Madhya Gujarat

પત્નીએ પ્રેમી સાથે રહેવા જીદ કરતાં પતિએ હત્યા કરી

આણંદ : ભાલેજ પોલીસ તાબેના સૈયદપુરા નહેરમાં બાંગ્લાદેશની યુવતીની હત્યા કરી તેની લાશ ફેંકવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. પ્રથમ તપાસમાં આ હત્યા પાછળ મોન્ટુ ઉર્ફે જમાલ પર શંકા ઉઠી હતી. પરંતુ આ સમગ્ર કેસમાં પતિ, પત્ની અને વોનો એંગલ બહાર આવ્યો છે. બાંગ્લાદેશની યુવતી વિઝીટર વિઝા પર પતિ સાથે ચકલાસીમાં સ્થાયી થઇ હતી. પરંતુ તે મોન્ટુ ઉર્ફે જમાલના પ્રેમમાં પડી હતી અને તેની સાથે જ અહીં રહેવાની ઇચ્છા વ્યક્ત કરતાં પતિ ઉશ્કેરાયો હતો અને તેના પર છરીના ઉપરા છાપરી ઘા ઝીંકી હત્યા કરી હતી. જોકે, સાતીર પતિએ આ હત્યાને અંજામ આપ્યા બાદ જમાલને જાણ કરી ભાગી ગયો હતો. આથી, ગભરાયેલો જમાલ લાશની નિકાલ કરવા જતાં ફસાયો હોવાનું ખુલ્યું છે.

ઉમરેઠના સૈયદપુરા નજીક કેનાલમાં બાંગ્લાદેશની યુવતીની લાશ મળી હતી. છે. જેની પોલીસ તપાસમાં 30 વર્ષીય યુવતીની હત્યા કર્યા બાદ તેને કેનાલમાં ફેંકવામાં આવી હતી. આ ઉપરાંત સ્થળ પર લાશ ફેંકવા ઉપયોગમાં લેવાયેલી ઈકો ગાડી પાસેના ખેતરમાંથી મળી આવી હતી. પંથકાં ચકચાર જગાવનાર આ ઘટનામાં ભાલેજ પોલીસે ઉત્તરસંડાના જેક્શન મેકવાન અને દિનેશ મેકવાનની ધરપકડ કરી હતી. જ્યારે હોટલ સંચાલક મીન્ટુ ઉર્ફે જમાલ ફરાર હોઈ તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. આ બનાવની શરૂઆતમાં પોલીસ નાણાકિય લેતી દેતીમાં યુવતીની હત્યા કરાઇ હોવાનું માની રહી હતી. પરંતુ આ ઘટનામાં પતિ, પત્ની અને વોનો એંગલ નિકળ્યો છે.

ભાલેજ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે યુવતીના ફોટા અને સમાચાર સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા આ માહિતી બાંગ્લાદેશમાં રહેતા મૃતકના પરિવાર સુધી પહોંચી હતી. જે અનુસંધાને મૃતક યુવતીનો પતિ કામરુલ ઈસ્લામ એકલો બાંગ્લાદેશ પરત આવવા નીકળ્યો હોવાની જાણકારી મૃતક યુવતીના પરિવારજનોને મળતા તેઓએ બાંગ્લાદેશના કોતવાલી પોલીસ સ્ટેશન જિલ્લો જાસોર પોલીસ મથકે કામરુલ ઇસ્લામ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી. જે આધારે બાંગ્લાદેશ પોલીસે તેને એરપોર્ટ ઉપરથી જ દબોચી લીધો હતો.

બાંગ્લાદેશ પોલીસે તેની પ્રાથમિક પુછપરછ કરતા તેને ભારતમાં પત્નિ સલમાની હત્યા થઈ હોવાનું જણાવી તે બન્નેના પાસપોર્ટ લઈ બાંગ્લાદેશ પરત આવ્યો હોવાનું કબુલ્યું હતું. જોકે બાંગ્લાદેશ પોલીસે ભાલેજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એસ.ઝાલાએ તપાસની વિગતો ત્યાં આપી હતી. જેમાં ભાલેજ પોલીસને મૃતક સલમાનો પતિ કામરુલ ઈસ્લામ જ આ હત્યાનો મુખ્ય આરોપી હોવાની શંકા જતા બાંગ્લાદેશ પોલીસને કુનેહ અને કડકાઈ પૂર્વક કેટલાક પ્રશ્નો તપાસવા જણાવ્યું હતું. જેમાં કામરુલ ઇસ્લામ ભાંગી પડ્યો હતો અને તેણે પત્નિ સલમાખાતુનની હત્યા કરી હોવાનો ગુનો કબૂલ્યો હતો.

કામરુલને ભારત લાવવા વિદેશ વિભાગ સાથે સંકલન ચાલી રહ્યુ છે
આ અંગે નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે, હાલ કામરુલ બાંગ્લાદેશ પોલીસની કસ્ટડીમાં છે.તેને ભારત લાવવા માટે પોલીસ દ્વારા વિદેશ વિભાગ સાથે સંકલન કરી કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.જ્યારે મુખ્ય આરોપી પૈકી મીન્ટુ ઉર્ફે જમાલ ફરાર છે. જેને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. તે હાથમાં આવે તો આ હત્યા અંગેની કેટલીક વધુ માહિતી સ્પષ્ટ થશે.

સલમાએ જમાલ સાથે જ રહેવા અને બાંગ્લાદેશ પરત ન જવાનું કહેતા મોતનું કારણ બન્યું
બાંગ્લાદેશ પોલીસ સમક્ષ પતિ કામરુલ ઇસ્લામે હત્યાના કારણ સંદર્ભે કબૂલ્યુ હતું કે, તેઓ એપ્રિલમાં વિઝીટર વિઝા સાથે ભારત આવ્યા હતા. સલમા આ અગાઉ પણ ભારત આવી ચૂકી હતી. જે દરમ્યાન તેની મીન્ટુ ઉર્ફે જમાલના સંપર્કમાં આવી હતી. જ્યાં બે વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. જમાલે ચકલાસી ખાતે એક મકાન પણ સલમાને ભાડે લઈ આપ્યું હતું. જ્યાં બન્ને પતિ-પત્નિ રહેતા હતા. હત્યાના દિવસે કામરુલ અને સલમા વચ્ચે જમાલ સાથેના પ્રેમ સંબંધને લઈ ઝગડો થયો હતો. જેથી સલમાએ કામરુલને ઉગ્રતાથી સ્પષ્ટ જણાવ્યું કે, તે હવે ભારતમાં જમાલ સાથે જ રહેશે. તે બાંગ્લાદેશ પરત નહિ આવે. જેથી અકળાઈ ઉઠેલા કામરુલે ઉપરાછાપરી છરીના ઘા ઝીકી સલમાની હત્યા કરી દીધી હતી. આ હત્યા બાદ કામરુલ ત્યાંથી બાંગ્લાદેશ આવવા ભાગી ગયો હતો. પરંતુ તે પહેલા તેણે જમાલને ફોન કરી સલમાની હત્યા કરી છે અને તેની લાશ ઘરે હોવાનું જણાવ્યું હતું. આ ફોન બાદ જમાલ ગભરાઇ ગયો હતો અને પોલીસને જાણ કરવાના બદલે લાશના નિકાલ કરવાની પેરવીમાં ઉત્તરસંડાના બે મિત્રોની મદદ લીધી હતી. પરંતુ કાર ખેતરમાં ઘુસી જતાં ભાંડો ફુટ્યો હતો.

જમાલ દેહવ્યાપારનું નેટવર્ક ચલાવતો હોવાની શંકા ?
બાંગ્લાદેશથી પતિ સાથે આવેલી સલમા તેના પ્રેમી જમાલની મદદથી ચકલાસીમાં સ્થાયી થઇ હતી. જોકે, જમાલ તેની પાસે દેહવ્યાપાર કરાવતો હોવાની પણ પોલીસને શંકા છે. પરંતુ જ્યાં સુધી જમાલ પકડાઇ નહીં ત્યાં સુધી આ બાબતો ખુલાસો થઇ શકે તેમ નથી. આ ઉપરાંત ભાલેજ પોલીસની તપાસ દરમ્યાન પોલીસને એક ડાયરી પણ મળી છે, જે ડાયરીને આધારે તપાસ વધુ મજબૂત થશે. તો બાંગ્લાદેશી અને પશ્ચિમ બંગાળની ગીરોહ અને તેના સ્થાનિક સાગરીતોના હ્યુમનટ્રાફિકિંગ નેટવર્કનો પણ પર્દાફાશ થઈ શકે છે.

Most Popular

To Top