SURAT

પડોશની કરિયાણાની દુકાનમાં લાગેલી આગ જોઈને સુરતના યુવાનનું હાર્ટ એટેકથી મોત

સુરત: ડિંડોલી વિસ્તારમાં રવિવારે મધરાત્રે કરિયાણાની એક દુકાનમાં આગ લાગી હતી. આગના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બાજુમાં રહેતાં એક યુવકને આગ લાગવાથી ગભરાણ શરૂ થઈ હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

  • આગની જ્વાળા જોઈ ગભરાયેલા યુવકને હોસ્પિટલ લઈ જવાયો, ટૂંકી સારવાર બાદ મોત
  • દુકાનના રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, કરિયાણા સહિતનો સામાન બળીને રાખ

યુવકને આગના કારણે હાર્ટ એટેક આવવાથી તેનું મોત થયું હોવાની સંભાવના છે. આગમાં દુકાનનો તમામ માલ સમાન બળીને રાખ થઇ ગયો હતો. દુકાન માલિકે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરતા ડિંડોલી ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

ફાયર સૂત્રો તેમજ નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ડિંડોલી સરસ્વતી નગર પાર્કમાં પ્લોટ નંબર 5માં રુબીબેન શુકલા રહે છે અને ઘરની બાજુમાં જ તેઓ કરિયાણાની દુકાન ચલાવે છે. રવિવારે મધરાત્રે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતાં અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ દુકાનમાં આગ ભડકી ઉઠી હતી.

આગ લાગવાથી બાજુમાં જ રહેતા અમરજીત રામઅનુજ જાગીને ઘરની બહાર નીકળ્યો હતો. આગ જોઈને તેને ગભરામણ થવા લાગી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. હાર્ટ એટેકથી તેનું મોત થયું હોવાની સંભાવના છે.

આગ બાબતે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ડિંડોલી ફાયર સ્ટેશનના લાશ્કરોનો કાફલો તુરંત જ સ્થળ ઉપર પહોંચી ગયો હતો. ફાયર ઓફિસર તરુણ ગઢવીએ જણાવ્યું હતું કે, દુકાનની અંદર રેફ્રિજરેટરમાં શોર્ટ સર્કિટ થયું હતું, જેને કારણે આગ ભડકી ઉઠી હતી. આગમાં દુકાનમાં રાખેલો કરીયાણાનો તથા અન્ય છૂટક માલ સામાન સંપૂર્ણ બળીને રાખ થઇ ગયો હતો.

Most Popular

To Top