SURAT

બપોર પછી સારો પવન નીકળવાની શક્યતા : પતંગરસિયાઓને ઠુમકાં નહિં મારવા પડે

સુરતઃ આજે બપોર પછી સારો પવન (Wind) નીકળવાની સંભાવના હોવાથી પતંગરસિયાઓ સાંજ સુધી પતંગ (King) ચગાવવાની મજા લઈ શકશે. ઉત્તરાયણના (Uttrayan) દિવસે શહેરમાં પવનની ગતિ દસથી બાર કિલોમીટરની રહેવાની આગાહીને પગલે સુરતીઓએ પતંગને વધારે ઠુમકાં નહિં મારવા પડે અને મસ્તીથી તહેવારને ઉજવી શકશે. સવારે સામાન્ય પવનની સ્થિતિ બાદ બપોર પછી 10થી 12 કિલોમીટરને ઝડપે પવન ફૂંકાશે જ્યારે પવનની દિશા ઉત્તર-પૂર્વની રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉત્તરાયણની ઉજવણી માટે સુરતીઓ વરસોથી ઉત્સાહી રહ્યાં છે, ખાસ કરીને મૂળ સુરતીઓમાં ઉત્તરાયણ એટલે પતંગ, ઊંધીયું, પોંક, જલેબીની જયાફત અને રાત્રે પોત-પોતાના પરિવારો સાથે કે મિત્રવર્તુળ સાથે મળીને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવો અને આ રસમને તો હવે દરેક સુરતવાસીએ અપનાવી લીધી છે. આ જયાફતના દૌર વચ્ચે દિવસભર ધાબા પર કાપ્યો છે અને લપેટની બૂમો પાડતાં રહેતા પતંગરસિયાઓની નજર પવન અને તેની દિશા પર વધારે મંડાયેલી હોય છે. ઉત્તરાયણના આગલા દિવસથી જ તેઓ સારો પવન નીકળે તેવી ચર્ચા કરતાં રહે છે. કોરોના અને લોકડાઉન બાદ આ વર્ષે સુરતીઓ મનમૂકીને ઉત્તરાયણ ઉજવવાના મૂડમાં છે. રાંદેરથી લઈને વોલસિટીમાં આવેલા ડબરગરવાડ ખાતે છેલ્લાં બે દિવસથી પતંગ અને દોરાની ધૂમ ખરીદી નીકળી હતી. પરંતુ સુરતીઓના ઉતરાયણની ઉજવણીનો દારોમદાર પવનની ગતિ પર પણ રહેલો છે, ઉત્તરાયણના દિવસે શહેરમાં પવનની ગતિ સવારે સામાન્ય રહ્યાં બાદ બપોર પછી ૧૦ થી ૧૨ કિલોમીટરની ઝડપની રહેશે.

તાપમાનની વાત કરીએ તો શહેરમાં શુક્રવાર સવારથી જ ઠંડીનો ચમકારો અનુભવાયો હતો અને ગુરુવારે શહેરમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ હોવાને કારણે રાતનું તાપમાન દોઢ ડિગ્રી વધીને ૧૭.૬ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાનમાં શુક્રવારે ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા દિવસભર ઠંડીની અસર વર્તાઈ હતી. શહેરમાં આજે મહત્તમ તાપમાન ૨૬.૩ ડિગ્રી નોંધાયું હતું અને પ્રતિ કલાક સાત કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાયો હતો. જયારે આજે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 10 થી 12 કિલોમીટર રહેવાની આગાહી પ્રમાણે જો પવન નીકળશે તો સુરતીલાલાઓ સરળતાથી પતંગ ઊંચે ઉડાવી શકશે.

Most Popular

To Top