Editorial

ભારતમાં આ વખતે ચોમાસું નબળું રહેવાના સંકેત, કેન્દ્ર સરકારે પૂર્વતૈયારી કરવી પડશે

વિશ્વમાં વાતાવરણમાં આશ્ચર્યજનક ફેરફારો થઈ રહ્યા છે. આ વખતે મે મહિનો ખૂબ ગરમ રહ્યો. હજુ મે માસને પુરો થવામાં વાર છે અને ગરમીએ તોબા પોકારાવી દીધા છે. ભલે તાપમાન 40 ડિગ્રી હોય પરંતુ વાતાવરણ એવું છે કે જાણે 44 ડિગ્રી તાપમાન હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. હજુ ગરમીએ વિદાય લીધી નથી. ગરમીમાં કાયમ એવું થાય કે વરસાદ પડે તો સારૂં પરંતુ જાણે ભારતવાસીઓનું કમનસીબ હોય તેમ આ વખતે દેશમાં વરસાદ નબળો રહેવાના વર્તારા રજૂ કરવામાં આવી રહ્યા છે. આ વખતે અલ નીનોને કારણે ભારતમાં વરસાદ ઓછો થશે તેવી આગાહીઓ કરવામાં આવી રહી છે.

જો વરસાદ ઓછો થશે તો ગરમીમાંથી મુક્તિ તો દૂર રહી ઉપરથી દુકાળનો સામનો કરવો પડે તો નવાઈ નહીં હોય. આમ તો અલ નીનો અને લા નીનોને કારણે વાતાવરણમાં અનેક બદલાવ જોવા મળે છે. જેમાં દુકાળની સાથે ક્યારેક અતિવૃષ્ટિનો સામનો પણ કરવો પડી શકે છે. જોકે, આ વખતે ભારતમાં વર્ષ 2026માં વરસાદ નબળો રહેવા પાછળ જેને જવાબદાર ગણવામાં આવી રહ્યું છે તે અલ નીનો વિશે પણ જાણવા જેવું છે.

અલ નીનોએ એટલે સામાન્ય પરિસ્થિતિઓમાં, પ્રશાંત મહાસાગરમાં ફૂંકાતા ગરમ પવનો પૂર્વથી પશ્ચિમ તરફ (અમેરિકાથી એશિયા/ઓસ્ટ્રેલિયા તરફ) વહે છે, જેના કારણે એશિયા તરફ ગરમ પાણી અને વરસાદી વાદળો એકઠા થાય છે.પરંતુ અલ નીનો દરમિયાન આ પવનો નબળા પડે છે અથવા તેમની દિશા બદલાઈ જાય છે. પરિણામે ભૂમધ્યરેખીય પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ખૂબ વધી જાય છે. આ વખતે વૈજ્ઞાનિકો તેને ‘સુપર અલ નીનો’ કે ‘ગોડઝિલા અલ નીનો’ તરીકે ઓળખાવી રહ્યા છે, કારણ કે સમુદ્રનું તાપમાન 2થી 4 ડિગ્રી જેટલું વધી ગયું છે. આ ગરમ પાણીના કારણે વરસાદી વાદળોની આખી સિસ્ટમ અમેરિકા તરફ ખસી જાય છે અને ભારતીય ઉપખંડ તરફ આવતા પવનો શુષ્ક (ભેજ વગરના) બની જાય છે.

ભારતીય હવામાન વિભાગ અને વૈશ્વિક એજન્સીઓના તાજેતરના અહેવાલો મુજબ, આ સુપર અલ નીનો ભારતના ચોમાસાના માળખાને ખૂબ જ પ્રભાવિત કરશે. જેમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસાની સીઝનમાં લાંબા ગાળાની સરેરાશના માત્ર 92 ટકા જેટલો જ વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિજ્ઞાન મુજબ 96% થી 104% વચ્ચેના વરસાદને જ સામાન્ય ગણાય, જેથી 92% વરસાદ ‘નબળા ચોમાસા’નો સંકેત છે. વરસાદનું મોડું નબળું પડવું , ચોમાસાનું આગમન વહેલું થવાની સાથે ચોમાસું જૂન-જુલાઈ મહિના પ્રમાણમાં સ્થિર રહેશે. પરંતુ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલ નીનોની સૌથી ઘાતક અસર દેખાશે, જેના કારણે વરસાદમાં મોટો ખેંચાણ આવશે.

સૂકા વિસ્તારો ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારત (પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાત) માં વરસાદની ભારે અછત અને દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. અલ નીનોના કારણે દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ અને ભારે વરસાદને કારણે પૂર આવવાનું જોખમ વધી જાય છે. ચોમાસું નબળું રહેતા જળાશયોમાં પાણી ઘટશે. ડેમોમાં પાણીની આવક ઘટશે, જેનાથી પીવાના પાણીની તંગી અને હાઇડ્રો-પાવર પ્લાન્ટ્સમાં વીજળી ઉત્પાદન ખોરવાઈ શકે છે.

રાહતની વાત એ છે કે, હવામાન વિજ્ઞાનીઓ અપેક્ષા રાખી રહ્યા છે કે ચોમાસાના અંત ભાગમાં પોઝિટિવ ઇન્ડિયન ઓશન ડિપોલ સક્રિય થઈ શકે છે, જે હિંદ મહાસાગરમાંથી થોડો ભેજ લાવીને અલ નીનોની નકારાત્મક અસરોને આંશિક રીતે ઓછી કરવામાં મદદ કરી શકે છે. જોકે, જો આવું નહીં થાય તો આ વખતે ભારતે નબળા ચોમાસા માટે તૈયારી રાખવી પડશે. નબળું ચોમાસું દેશમાં અનાજની અછતની સાથે સાથે પાણીની પણ મોટી અછત ઉભી કરશે. જેને કારણે દેશના જીડીપી પર મોટી અસર થાય તેમ છે. સરકારે પણ નબળા ચોમાસા માટે એલર્ટ રહેવું પડશે. જો સરકાર સજાગ નહીં રહે તો આ વખતે દેશમાં દુકાળની બૂમો ઉઠશે તે નક્કી છે.

Most Popular

To Top