પછીનો સમય કેવા નવા રંગો બતાવે છે.    
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top