Columns

જાતિ આધારિત વસ્તીગણતરીથી ભાજપ કેમ ડરી રહ્યો છે?

આ મહિનાની ચોથી તારીખે પટના હાઇ કોર્ટે બિહાર સરકારની જાતિ આધારિત વસ્તીગણતરી ઉપર વચગાળાનો સ્ટે આપ્યો છે. આ જાતિ આધારિત વસ્તી ગણતરીની શરૂઆત જાન્યુઆરી મહિનાની સાતમી તારીખે કરવામાં આવી હતી. આ ગણતરી પંચાયતથી લઈને જિલ્લા કક્ષા સુધી મોબાઈલ એપ જેવા ડિજિટલ માધ્યમ દ્વારા કરવામાં આવી રહી હતી. બિહાર સરકારના આ પગલાંની વિરુદ્ધમાં ત્રણ અરજીઓ કરવામાં આવી હતી જે પૈકીની એક અરજી ‘યૂથ ફોર ઇક્વાલિટી’સંસ્થા દ્વારા કરવામાં આવી હતી.

ચીફ જસ્ટિસ કે. વિનોદચંદ્રન અને જસ્ટિસ મધુરેશ પ્રસાદની બેન્ચ દ્વારા આ સ્ટે આપવામાં આવ્યો હતો અને હવે પછીની સુનાવણી જુલાઇ મહિનાની ત્રીજી તારીખે રાખવામાં આવી છે. કોર્ટના કહેવા મુજબ રાજ્ય સરકારને વસ્તીગણતરી કરવાનો કે તેના નિયમોમાં ફેરફાર કરવાનો કોઈ અધિકાર નથી. તે ઉપરાંત આ જાતિ આધારિત વસ્તીગણતરીની માહિતી રાજ્ય સરકાર દ્વારા અનેક રાજકીય પક્ષોને મોકલવામાં આવનાર હતી જે નાગરિકોના ગોપનીયતાના અધિકારોનો ભંગ છે, તેવું કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું.

બિહાર સરકારની વિરુદ્ધમાં અરજી કરનાર સંસ્થાઓના કહેવા મુજબ વસ્તીગણતરી કરવાનો અધિકાર ભારતના બંધારણ મુજબ ફક્ત કેન્દ્ર સરકારને જ છે. સેન્સસ એક્ટ ૧૯૪૮ મુજબ ફક્ત કેન્દ્ર સરકાર પાસે જ સત્તા છે કે તે વસ્તીગણતરીના નિયમો બનાવી શકે, કર્મચારીની નિયુક્તિ કરી શકે, ગણતરી માટે સ્થળ માંગી શકે, માહિતી માંગી શકે, કર્મચારીના પગાર ચૂકવી શકે કે પછી પોતાની સત્તાઓ અન્ય અધિકારીઓને આપી શકે. તે ઉપરાંત એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સેન્સસ એક્ટ ૧૯૪૮ અંતર્ગત જાતિ આધારિત વસ્તી ગણતરીની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી, તેથી બિહાર સરકારનું નોટિફિકેશન ભારતીય બંધારણના પાયાના ઢાંચાની વિરુદ્ધનું છે.

 બિહાર સરકારનું નોટિફિકેશન ગેરકાયદે છે, ગેરબંધારણીય છે અને વોટ બેન્કના રાજકારણ માટે રાજ્ય અને દેશની જાતીય એકતા ઉપર પ્રહાર કરનાર છે એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. અહીં એ જાણવું રસપ્રદ રહેશે કે કેમ જાતિઆધારિત વસ્તી ગણતરી કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું? કયા રાજકીય પક્ષો આ મુદ્દાનો સાથ આપે છે? કયા રાજકીય પક્ષોને આ પ્રકારની વસ્તીગણતરીથી નુકસાન છે? ‘જનરલ’તરીકે ઓળખાતી જાતિમાં ‘આર્થિક રીતે પછાત’નું આરક્ષણ મળ્યા બાદ સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ વડે જાતિ આધારિત વસ્તીગણતરીની માંગ કરવામાં આવી હતી.

તેનું કારણ એમ છે કે વર્ષ ૧૯૩૧ માં જાતિ આધારિત વસ્તીગણતરી હાથ ધરાય બાદ છેલ્લાં ૯૦ વર્ષમાં ભારતમાં કોઈ પણ પ્રકારની જાતિ આધારિત વસ્તીગણતરી થઈ નથી. આજની તારીખમાં આરક્ષણ માટે કરવામાં આવતી જોગવાઇઓ વર્ષ ૧૯૩૧ ની વસ્તી ગણતરીને જ આધાર ગણે છે. વર્ષ ૧૯૮૦ ના મંડલ કમિશનના રિપોર્ટમાં પણ વર્ષ ૧૯૩૧ ની જાતિ આધારિત વસ્તીને જ ધ્યાનમાં લેવામાં આવી હતી. આજની તારીખે ભારતની વસ્તીમાં કઈ જાતિનું કેટલું યોગદાન છે, કઈ જાતિ પછાત છે અને કઈ જાતિ આર્થિક રીતે સધ્ધર છે તેની ગણતરી કરવા માટે જાતિ આધારિત વસ્તીગણતરી જરૂરી બની જાય છે. જો જાતિ આધારિત આરક્ષણ આપવામાં આવતું હોય તો તેના માપદંડ માટે ભારતની કુલ વસ્તી પૈકી દરેક જાતિની હાલની ટકાવારી જાણવી મહત્ત્વની બની રહે છે. તો જ દરેક જાતિને ન્યાય મળ્યો એમ કહી શકાય.

વર્ષ ૧૯૪૭ માં જ્યારે દેશને આઝાદી મળી ત્યારે બંધારણના ઘડવૈયાઓએ જાતિ વ્યવસ્થાને દૂર કરી ભારતના નાગરિકને એક બિનસાંપ્રદાયિક ઓળખ આપવાનું નક્કી કર્યું. તેમ છતાં આઝાદીનાં ૭૬ વર્ષ બાદ પણ હજુ આપણે ઉપલું વર્ણ અને નીચલું વર્ણના ભેદભાવથી દૂર થયા નથી. દેશની સામાજિક રીતે ઉચ્ચ જાતિઓ મહત્તમ સામાજિક અને રાજકીય સત્તાઓ ધરાવે છે તેમ જ આર્થિક તાકાત પણ તેમની પાસે છે; જ્યારે સામાજિક રીતે પછાત જાતિઓ હાંસિયામાં ધકેલાઇ જાય છે તેમ જ સરકારી મદદ ઉપર જ જીવે છે.

વર્ષ ૧૯૩૧ની વસ્તીગણતરી મુજબ ‘અન્ય પછાત જાતિઓ’ દેશની વસ્તીના ૫૨% હતા. આ જાતિઓમાં ખેતીવાડી સાથે સંકળાયેલી જાતિઓ, હસ્તકલાના કારીગરો અને શારીરિક શ્રમિકોનો સમાવેશ થતો હતો. સામાન્ય રીતે તેમને ‘બહુજન’તરીકે ઓળખવામાં આવતા હતા. વર્ષ ૧૯૩૧ બાદ આ જાતિનાં લોકોની વસ્તીગણતરી હાથ ધરવામાં આવી નથી અને તેથી આજની તારીખે ભારતની કેટલા ટકા વસ્તી ‘અન્ય પછાત જાતિ’માં આવે છે તેની કોઈને જાણ નથી. ભારતમાં આદિવાસી અને દલિતોની વસ્તીગણતરી સમયાંતરે થતી રહે છે. તે મુજબ તેમના અધિકારો અને તેમની માટેની રાજકીય સહાયમાં ફેરફાર થતાં રહે છે. ‘અન્ય પછાત જાતિ’ઓ માટે રાષ્ટ્રીય સ્તરે આ પ્રકારની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. આ કારણોસર જાતિ આધારિત વસ્તીગણતરીની માંગ જોર પકડી રહી છે, જેમાં કોંગ્રેસ પણ જોડાઈ ચૂકી છે.

એવું માનવામાં આવે છે કે જાતિ આધારિત વસ્તીગણતરી વડે સામાજિક અને રાજકીય હિત જોખમમાં આવી શકે છે. ખાસ કરીને બીજેપી વડે ઊભી કરવામાં આવેલી હિન્દુત્વની અને ધાર્મિક એકતાની છબીને ધક્કો પહોંચી શકે છે. પાછલા અનેક દાયકાઓમાં સફળ થયેલા બહુજન, દલિત અને આદિવાસી નેતાઓ જેમકે લાલુપ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ, રામવિલાસ પાસવાન, શરદ પવાર વગેરેને બીજેપીની ઝનૂની ધાર્મિક એકતાની નીતિએ એક બાજુમાં ખસેડી દીધા છે. બીજેપીને ખબર હતી કે તે હિન્દુત્વની વાતો વડે ફક્ત અમુક જ જાતિઓના મત જીતી શકશે અને તેથી અન્ય હિન્દુ જાતિઓના મત જીતવા માટે બીજેપીએ સાંસ્કૃતિક અને સામાજિક નીતિઓ અમલમાં મૂકી. બીજેપીએ એવો પ્રચાર કર્યો હતો કે ‘અન્ય પછાત જાતિ’ઓને સરકારમાં પૂરતા પ્રમાણમાં હિસ્સો મળશે તેમ જ તેમના વિકાસ માટે ખાસ નીતિઓનો અમલ કરવામાં આવશે.

વર્ષ ૨૦૧૪ થી બીજેપીની પછાત જાતિઓ માટેની નીતિની વ્યાપક અસરો જોવા મળી છે અને ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણાની અત્યંત પછાત જાતિઓનો જબરદસ્ત સહકાર બીજેપીએ મેળવ્યો છે. બીજેપીની નીતિઓને કારણે ઓબીસીની પોતાની એક્તામાં ભંગાણ પડ્યું તથા આ જાતિનાં મહત્તમ લોકો આરજેડી અને એસપી જેવા પક્ષો સાથે છેડો ફાડી બીજેપીમાં જોડાઈ ગયા છે. જો કે ઓબીસીને કારણે બીજેપીને જેટલો ફાયદો થયો છે તેટલો ફાયદો ઓબીસીનાં લોકોને નથી થયો.

જો જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરાશે તો દેશના દરેક પ્રાંતમાં ઓબીસીની વસ્તીનું માપ કાઢી શકાશે. તે ઉપરાંત સરકારી અને બિનસરકારી સંસ્થાઓના વિવિધ હોદ્દાઓ ઉપર ઓબીસીનું પ્રમાણ જાણી શકાશે. એવી ધારણા છે કે ઓબીસીની મહત્તમ વસ્તી હોવા છતાં દરેક જગ્યાએ તેમનો પ્રભાવ ન્યૂનતમ છે. જો આંકડાઓ દ્વારા આ બાબત સાબિત કરી શકાય તો ઓબીસી આધારિત રાજકારણ પુનર્જીવિત થાય. બીજેપીના ધાર્મિક એકતાના મુદ્દા સામે કોંગ્રેસ, આરજેડી, એસપી અને અન્ય પક્ષોનો ઓબીસી અધિકારોનો મુદ્દો ચૂંટણીઓ સમયે નિર્ણાયક બની શકે એમ છે. બીજેપી એટલે જ જાતિ આધારિત વસ્તીગણતરીનો વિરોધ કરી રહી છે.

Most Popular

To Top