Comments

અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસરો હવે દેખાવવા માંડી છે – રોઇટરનો એક રસપ્રદ અભ્યાસ

અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની અસર હવે વિશ્વભરની કંપનીઓ ઉપર થઈ રહી છે. રોઇટર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ દુનિયાભરમાં અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે કાર્યરત કંપનીઓ ઉપર ઓછામાં ઓછું ૨૫ અબજ ડૉલરનું વધારાનું ભારણ પડ્યું છે અને હજુ આ ભારણ વધતું જાય છે. અમેરિકા, યુરોપ અને એશિયાની સ્ટોક એક્સચેન્જ પર નોંધાયેલી કંપનીઓ દ્વારા કરવામાં આવેલા તેમનાં સરવૈયાં મુજબ સમગ્ર વિશ્વમાં પ્રવૃત્ત આ કંપનીઓમાં ઊર્જાની કિંમત વધી રહી છે એટલું જ નહીં પણ એમની સપ્લાય ચેનમાં ભંગાણ પડ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટની ઇરાન દ્વારા નાકાબંધી કરાવવાને કારણે રૂટ બદલીને લાંબા અંતરના થયા છે.

રોઇટરનો આ અભ્યાસ જણાવે છે કે, ૨૭૯ કંપનીઓએ આ યુદ્ધના કારણે વધારાની કિંમતની ઝાળ લાગી હોવાનું કબૂલ્યું છે, એટલું જ નહીં પણ સપ્લાય ચેનમાં ભંગાણ પડવાના કારણે ઉત્પાદનમાં કાપ મૂકવા જેવાં પગલાં પણ લેવા પડ્યાં છે. અભ્યાસમાં એવું પણ તારણ નીકળ્યું છે કે, આમાંથી કેટલીક કંપનીઓએ તો ડિવિડન્ડ આપવાનું માંડી વાળ્યું છે અથવા તેમના પોતાના શેર પાછા ખરીદવાની બાયબેક યોજના ઉપર બ્રેક મારી છે. કેટલાકે કર્મચારીઓની છટણી કરવી પડી છે તો કેટલાક કિસ્સાઓમાં બળતણનો ખર્ચ સારો એવો વધી રહ્યો છે. અગાઉ કોવિડ-૧૯ ત્યાર બાદ રશિયાના યુક્રેન ઉપરના આક્રમણને કારણે ઊભી થયેલી પરિસ્થિતિના અનુભવ ઉપરથી કેટલીક કંપનીઓને અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધનો અંત ટૂંક સમયમાં આવે અને એને કારણે ઊભી થયેલી કટોકટી ઉકલી જાય એવું દેખાતું નથી.

ઔદ્યોગિક ઉત્પાદનમાં કેટલીક જગ્યાએ તો સારો એવો ઘટાડો નોંધાયો છે, જેનું પરિણામ વૈશ્વિક નાણાંકીય કટોકટી જે કોવિડ અથવા રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઊભી થયેલી કટોકટી કરતાં પણ મોટી હશે એવું દર્શાવે છે. વર્લપૂલ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ બિત્ઝરના મત મુજબ એની કંપનીની કામગીરીમાં પચાસ ટકા ઘટાડો થયો છે અને કંપનીએ ડિવિડન્ડ આપવાનું ટાળ્યું છે. આ પરિસ્થિતિમાં જેમ જેમ વિકાસ ધીમો પડતો જાય, ફિક્સ્ડ કોસ્ટ જેટલું પણ ન રળી શકાય અને પરિણામ સ્વરૂપ માત્ર નફો ઘટે એટલું જ નહીં પણ ભાવવધારાના કારણે વધનાર ફુગાવો સરવાળે ગ્રાહકના મુડ પર પણ અસર કરે અને કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઘટાડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

આ બધું થવાના કારણે વપરાશકારો બને ત્યાં સુધી પોતાનાં જૂનાં મશીન અથવા સવલતોથી જ ચલાવી લે છે અને નવી ખરીદી ટાળે છે, જેની અવળી અસર માંગ પર થાય છે. માત્ર ઔદ્યોગિક ઉત્પાદનો જ નહીં પણ કન્ઝ્યુમર માલસામાન ઉત્પન્ન કરતી કંપનીઓ જેવી કે પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને ટોયોટા જેવી કંપનીઓ પણ તકલીફનો સામનો કરી રહી છે. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરી, એણે વિશ્વભરમાં ઊર્જા કટોકટી ઊભી કરી છે, જેને કારણે બ્રેન્ટ ક્રુડ ઓઇલના ભાવ ૧૦૦ ડૉલર પ્રતિ બેરલથી ઉપર થયા છે. હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે શિપિંગ ચાર્જીસમાં તીવ્ર વધારો થયો છે. ઘણા બધા કાચા માલ માટેના સપ્લાય રૂટ કપાઈ ગયા છે, જેને કારણે કાચા માલની તંગી ઊભી થઈ છે અથવા કિંમતમાં સારો એવો વધારો થયો છે.

ફર્ટિલાઇઝર, હિલિયમ, એલ્યુમિનિયમ, પૉલિઇથિલિન અને બીજાં અગત્યનાં ઉત્પાદનો/ કાચો માલ, હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધીને કારણે અસર પામ્યાં છે. કોસ્મેટિક્સથી લઈને ટાયર્સ અને ડિટર્જન્ટ સુધીના ઉત્પાદન કરતી કંપનીઓ ઉપરાંત ક્રુઝ ઓપરેટર્સ અને એરલાઇન્સ વગેરે પણ અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધને કારણે કાચા માલનો ભાવવધારો, સપ્લાય ચેનમાં ભંગાણ તેમજ શિપિંગમાં મુશ્કેલીઓ જેવા પ્રશ્નોનો સામનો કરી રહી છે. આમાંની ઘણી બધી બ્રિટન અને યુરોપમાં આવેલી છે જ્યાં ઊર્જાની વધતી કિંમતનું ભારણ બહુ મોટો બોજ બન્યું છે.

અભ્યાસ હેઠળની કંપનીઓમાંથી ત્રીજા ભાગની કંપનીઓ એશિયામાં આવેલી છે, જે ઊર્જા અને ફર્ટિલાઇઝર માટે મિડલ ઇસ્ટ ઉપર આધાર રાખે છે. ટૂંકમાં કોવિડ-૧૯ જેવી જ વ્યાપક અસરો અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન યુદ્ધની દેખાઈ રહી છે. રોઇટરના અભ્યાસ મુજબ જેટ ફ્યુઅલના ભાવ બમણા થવાના કારણે એરલાઇન્સ ઉપર વધારાનો પંદર અબજ જેટલો બોજો પડ્યો છે. દુનિયાની બીજી કંપનીઓ પણ આમાંથી બાકાત નથી. ટોયોટાને ૪.૩ અબજ ડૉલર તો પ્રોક્ટર એન્ડ ગેમ્બલને એક અબજ ડૉલર જેટલો પોસ્ટ ટેક્સ પ્રોફિટમાં ઘસારો વેઠવો પડ્યો છે. મેકડોનાલ્ડ્સ જેવી કંપનીઓને પણ અસર થઈ છે.

આ અભ્યાસમાં એક તારણ એવું પણ નીકળ્યું છે કે, બળતણની કિંમતમાં વધારો નીચી આવક ધરાવતા જૂથમાં કન્ઝ્યુમર ડિમાન્ડને અસર કરે છે. આ અભ્યાસ મુજબ લગભગ ૪૦ કંપનીઓ જે ઇન્ડસ્ટ્રિયલ, કેમિકલ્સ અને મટીરીયલ્સ ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રે છે. તેમણે જણાવ્યું છે કે, ખાડીના દેશની ઘટનાઓને કારણે તેમની પાસે ભાવ વધારવા સિવાય કોઈ છૂટકો નથી. ન્યુએલ બ્રાન્ડ્સના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર માર્કના જણાવ્યા મુજબ ક્રુડ ઓઇલના ભાવમાં બેરલ દીઠ પાંચ ડૉલરનો વધારો થાય તો સરવાળે ઉત્પાદન કિંમતમાં કુલ પચાસ લાખ ડૉલર જેટલો વધારો થાય.

જર્મન ટાયર ઉત્પાદક કોન્ટિનેન્ટલના અંદાજ મુજબ તેમની કંપનીએ દસ કરોડ યુરો (૧૧.૭ કરોડ ડૉલર) જેટલો ભાવવધારો એમણે વેઠવાનો આવશે. જો કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ-૫૦૦ (S&P 500)ના મત મુજબ હજુ પહેલા ક્વાર્ટરના નફામાં વધુ ઘટાડો દેખાતો નથી પણ ૩૧ માર્ચ બાદ શરૂ થતા બીજા ક્વાર્ટરમાં એ દેખાશે એવું લાગે છે. આમ, ભલે યુદ્ધ અમેરિકા-ઇઝરાયેલ-ઇરાન વચ્ચે મર્યાદિત હોય પણ હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી તેમજ ક્રુડ ઓઇલની કિંમતમાં જબરદસ્ત ભાવવધારો થવાને કારણે ઊર્જા તેમજ સપ્લાય ચેન નેટવર્કમાં ભંગાણ, બધું ભેગું મળીને વૈશ્વિક અર્થવ્યવસ્થાને મોટી અસર કરી રહ્યું છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top