SURAT

VIDEO: પર્વત પાટિયાના એપાર્ટમેન્ટની લિફ્ટમાં મહિલા ફસાઈ, ફાયરે દરવાજો કાપી બચાવી

સુરત: સુરતના (Surat) પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટની લિફ્ટમાં (Lift) મહિલા ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. એપાર્ટમેન્ટના (Apartment) રહીશોએ ફાયર બ્રિગેડને (Fire Brigade) કોલ કરતા ફાયરના લાશ્કરો એપાર્ટમેન્ટ પર દોડી ગયા હતા. કોઈ પણ યુક્તિથી લિફ્ટનો દરવાજો ખુલી રહ્યો નહીં હોય આખરે ફાયરના જવાનોએ લિફ્ટના દરવાજાને કાપીને મહિલાને હેમખેમ (Rescue Women) બહાર કાઢી બચાવી હતી.

  • પર્વત પાટિયાના સંસ્કૃતિ એપાર્ટમેન્ટની ઘટના
  • વહેલી સવારે 6.30 કલાકે મહિલા લિફ્ટમાં ફસાઈ
  • પાવર જતાં લિફ્ટ બે માળની વચ્ચે બંધ થઈ ગઈ
  • 36 વર્ષીય મહિલાએ બૂમાબૂમ કરી મુકતા દોડધામ
  • ફાયરે દરવાજો કાપી મહિલાને હેમખેમ બહાર કાઢી

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા સંસ્કૃતિ એપાર્ટમેન્ટની લિફ્ટમાં મહિલા ફસાઈ હતી. એપાર્ટમેન્ટમાં રહેતી 36 વર્ષીય મહિલા સોનલબેન ટેલર વહેલી સવારે 6.30 કલાકે લિફ્ટમાં નીચે ઉતરી રહી હતી ત્યારે એકાએક લિફ્ટ બંધ થઈ ગઈ હતી, જેના લીધે મહિલા અંદર ફસાઈ ગઈ હતી. પાવર જવાના લીધે લિફ્ટ અટકી પડી હોવાનું જાણવા મળ્યું છે. આથી મહિલાએ બૂમાબૂમ મચાવી દીધી હતી. પ્રારંભમાં એપાર્ટમેન્ટના રહીશોએ મહિલાને બહાર કાઢવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેવું શક્ય નહીં બનતા આખરે ફાયરને કોલ કરવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતા ફાયરના જવાનો એપાર્ટમેન્ટ પર દોડી ગયા હતા. લાખ પ્રયાસ છતાં લિફ્ટનો દરવાજો ખુલી રહ્યો નહોતો. લિફ્ટ ત્રીજા માળે બંધ થઈ હતી અને બે માળની વચ્ચે અટકી ગઈ હતી. જે કોઈ ચોક્કસ માળ પણ પહોંચી રહી નહોતી. તેથી મહિલા અંદર બરોબર ફસાઈ ગઈ હતી. આખરે ફાયરના જવાનોએ દરવાજો કાપી, તોડી મહિલાને હેમખેમ બહાર કાઢી બચાવી હતી. તમને જણાવી દઈએકે સંસ્કૃતિ એપાર્ટમેન્ટ પાંચ માળનું છે. ત્રીજા અને ચોથા માળે લિફ્ટ અટકી પડી હતી. પાવર કાપના લીધે લિફ્ટ અટકી હતી, જે પછી શરૂ નહીં થતા સોનલ ટેલર લાંબો સમય સુધી ફસાઈ રહ્યાં હતાં. વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે એપાર્ટમેન્ટના રહીશોમાં ભય વ્યાપી ગયો હતો. અંધારાના લીધે મહિલા પણ લિફ્ટમાં અકળામણ અનુભવી રહી હતી. ફાયરના જવાનોએ દરવાજો કાપી મહિલાને બહાર કાઢી ત્યારે લોકોના મન શાંત થયા હતા.

Most Popular

To Top